કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ એસ. જી. હાઈવે પર તારીખ 20ના રોજ મધરાતે એક થાર અને ટ્રકની ટક્કરના કારણે લોકો તે અકસ્માતની આસપાસ એકઠાં થયાં હતાં. પોલીસ પણ આવી ચૂકી હતી અને તેનું કામ કરી રહી હતી. રાતના એક વાગ્યે પોલીસની ગાડીની બ્લિકિંગ થતી લાઇટ અને માર્ગ પર એકઠા થયેલા લોકો જેગુઆર ચલાવતા તથ્ય પટેલને ન દેખાયા અને તેણે 140ની સ્પીડે ગાડી આ લોકો પર ચલાવી દીધી. આ પૂરી ઘટનામાં નવ લોકોના મૃત્યુ થયા છે અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં આવી અકસ્માતોની ઘટના અવારનવાર બને છે, જેમાં નિર્દોષ મૃત્યુ પામે છે. તથ્યની જેમ ઓવરસ્પિડિંગમાં ચાલકો વર્ષે હજારોની આ રીતે જાન લઈ લે છે. ‘મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ હાઇવે’ના 2021ના માર્ગ અકસ્માતના (Road Accident) અહેવાલમાં પણ સિત્તેર ટકા મૃત્યુનું કારણ ઓવરસ્પિડિંગ દર્શાવવામાં આવ્યું છે.

‘મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ હાઇવે’ના અહેવાલ મુજબ અમદાવાદમાં જે માર્ગ અકસ્માતની ઘટના બની તેવી એટલે કે જેમાં વાહન પાછળથી આવીને ટક્કર મારે તેમાં સૌથી વધુ લોકો મૃત્યુ પામે છે. 2021ના વર્ષમાં થયેલાં કુલ અકસ્માતોમાં આવી અકસ્માતોની સંખ્યા 21 ટકા હતી. વિશ્વમાં વર્ષમાં બે લાખથી વધુ મૃત્યુ માત્ર માર્ગ અકસ્માતમાં થાય તેવા દેશોમાં ભારત અને ચીન આવે છે. અકસ્માતનું એક કારણ આપણા દેશનું 63.12 લાખ કિલોમીટર રોડ નેટવર્ક છે. વિશ્વમાં આવેલાં સૌથી વધુ રોડ નેટવર્કમાં એક ભારતનું છે. આ ઉપરાંત, ભારતમાં વાહચાલકોની માર્ગ પરની ગીચતા વિકસિત દેશો જેટલી જ છે, જોકે હજુ આપણા દેશના રસ્તા વિકસિત દેશો જેવા થયા નથી.

માર્ગ અકસ્માતની વાત કરીએ ત્યારે તેની સાથે અનેક બાબતો જોડાયેલી છે, જેમ કે કયા હાઇવે પર વધુ અકસ્માત થાય છે કે અને કયા રાજ્યોમાં? તદ્ઉપરાંત કયા વાહનોનો સૌથી અકસ્માત થાય છે? આવી અનેક માહિતી ‘મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ હાઇવે’ના અહેવાલમાં વાંચવા મળે છે. જેમ કે, એક વિગત આ અહેવાલમાં એવી છે કે દેશના એવા દસ રાજ્યો જેમાં નેશનલ હાઇવે પર સૌથી વધુ અકસ્માત થાય છે. આ રાજ્યોમાં પ્રથમ તમિલનાડુ આવે છે. જ્યાં વર્ષ દરમિયાન પંદર હજારની આસપાસ અકસ્માત થાય છે. આ રીતે વધુ અકસ્માત જે રાજ્યોમાં થાય છે તેમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા, રાજસ્થાન અને બિહાર છે. અહીં આશ્ચર્ય એ વાતનું છે કે દક્ષિણના મોટા ભાગના રાજ્યો વધુ માર્ગ અકસ્માતના યાદીમાં આવી જાય છે. તેનું એક કારણ એ પણ હોઈ શકે કે અહીંયા થતાં માર્ગ અકસ્માતોની નોંધણી યોગ્ય રીતે થતી હશે. બીજું કે અકસ્માતમાં મૃત્યુ કયા રાજ્યોમાં વધુ થાય છે તો તેમાં દસ રાજ્યોમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ આવે છે. જ્યાં અકસ્માતોની સંખ્યા ઓછી હોવા છતાં તેમાં થતાં મૃત્યુની સંખ્યા વધુ છે. ગુજરાત સદનસીબે આ રાજ્યોની યાદીમાં આવતું નથી.
‘મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ હાઇવે’માં એક માહિતી એવી પણ છે કે નેશનલ હાઇવેમાં 2021ના વર્ષમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ પામનારાઓ દ્વિચક્રી વાહન પર હતા. તે પછી કાર અને વાનમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા સૌથી વધુ છે. રાહદારીઓની પણ મોટી સંખ્યા માર્ગ અકસ્માતના મૃત્યુમાં નોંધાઈ છે. માત્ર સાઇકલ ચાલકોની સંખ્યા તેમાં સૌથી ઓછી છે. અમદાવાદના અકસ્માતમાં થયું તેમ દેશભરમાં અકસ્માતોમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ હોય છે. અમદાવાદની જ ઘટનાને લઈ લો તો આ અકસ્માત રાતરે એક વાગ્યાની આસપાસ થયો હતો. આ સમયે સ્વાભાવિક છે કે જે ભીડ પહેલાં અકસ્માત માટે એકઠી થઈ હતી તેમાં મોટા ભાગના યુવાનો હોય.
