Sunday, May 24, 2026
HomeBusinessઆયર્ન ઓરની વર્તમાન તેજી બટકણી સાબિત થશે

આયર્ન ઓરની વર્તમાન તેજી બટકણી સાબિત થશે

- Advertisement -

ચીનની સ્ટીલ મિલોની નફાશક્તિ એપ્રિલમાં ૨૬.૪૧ ટકા હતી તે વધીને ૩૪.૨ ટકા થઈ

ભારતની નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને આયર્ન ઓરના ભાવ ૭થી ૧૧ ટકા ઘટાડ્યા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ચીન તેના બાંધકામ ઉધ્યોગને મદદરૂપ થવા કેટલાંક નવા પગલાં લેવા વિષે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલ સાથે, આ મહિનાથી અમેરિકા તેની વ્યાજદર વૃધ્ધિ સ્થગિત રાખશે, એવા અનુમાન વચ્ચે સ્ટીલ (Steel) ઉત્પાદનનો મુખ્ય કાચો માલ આયર્ન ઓરના (Iron Ore) ભાવ તાજેતરમાં ઝડપથી ઊંચકાયા હતા. બ્રોકિંગ ફાર્મ સિટીએ નવી આગાહી કરતાં કહ્યું છે કે આયર્ન ઓરની વર્તમાન તેજી બટકણી સાબિત થવાની છે. તેમેણે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે ચીન (China) તરફથી જે કઈ રાહતો આવવાની છે, ધરખમ નહીં હોય, જે સ્ટીલની માંગને મોટાપાયે પ્રોત્સાહિત કરી શકે.

એજન્સી કહ્યું કે અમારી આગાહીનો આધાર પુરવઠા સ્થિતિ નથી, અને ચીનની રાહત કામગીરી પણ બજારને મદદરૂપ થાય તેવી નહીં હોય. સિટી એજન્સી બીજા ત્રિમાસિકના આયર્ન ઓરના સરેરાશ ભાવની આગાહી ૪.૩ ટકા ઘટાડો ૧૧૦ ડોલર, ત્રીજા ત્રિમાસિક માટે ૪.૮ ટકા ઘટાડો ૧૦૦ ડોલર અને ચોથા ત્રિમાસિક માટે ૧૪.૩ ટકા ઘટાડી ૯૦ ડોલર કરી છે. સિંગાપુર આયર્ન ઓર બેન્ચમાર્ક વાયદો ૧.૧ ટકા વધી ૧૦૭.૫ ડોલર મુકાયો હતો, જે આ મહિને અત્યાર સુધીમાં ૯ ટકા વધ્યો છે.

- Advertisement -

ચીનના ડેલિયાન કોમોડિટી એક્સ્ચેન્જ પર સપ્ટેમ્બર આયર્ન ઓર વાયદો મે મહિનામાં ૧.૭ ટકા ઘટ્યો હતો, કોકિંગ કોલ ૧૨.૨ ટકા, કોલસા વાયદો ૧૧.૬ ટકા જ્યારે રિબાર ૬.૪ ટકા અને હોટ રોલ્ડ કોઈલ ૪.૫ ટકા ઘટયા હતા. ડેલિયાન સપ્ટેમ્બર આયર્ન ઓર વાયદો બુધવારે ૦.૬ ટકા વધીને ૭૭૪ યુઆન (૧૦૮.૭૫ ડોલર) પ્રતિ ટન મુકાયો હતો. માયસ્ટીલના ડેટા કહે છે કે સ્ટીલ મિલોની નફાશક્તિ એપ્રિલમાં ૨૬.૪૧ ટકા હતી તે વધીને ૩૪.૨ ટકા થઈ હતી.

જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સના આંકડા કહે છે કે હોટ રોલ્ડ કોઇલનું ઉત્પાદન અને માંગ પ્રમાણમાં વધુ રહેતા ચીનની વર્ષાનું વર્ષ મે મહિનામાં આયર્ન ઓરની આયાત ૩.૯૫ ટકા વધી ૯૬૧.૮ લાખ ટન થઈ હતી, જે મે ૨૦૨૨માં ૯૨૫.૨ લાખ ટન હતી. વર્તમાન વર્ષના પ્રથમ પાંચ મહિનામાં આયાત ગતવર્ષના સમાનગાળા કરતાં ૭.૭ ટકા વધીને ૪૮૧૦ લાખ ટન થઈ હતી. કન્સલ્ટન્સી માયસ્ટીલના એક સર્વેક્ષણ મુજબ વિશ્વના સૌથી મોટા આયર્ન ઓર વપરાશકાર ચીનની ૨૪૭ સ્ટીલ મિલોએ મે મહિનામાં સરેરાશ ૨૪ લાખ ટન કાચામાલનો ઉપયોગ કર્યો હતો. વર્ષના આરંભિક મહિના કરતાં આ વપરાશ સરેરાશ ૯ ટકા વધુ હતો.

ભારત સરકારની આયર્ન ઓર ઉત્પાદક કંપની નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને વૈશ્વિક નરમાઈને ધ્યાનમાં રાખીને ગત સપ્તાહે ૭થી ૧૧ ટકાનો ભાવ ઘટાડો જાહેર કર્યો હતો. માર્ચથી અત્યાર સુધીમાં કૂલ ૧૩ ટકાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. એનએમડીસીએ વર્તમાન નાણાકીય વર્ષનું ઉત્પાદન લક્ષ્યાંક ગતવર્ષથી ૧૩ થી ૨૨ ટકા વધારીને ૪૬૦થી ૫૦૦ લાખ ટન નિર્ધારિત કર્યું છે. વિશ્વના સૌથી મોટા આયર્ન ઓર ઉત્પાદક દેશ ઓસ્ટ્રેલિયાએ મે મહિનામાં બેન્ચમાર્ક આયર્ન ઓરના ભાવ ૧૧ ટકા ઘટાડ્યા હતા.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular