અમેરિકન ડોલરના પર્ફોર્મન્સને જોઈ ચાંદીમાં રોકાણ વધારતા ભાવ મજબૂત થઈ ગયા
૨૦૨૨ની તુલનાએ ૨૦૨૩માં સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ઘણી બધી ઉઠાપટક જોયા પછી ૨૦૨૨ના અંતે નજીવા સુધારા સાથે ચાંદી(Silver)બંધ રહી હતી. અલબત્ત, આશ્ચર્યજનક રીતે સોના(Gold)ને ઝાંખું પાડી દીધું હતું. પણ જો ૨૦૨૩ના વર્ષને જોઈએ તો વિશ્વની સેન્ટ્રલ બેન્કો અને ખાસ કરીને અમેરિકન ફેડરલ રિઝર્વ (American Federal Reserve) જે પ્રકારની નીતિ અપનાવશે તે નિશ્ચિત પણે ચાંદી માટે ચાલકબળ બની રહેશે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને ફાઇવ-જી ટેકનોલોજીનો વિકાસ ચાંદીની ઔધ્યોગિક માંગમાં વધારો કરશે. ૨૦૨૩નું વર્ષ આર્થિક રીતે વધુ એક જોખમીવર્ષ પુરવાર થવાની આગાહી થઈ છે, ત્યારે ૨૦૨૨ના ચોથા ત્રમાસિકમાં સોનાએ સમયસર સલામત મૂડીરોકાણના સ્વર્ગની ભૂમિકા નિભાવી, અને તેજી સાથે જાન્યુઆરી મહિનામાં પ્રવેશ કર્યો.
૨૮ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ચાંદી ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) દીઠ ૧૭.૪૦ ડોલરની બોટમ બનાવી ત્યારથી અત્યાર સુધીમાં ૨૫ ડોલરના ભાવ નજીકનો ૪૨ ટકાનો ઉછાળો જોયો છે. જ્યારે ૬ માર્ચે સોનાએ ૨૦૭૮.૭૦ ડોલરની ટોપ બનાવી, ઓકટોબર આવતા સુધીમાં ૧૬૪૩ ડોલરની બોટમ સ્થાપી વર્ષાંતે ભાવ ૧૮૫૦.૪૫ ડોલર મુકાયો. આમ વર્ષાંતે ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાના ભાવથી ખરીદી શકાતી ચાંદી અથવા સોનાના ભાવ ભાગ્યા ચાંદીના ભાવ) ૧:૭૭ અથવા ૭૭ રહ્યો હતો. છેલ્લા કેટલાંક મહિનાઓથી ચાંદી તેજીના પાટે ચઢી છે જ્યારે ડોલર ઇન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી રહી છે. એપ્રિલ ૨૦૨૨માં ગોલ્ડ સિલ્વર રેશિયો ૭૨ના તળિયે બેસી ગયો હતો. સોમવારે આ રેશિયો ૭૮ હતો.
બુલિયન બજારમાં ચાંદીએ તેજીની આગેવાની લઈ લીધી હતી, ૨૨ એપ્રિલે ચાંદીનો ભાવ ૨૪.૭૩ ડોલરની ઊંચાઈએ ગયો હતો. હવે ગોલ્ડ સિલ્વર રેશિયો અને ડોલર ઇંડેક્સએ પીછેહઠ શરૂ કરી છે. રોકાણકારોએ અમેરિકન ડોલરના પર્ફોર્મન્સને જોઈને ચાંદીમાં રોકાણ વધારતા ભાવ મજબૂત થઈ ગયા છે. ચાંદીનો અગત્યનો રેસિસટેન્સ લેવલ ૨૬ ડોલર તેજીવાળાના લક્ષ્યાંકમાં છે, તે જોતાં ભાવ વધારો જારી રહેશે. પણ જો ભાવ ૨૩ ડોલરની સપોર્ટ લેવલ સપાટી તોડી નાંખશે તો આપણે ચાંદીની તેજીની આરતી ઉતારવાનું બંધ કરવું પડશે.
આખા વિશ્વમાં મહત્તમ દેશોએ પોતાને ત્યાં ફુગાવો ઠારવા સેન્ટ્રલ બેન્કોએ નાણાનીતિ ધરખમ ટાઈટ કરી દેવા સાથે એક તરફ ડોલર મજબૂત થવા લાગ્યો અને બીજી તરફ બોન્ડ યીલ્ડ ઉપર ગયા, આ બંને કારણોએ ઝડપથી ઊંચે જવામાં અંતરાયો નાખ્યા. આટલું અધૂરું હોય તેમ ૨૦૨૩માં બોન્ડ યીલ્ડ નીચા રહેવાનો કેસ મજબૂત બનવા લાગ્યો છે. ૧૯૨૮ પછીના ઘટનાક્રમ જોઈએ તો પ્રથમ તો એ કે બેન્ચમાર્ક અમેરિકન ૧૦ વર્ષીય બોન્ડ ૧૯૫૯ પછી પહેલી વખત ક્રમાનુસાર ત્રણ વર્ષ સુધી નકારાત્મક રિટર્ન આપવા લાગ્યો. બરાબર આ જ સમયે ૧૦ વર્ષીય બોન્ડએ તેના ઇતિહાસમાં સૌથી ઓછું રિટર્ન નોંધાવ્યું છે.
આર્થિક ક્ષેત્રે તીવ્ર મુશ્કેલી, ભૂભૌગોલિક જોખમો અને અન્ય ચિંતાઓને કારણે સોના અને ચાંદી ઐતિહાસિક ભાવ વૃધ્ધિ જોવાતી હોય છે. આ તમામ સમસ્યાઓ ૨૦૨૩માં અનુભવાશે, જે રોકાણકારોમાં અસ્થિરતા પેદા કરશે. પરિણામે સોના ચાંદીના ભાવમાં વૃધ્ધિ સંભવિત રહેશે. ૨૦૨૨ની તુલનાએ ૨૦૨૩માં સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળશે. ગયા વર્ષે બજારીયાઓને સોનાચાંદીએ તલવારની ધાર પર રાખ્યા હતા. ડોલર ઇન્ડેક્સ અને યીલ્ડમાં વધારો, કડક નાણાંનીતિ, સતત વધતો ફુગાવો જેવા અસંખ્ય કારણોએ બુલિયન બજારમાં મોટી અફડાતફડી જોવાઈ હતી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








