નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વધતી ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં આ વર્ષે ગરમીનો પારો 149 વર્ષનો રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 24 એપ્રિલ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ભારે વધારો થશે અને “આકાશમાંથી અગનગોળા વરસતા હોય” તેવો અનુભવ થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલ મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળશે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર જવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી શકે છે.
ઉત્તર ગુજરાતના પંચમહાલ, પાટણ, સમી, હારીજ, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42°C આસપાસ પહોંચવાની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ પારો 42°C સુધી જવાની શક્યતા છે, જ્યારે કચ્છના વિસ્તારોમાં તાપમાન 41°C આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હાલ રાત્રિના સમયે થોડા ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ 24 એપ્રિલ બાદ ગરમીમાં ધીમે ધીમે વધારો થશે અને તેનો પ્રભાવ રાજ્યભરમાં જોવા મળશે. આ ઉનાળો સામાન્ય કરતાં વધુ આકરો અને અકળાવનારો સાબિત થઈ શકે છે.
વધુમાં, અંબાલાલ પટેલે મે મહિનાની શરૂઆતમાં માવઠાની શક્યતા પણ વ્યક્ત કરી છે, જેના કારણે તાપમાનમાં થોડો ફેરફાર આવી શકે છે. જોકે, તાત્કાલિક દિવસોમાં ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.