માર્ગ અકસ્માતના આંકડા અને તેની વિગતમાં આ સમસ્યા વિકરાળ લાગે છે. હવે આ સમસ્યાનું સમાધાન કેટલાંક દેશોએ શોધ્યું છે. જેમ કે અમેરિકામાં અને સ્વીડન જેવાં દેશોમાં ટ્રાફિક સુરક્ષા માટે અલાયદા વિભાગો બનાવવામાં આવ્યા. તેઓ માત્ર ને માત્ર એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે માર્ગો પર સુરક્ષા કેવી રીતે વધે. કોલમ્બિયામાં પણ માર્ગ અકસ્માત ઘટાડવાના પ્રયાસ થયા છે. તેમાં જે પગલાં લેવામાં આવ્યા તેમાં મુખ્યત્વે રાહદારીઓ માટે જગ્યામાં વધારો કરવામાં આવ્યો અને સાથે સાથે જાહેર વાહનવ્યવહાર વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવામાં આવી. આપણે ત્યાં બેફામ વધી રહેલા વાહનો પણ માર્ગ અકસ્માતનું મોટું કારણ બન્યા છે.
આ ઉપરાંત કેટલાંક શહેરોએ પણ પહેલ કરીને સ્થાનિક માર્ગ અકસ્માતની સંખ્યામાં ઘટાડો લાવ્યા છે. જેમ કે ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ડ્રાઇવિંગ કરનારાઓનો આલ્કોહોલિક ટેસ્ટ ફરજિયાત કરી દીધો હતો અને તે કારણે 20 ટકા માર્ગ અકસ્માતમાં ઘટાડો થયો હતો. એ જ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયામાં સિટ બેલ્ટ ફરજિયાત કરવાથી અકસ્માતમાં મૃત્યુ આંક 26 ટકા સુધી ઘટાડી શકાયો હતો. જોકે આ બધા પ્રયાસો વાહન ચાલકો પોતાની જવાબદારી સમજે ત્યારે કરવાના થાય. અમદાવાદમાં જે અકસ્માત થયો તેમાં ચાલક તથ્યની મૂર્ખામીથી થયો હતો. આવો જ એક અકસ્માતમાં જૂન મહિનામાં મુંબઈના કફ પરેડમાં થયો હતો, જ્યાં માર્ગ પર એક બસ ઊભી છે અને સવારના વખતમાં મોર્નિંગ વોક કરનાર એક વ્યક્તિ તે બસની પાછળના હિસ્સામાંથી ચાલતો ચાલતો આવી રહ્યો છે. બસ, તે ઘડીએ એક બીજી બસ ચાલનાર વ્યક્તિને પાછળથી ટક્કર મારે છે અને સીધી જ ઊભી રહેલી બસ સાથે અથડાય છે. આ રીતે તે ભાઈ ત્યાં જ મૃત્યુ પામે છે. હવે જ્યાં વ્યક્તિ બેધ્યાનપણે વાહન ચલાવતો હોય ત્યાં કોઈ પણ રીતે સુરક્ષા આપી શકાય નહીં. તેની માટે કાયદા વધુ કડક થવા જોઈએ. હવે તથ્યના કિસ્સામાં લાગેલી કલમો જોઈએ તો તેને વધુમાં વધુ દસ વર્ષની કેદ થઈ શકે છે.
માળખાગત સુવિધા ઊભી કરવી, નિયમો બનાવવા અને કાયદા કડક બનાવવા ઉપરાંત જે મુખ્ય કાર્ય કરવાનું છે તે અકસ્માત થયા પછી ઇજાગ્રસ્તોને તત્કાલ સુવિધા મળે તે અંગેની. હજુ આ બાબતે આપણે ત્યાં શહેરોમાં સુવિધા મળે છે પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ અકસ્માત થાય તો તેમાં ઘણો સમય વીતી જાય છે અને પ્રાથમિક સુવિધા ન મળવાના અભાવે છેલ્લે ઇજાગ્રસ્તનું મૃત્યુ થાય છે. આ ઉપરાંત કેટલાંક પાયાની માહિતી અને સગવડથી અકસ્માતને ટાળી શકાય અથવા તો અકસ્માતથી બચી શકાય. જેમ કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં માર્ગ જોખમ હોય તો તે અંગેના લખાણના બોર્ડ લગાવવા. આ ઉપરાંત, સ્પીડ બમ્પ પણ ઘણે અંશે અકસ્માતોને ઓછા કરવા માટે ભાગ ભજવે છે. સીટ બેલ્ટ અને હેલ્મેટ જેવી બાબતો પાયાની છે, જેનાથી હજારો લોકોનો જીવ બચી શકે છે. પરંતુ તેનો કાયદો પણ કડક રીતે પળાતો નથી. આ નિયમો ન પાળવાના કારણે છેલ્લે પરિણામ એવું આવે છે કે માર્ગ પર અંધાધૂંધી જોવા મળે છે અને અકસ્માતોની સંખ્યા ઘટતી નથી.
દેશના માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સુદ્ધાએ પણ એવું કબૂલ્યું છે કે તેમણે 2024 સુધી માર્ગ અકસ્માત 50 ટકા ઘટાડવાનો ટારગેટ રાખ્યો હતો. પરંતુ આ ટારગેટ તેઓ હાંસલ નહીં કરી શકે તેમ તેમને લાગે છે. સરકારે અનેક પ્રયાસ કર્યા છતાં માર્ગ અકસ્માત ઘટી રહ્યા નથી તેને લઈને નિતિન ગડકરીએ મર્યાદા પણ સ્વીકારી હતી. માર્ગ અકસ્માતને લઈને વાહન ચાલકોની સમજણ, માળખાગત સુવિધા, કડક કાયદા અને તદ્ઉપરાંત અકસ્માત થયા પછીની સુવિધાને વધુ આધુનિક બનાવવાની જરૂર છે, તો જ આ બાબતે કશુંક ઠોસ પરિણામ મળી શકે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








