Thursday, April 16, 2026
HomeGujaratAhmedabad‘ધ બેસ્ટ ઇન્વેન્શન્સ 2024’ : તમારું જીવન હજુ કેટલું સુખાકારીવાળું બનશે?

‘ધ બેસ્ટ ઇન્વેન્શન્સ 2024’ : તમારું જીવન હજુ કેટલું સુખાકારીવાળું બનશે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વિશ્વનું પ્રતિષ્ઠિત ‘ટાઇમ’ મેગેઝિન દર વર્ષે ધ બેસ્ટ ઇન્વેન્શન્સની (The Best Inventions 2024) યાદી પ્રકાશિત કરે છે. હાલમાં તેવી યાદી જાહેર થઈ છે અને તે યાદીમાં બસો જેટલી શોધોને સમાવિષ્ટ કરવામાં આવી છે. આ શોધો વિશેષ કરીને આપણું જીવન કેવી રીતે બદલાઈ શકે – તે અંગેની છે. ભવિષ્યમાં આપણા જીવનમાં તે શોધો અસર પાડશે. વિશ્વભરમાંથી આવી ચુનંદા શોધોની યાદી બનાવવાનું કાર્ય પડકાભર્યું છે; પરંતુ તે માટે ‘ટાઇમ’ મેગેઝિને પોતાના દુનિયાભરના પત્રકારોને કામ સોંપ્યું હતું અને તેના કેટલાંક માપદંડ નિર્ધારીત કર્યા હતા. હવે ફાઇનલી તે યાદી પ્રકાશિત થઈ છે. આ તમામ શોધોમાંથી કેટલીક જાણવા જેવી છે, જેનાથી ખ્યાલ આવી શકે કે ભવિષ્યમાં આપણું જીવન કેવું હોઈ શકે.

The Best Inventions 2024
The Best Inventions 2024

ટાઇમ દ્વારા ‘ધ બેસ્ટ ઇન્વેન્શન્સ 2024’ એક આશ્ચર્ય થાય તેવી શોધ સમાવિષ્ટ કરી છે; અને તેની કેટેગરી ‘હોમ હેલ્થ’ની છે. આ કેટેગરીમાં ‘એઆઈ પાવરડ્ ટૉઇલેટ સીટ’ને સમાવવામાં આવી છે. તેની શોધ કરનાર વિક કશ્યપ છે અને તે ‘ટોઇ લેબ્સ’ નામની કંપનીનો સ્થાપક છે. હવે આ શોધનું કાર્ય છે વ્યક્તિના યુરિન-સ્ટૂલ[મૂત્ર-ઝાડા] એનાલિસિસ કરીને તેને સ્વાસ્થ્ય વિશેની માહિતી પૂરી પાડવાનું છે. આ માટે બાયોમેટ્રિક આઇટેન્ટિફિકેશન અને ઇમેજ સેન્સર ટૉઇલેટ સિટમાં ફીટ કરવામાં આવે છે. તેના દ્વારા મહત્તમ છ લોકોની ઓળખ કરીને તેમના યુરિન-સ્ટૂલનું એનાલિસિસ એઆઈ બેઝ્ડ પર થઈ શકે છે. આને ‘સ્માર્ટ ટોઇલેટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે આ ટેક્નોલોજીમાં પ્રાઇવસીને લગતો મુદ્દો હજુ ઊભો છે અને તે કારણે તેની કિંમત ઊંચી આંકવામાં આવી રહી છે. સ્માર્ટ ટૉઇલેટમાં ફીટ કરવામાં આવેલા કેમેરા સેન્સર યુરિન એનાલિસિસ કરીને પૂરું ચાર્ટ મૂકી શકે છે. એ જ રીતે સ્ટૂલ રિપોર્ટ પણ જનરેટ થાય છે. આ બધી સિસ્ટમ મોબાઈલ સાથે સલંગ્ન હશે, જેનો રિપોર્ટ તમારા મોબાઈલમાં તુરંત દેખાશે. આ ટોઇલેટ અન્ય સામાન્ય ટોઇલેટની જેમ જ હશે. ઉપરાંત ટૉઇલેટમાં ફિટ થઈ શકે તેવી આ ટેકનોલોજી હશે. હાલમાં અમેરિકાના પચાસથી વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

