Supreme court on Aravalli hills: સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાઓની પરિભાષા અને સંરક્ષણની સમીક્ષા કરી રહેલી હાઈ-પાવર કમિટિને રિપોર્ટ સોંપવાના છ મહિનાથી વધુ સમય આપવાથી ઈન્કાર કરી દીધો છે. અદાલતે સમિતિને 30 નવેમ્બર 2026 સુધી પોતાનો રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને ચોખવટ કરી છે કે આ પછી હવે કોઈ સમય નહીં આપવામાં આવે.
ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા CJI સુર્યકાંતની અધ્યક્ષતાની બેંકના સમક્ષ સમિતિને રિપોર્ટ માટે 8 ફેબ્રુઆરી 2027 સુધીનો સમય માગ્યો. તેના પર ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી કે, સમિતિની માગથી એવું લાગી રહ્યું છે કે તે તેમના રિટાયરમેન્ટ બાદની તારીખ માગી રહ્યા છે.
તેમણે કહ્યું કે, ‘તેમણે સ્પષ્ટ રીતે મારી નિવૃત્તિ પછીની તારીખ માગી છે જો તે સક્ષમ નથી તો અમે સમિતિનું પુનર્ગઠન કરીશું.’
સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે દિવસ-રાત કામ કરવાની સૂચના આપી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે અરવલ્લી જેવા પર્યાવરણીય રીતે અત્યંત મહત્વના મુદ્દે રિપોર્ટ તૈયાર કરતા પહેલાં વ્યાપક પરામર્શ પ્રક્રિયા હાથ ધરવી જરૂરી છે અને તમામ સંબંધિત પક્ષોને સાંભળવા જોઈએ.
અદાલતે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી સમુદાયોને પણ પરામર્શ પ્રક્રિયામાં સામેલ કરવાનો આદેશ આપ્યો છે. અરવલ્લી વિસ્તાર સાથે જોડાયેલા નિર્ણયો આદિવાસી વિસ્તારો અને ત્યાં વસતા લોકોના હિતોને અસર કરી શકે છે, તેથી તેમના અભિપ્રાય અને મુદ્દાઓને પણ ધ્યાનમાં લેવા જરૂરી હોવાનું કોર્ટે જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે સમિતિને જરૂર પડે તો અલગ-અલગ મુદ્દાઓ પર અંતરિમ રિપોર્ટ રજૂ કરવાની પણ છૂટ આપી છે. આ વ્યવસ્થા હેઠળ અરવલ્લી સાથે જોડાયેલા કોઈ તાત્કાલિક અથવા મહત્વના મુદ્દે સંપૂર્ણ રિપોર્ટની રાહ જોયા વગર સુપ્રીમ કોર્ટ અલગથી વિચારણા કરી શકશે. આ મામલે આગામી સુનાવણી 2 ડિસેમ્બરે યોજાશે, જેમાં કોર્ટ સમિતિના રિપોર્ટ અને તેમાંથી સામે આવતા મુદ્દાઓ પર વિચાર કરશે.

સુપ્રીમ કોર્ટે આ વર્ષે જૂન મહિનામાં અરવલ્લી પહાડીઓ અને અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા તથા સીમાકન સાથે જોડાયેલા મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા માટે પાંચ સભ્યોની હાઇ-પાવર નિષ્ણાત સમિતિની રચના કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે લાંબા ગાળાની પર્યાવરણીય અસર ધરાવતા નિર્ણયો નિષ્ણાતોના મૂલ્યાંકન વિના લઈ શકાય નહીં.
સમિતિની અધ્યક્ષતા ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદના મહાનિર્દેશકને પદેન ધોરણે સોંપવામાં આવી છે. સમિતિમાં ભારતીય વન સર્વેક્ષણના પૂર્વ મહાનિર્દેશક ડૉ. સુભાષ આશુતોષ, ભારતીય ભૂસ્તર સર્વેક્ષણના પૂર્વ મહાનિર્દેશક ડૉ. રાજેન્દ્ર કુમાર શર્મા, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના પૂર્વ સંયુક્ત સચિવ બૃજ મોહન સિંહ રાઠોડ અને દિલ્હી યુનિવર્સિટીના વનસ્પતિ વિજ્ઞાન વિભાગના પૂર્વ વડા પ્રોફેસર અશોક કે. ભટનાગરનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભારતીય માનવ વસાહત સંસ્થાનના પ્રોફેસર જગદીશ કૃષ્ણસ્વામી અને કેન્દ્રીય હરિયાણા યુનિવર્સિટીના પ્રોફેસર લક્ષ્મીકાંત શર્માને સમયાંતરે વિશેષ આમંત્રિત સભ્યો તરીકે સમિતિ સાથે જોડવામાં આવ્યા છે. જ્યારે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના ડિરેક્ટર સ્તરના અધિકારીને સમિતિના સભ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અરવલ્લીની સુધારેલી વ્યાખ્યાને લઈને પર્યાવરણ સંગઠનો અને નાગરિક જૂથોમાં ચિંતા વ્યક્ત થયા બાદ આ વિવાદ વધુ ગંભીર બન્યો હતો. જાહેર વિરોધ અને પર્યાવરણીય ચિંતાઓ બાદ ડિસેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. અરવલ્લી પર્વતમાળાને દેશના પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે રણપ્રસરણ અટકાવવા અને ભૂગર્ભ જળસ્તર જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ચિંતા એવી પણ વ્યક્ત કરવામાં આવી હતી કે અરવલ્લીની વ્યાખ્યા નબળી કરવામાં આવે તો અગાઉ સંરક્ષણ હેઠળ આવતા વિસ્તારોમાં ખનન અને બાંધકામ પ્રવૃત્તિઓને માન્યતા મળી શકે છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં અરવલ્લી પહાડીઓ અને અરવલ્લી પર્વતમાળાની અલગ-અલગ વ્યાખ્યાઓના કારણે નિયમન સંબંધિત વિસંગતતાઓ ઉભી થઈ હતી અને ગેરકાયદે ખનનના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે નવેમ્બરમાં ખનનના સંદર્ભમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની સમિતિ દ્વારા સૂચવવામાં આવેલી કાર્યકારી વ્યાખ્યાને સ્વીકારી હતી. સ્વીકૃત વ્યાખ્યા મુજબ, અરવલ્લી પહાડી એવી ભૂ-આકૃતિને ગણવામાં આવશે જેની સ્થાનિક ધરાતલીય ઊંચાઈ ઓછામાં ઓછી 100 મીટર હોય અને તે નિર્ધારિત જિલ્લાઓમાં આવેલી હોય. તેમાં તેની સાથે જોડાયેલી ઢોળાવો અને અન્ય સંબંધિત ભૂ-આકૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તે જ રીતે 500 મીટરની અંદર આવેલી બે કે તેથી વધુ આવી પહાડીઓને એકસાથે અરવલ્લી પર્વતમાળા તરીકે ગણવામાં આવશે. હવે સુપ્રીમ કોર્ટે આ સમગ્ર વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરીને સમયબદ્ધ રીતે રિપોર્ટ રજૂ કરવાનો નિષ્ણાત સમિતિને આદેશ આપ્યો છે.








