નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : લોકસભાના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલ (Women’s Reservation Bill Fail) પસાર ના થઈ શક્યું. મહિલા અનામત અને સીમાંકન માટે આજે લોકસભામાં બંધારણીય સુધારા (Constitution Amendment Bill) વિધેયક પર મતદાન કરાયું હતું, પરંતુ બે તૃતિયાંશ બહુમતી ના મળતા બિલ પસાર થઈ શક્યું નથી. મહિલા અનામત બિલ મુદ્દે 528 સભ્યોએ મતદાન કર્યું છે. આ પૈકી તરફેણમાં 298 મત પડ્યા હતા. જ્યારે 230 સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો છે. આ સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla) એ મતદાનના પરિણામોની સત્તાવાર જાહેરાત કરીને બિલ બહુમતીના અભાવે પસાર નહીં થયું હોવાની પુષ્ટિ કરી હતી. અત્રે નોંધનીય છે કે, હવે લોકસભા શનિવારે સવારે 11 વાગ્યે ફરી મળશે. ગૃહની પ્રભાવી સંખ્યા 540 છે. બિલ પાસ કરવા માટે ઓછામાં ઓછા 360 સાંસદ તરફેણ કરવા જોઈએ.
આ પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બિલ પર જે પરિણામ આવ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.” બિલ નાપાસ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, “બંધારણ (131મો સુધારો) સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં કારણ કે તેને ગૃહમાં મતદાન દરમિયાન બે તૃતીયાંશ બહુમતી મળી ન હતી.