- Advertisement -
The Best Inventions 2024
The Best Inventions 2024

આ જ કેટેગરીમાં એક અન્ય સંશોધને અમેરિકામાં જે મહિલાઓ માતા બનવા માંગે છે તેમને ખાસ્સી આશા જગાવી છે. આ શોધને ‘ઇમ્પ્રૂવિંગ ફર્ટિલિટી કમ્ફર્ટ’ એટલે ગર્ભધાન થવામાં વધુ શક્યતા તરીકે જોવામાં આવે છે. પહેલાં તો આ મુદ્દો સમજી લઈએ તે પછી આ શોધ વિશેની વાત થઈ શકે. હાલમાં વંધ્યત્વ માટે વિટ્રો ફર્ટિલાઇઝેશન [આઈવીએફ] સારવાનો ઉપયોગ થાય છે. આ સારવાર મોંઘી અને તે લેવા માટે ડૉક્ટરને જ કન્સલ્ટ કરવા પડે છે. તેના સ્થાને હાલમાં અમેરિકામાં ઇન્ટ્રાયુટરીન ઇન્સેમેનિશન[આઈયુઆઈ] નામની એક બીજી સારવાર ઉપલબ્ધ થઈ છે. આ સારવાર દ્વારા વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા સ્પર્મ[શુક્રાણુઓ]ને સીધા જ ગર્ભાશયમાં મૂકી શકાય છે. આના દ્વારા ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. આ સારવાર આઈવીએફના પ્રમાણમાં સસ્તી છે અને તેને હાલમાં અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને તેને મંજૂરી આપી દીધી છે. આ શોધના હવે પરિણામ પણ મળવા માંડ્યા છે.

The Best Inventions 2024
The Best Inventions 2024

એક બીજી એવી શોધ બેલ્જિયમના ભાઈ બહેને કરી છે. આ બંનેનું નામ સ્ટીફની અને માઇકલ બ્રોઇસ છે. તેમણે અત્યારના જીવનમાં તાણ, પ્રદૂષણ અને તેના કારણે લોકોને ઊંઘમાં પડતા વિક્ષેપની મુશ્કેલી જોઈ. આ મુશ્કેલીથી તેમણે પોતે એક એવું ડિવાઇઝ બનાવવાનું વિચાર્યું કે તેનાથી વ્યક્તિ પોતાની શ્વાસોશ્વાસને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકે. મૂનબર્ડ નામની તેમની પ્રોડક્ટ એકદમ નાનકડી હાથમાં રહે તેવી છે અને તેનાથી વ્યક્તિ પોતે નિરાંત અનુભવી શકે. આ પ્રોડક્ટથી ઊંઘ આવવામાં મદદ થાય છે અને મૂનબર્ડ નામની તેમની વેબસાઇટ પર તેની પૂરેપૂરી વિગત આપવામાં આવી છે. આપણા દેશમાં પણ હવે ઊંઘ ન આવે તેવી સમસ્યા ખૂબ વધી છે અને એકદમ નાનકડી આ પ્રોડક્ટ તેમાં ઉપયોગી છે.

The Best Inventions 2024
The Best Inventions 2024

આપણે જેમ જેમ વિકાસ કરી રહ્યા છે અને આસપાસ સગવડોને વધારી રહ્યા છે તેમ સ્વાસ્થ્યના માપદંડમાં નીચે જઈ રહ્યા છે. ડાયાબિટીસની બીમારીનું તો ભારત કેન્દ્ર બની ચૂક્યું છે. ડાયાબિટીઝને બીમારીને સંબંધે એક પ્રોડક્ટને આ ઇન્વેન્શન્સમાં સ્થાન મળ્યું છે. એવું કહેવાય છે કે પ્રથમ ડાયાબિટીઝ માપવાનું બાયો સેન્સર છે, જેનાથી સતત તમારું ગ્લુકોઝને મોનિટર કરી શકાય. નાનકડી આ ડિવાઇઝને હાથમાં ઉપરના ભાગમાં લગાવી શકાય અને તેમાં જ્યારે પણ ગ્લુકોઝ વધે તો એલર્ટ મળી શકે. આ પ્રોડક્ટને પણ અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગે મંજૂરી આપી દીધી છે અને માર્કેટમાં તે હવે ઉપલબ્ધ છે. સ્વાસ્થ્ય ક્ષેત્રની અનેક શોધોને ટાઇમ મેગેઝિને સમાવી છે, તેમાં એક પ્રોડક્ટ ‘બીમઓ’ છે. આ પ્રોડક્ટ દ્વારા તમારે સ્વાસ્થ્ય ચેક-અપ માટે ડોક્ટરની વિઝિટ કરવાની જરૂર રહેશે નહીં. આ પ્રોડક્ટનું એક ડિવાઇસ તમારી શરીરને સ્પર્શ કરો એટલે તે તમારું ટેમ્પરેચર, તમારા ફેફ્સા, હૃદય અને ઓક્સિજન સ્તરની સ્થિતિને દર્શાવશે. એવું કહેવાય છે કે તેનાથી ઘરેથી સ્વાસ્થ્ય મોનિટરીંગ રાખવામાં એક ક્રાંતિકારી બદલાવ આવવા જઈ રહ્યો છે. એટલું જ નહીં આ ડિવાઇસ દ્વારા જે કોઈ પણ ડેટા જનરેટ થાય તે સીધો તમારી એપમાં દર્શાવાશે. આ ડિવાઇસમાં એક સાથે આઠ લોકોનું સ્વાસ્થનું મોનિટરીંગ થઈ શકશે એટલે તે કિફાયતી પણ છે. જોકે હજુ સુધી યુરોપ અને અમેરિકામાં આ ડિવાઇસને મંજૂરી મળી નથી અને તેમાં હજુ કેટલાંક એડવાન્સ ફિચર મૂકીને નવેમ્બર સુધી મંજૂરી મળવાની શક્યતા છે.

- Advertisement -
The Best Inventions 2024
The Best Inventions 2024

ટાઇમ્સ મેગેઝિનના ધ બેસ્ટ ઇન્વેન્શન્સ 2024માં સ્વાસ્થ્યની શોધ સિવાય ઇલેક્ટ્રોનિક્સ, બ્યૂટી, એપ અને સોફ્ટવેર, એન્ટરટેઇનમેન્ટ એન્ડ ગેમિંગ, ડિઝાઈન અને સોશિયલ નિસબતની પણ કેટેગરી છે. તે બધી જ પ્રોડક્ટની અહીંયા વાત ન થઈ શકે. પરંતુ તેમાં જે જીવનઉપયોગી લાગી છે તે શોધ અહીં ચર્ચી છે. આ ઇન્વેન્શન્સમાં વિશેષ કરીને જે ચર્ચા થવી જોઈએ તે ‘સોશિયલ ગુડ’ કેટેગરીની છે. આ કેટેગરીમાં ખૂબ મોટા સમૂહ માટે કોઈ વસ્તુની શોધ થઈ હોય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમાં એક છે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ભારતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શોધવામાં આવેલી મેલેરિયાની વેક્સિન છે. મલેરિયાથી આજે પણ દુનિયાભરના લોકો બીમારીમાં પટકાય છે અને છ લાખ લોકો દર વર્ષે મલેરિયાના કારણે જાન ગુમાવે છે. આ માટે આર21-મેટ્રિક્સ-એમ નામની વેક્સિનની શોધ કરવામાં આવી છે. આફ્રિકા-એશિયા જેવા ખંડોમાં મલેરિયાની બીમારી આજે પણ લાખો લોકોના મૃત્યુનું કારણ બને છે. આ વેક્સિનની એક ડોઝની કિંમત અંદાજે ચાર ડોલર છે અને સિરમના કંપનીના સીઈઓ અદાર પુનાવાલાએ વર્ષે છ કરોડ વેક્સિન ઉત્પાદન કરીને આફ્રિકા પહોંચાડવાનો ધ્યેય નિર્ધારીત કર્યો છે. આ વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેનને પણ મંજૂરી આપી દીધી છે.

શોધોની યાદીમાં એક પ્રોડક્ટને સમાવવી થોડી વિચિત્ર પણ લાગે, પરંતુ તેની ઇમ્પેક્ટના કારણે તેની સંભવત્ આ યાદીમાં જગ્યા મળી હોય. તે શોધ છે, યોન્ડર નામનું એક પાઉચ. આ પાઉચ બનાવનારનું નામ છે ગ્રેહામ દુગોની. તેમણે જોયું કે હાલના સમયમાં લોકોને એક સુરક્ષિત જગ્યા જોઈએ અને તે માટે સેલફોનની ગેરહાજરી અનિવાર્ય છે. અત્યારે જે રીતે સેલફોન સૌ કોઈના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે તે રીતે તેના વિના કોઈને ચાલે એવું નથી. તે માટે યોન્ડર કંપનીએ એક પાઉચ બનાવ્યું છે. આ પાઉચમાં સેલફોન મૂકવાનો અને તે લોક થઈ જાય. વિશેષ કરીને શાળાઓમાં આ પાઉચનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. આજે આ પ્રોડક્ટ દુનિયાના 27 દેશોમાં લાખો લોકો ઉપયોગમાં લઈ રહ્યા છે. મૂળે આ શોધમાં સેલફોનથી અળગું થવાનું છે. તે માટે વ્યક્તિ જાતે પણ પ્રયાસ કરી શકે છે, પરંતુ તેમ થતું નથી. એટલે આ ડિવાઇસ માત્ર એક કારણ બને છે જેનાથી વ્યક્તિ થોડા કલાકો માટે પોતાને સેલફોનથી અળગો રાખે છે. આ જ કેટેગરીમાં કોલમ્બિયામાં એક એવું વોટર પ્યૂરીફાયર શોધ્યું છે. આ પ્યૂરીફાયર નાનાં અંતરિયાળ ગામડાઓ સુધી લઈ જઈ શકાય છે. તે પ્યૂરીફાયરનું કામ મેન્યુઅલી કરે છે. વિશેષ કરીને તળાવ અને નદીમાંથી પીવાનું પાણી લેવાતું હોય તેને ચોખ્ખુ કરવાનું કામ આ ફિલ્ટર કેપ્સ કરે છે. આવી અનેક પ્રોડક્ટ છે, શક્ય હોય તો ‘ટાઇમ’ મેગેઝિનના વેબસાઇટ પર જઈને અન્ય પ્રોડક્ટ જોશો તો તમને પણ તમારી પસંદીદા પ્રોડ્ક્ટની શોધ થઈ છે તેવું જાણવા મળશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular