New point system to be introduced for driving licenses : પશ્ચિમી દેશોની જેમ હવે ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરાવવા કેન્દ્ર સરકાર મોડે મોડે પણ જાગી છે. કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ નવી ‘પોઇન્ટ સિસ્ટમ’ આવવાની જાહેરાત કરી છે. હવે, ટ્રાફિક નિયમો તોડવા બદલ ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી પોઇન્ટ કાપવામાં આવશે. જે ચોક્કસ મર્યાદા સુધી પહોંચતા લાઇસન્સ રદ કરવામાં આવશે. બીજી તરફ સારા ડ્રાઇવરોને પુરસ્કાર આપવાની પણ એક વાત સામે આવી છે.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) કોન્ફરન્સમાં નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે, ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ (DLs) અને વાહન નોંધણી પ્રમાણપત્રો (RCs) સંબંધિત નિયમો ટૂંક સમયમાં બદલાઈ શકે છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય DLs અને RCs માટે ગ્રેડેડ પોઇન્ટ સિસ્ટમ લાગુ કરવાનું વિચારી રહ્યું છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને સીધા ડ્રાઇવિંગ લાઇસન્સ રેકોર્ડ સાથે જોડશે. આનાથી વારંવાર ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓ માટે લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવિત સિસ્ટમમાં ડ્રાઇવરોને પુરસ્કાર આપવાની જોગવાઈ પણ સામેલ હશે. આ પુરસ્કારો જવાબદારીપૂર્વક વાહન ચલાવનારા અને સ્વચ્છ ડ્રાઇવિંગ રેકોર્ડ જાળવનારાઓને આપવામાં આવશે.








