Wednesday, October 21, 2026
HomeGujaratઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં જાડેજાને પોસ્ટિંગ અને વછરાજાનીને SP બનાવવા પાછળ ગેમ હતી...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં જાડેજાને પોસ્ટિંગ અને વછરાજાનીને SP બનાવવા પાછળ ગેમ હતી મંત્રીની કે ખુદ જાડેજાની?| શતરંજ-65

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-65, નવજીવન ન્યૂઝ): ઇન્સ્પેક્ટર વિનોદ પરમારે સોલાપુર જઈ ડીસીપી નયન કુલકર્ણીને ફોન કરતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, “અરે પરમારજી, આપ કો વિશ્વાસ નહીં થા કિ મૈં અમદાવાદ આઉંગા?” પરમારે પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું, “નહીં નહીં સર, આપ ગલત મત સમજીયે. હમેં નિઝામ કેસ મેં ઔર કુછ સુરાગ મિલે હૈં, જિસકે કન્ફર્મેશન કે લિયે, મુઝે સોલાપુર ભેજા હૈ. “કુલકર્ણીએ તરત કહ્યું, “ચલો આ હી ગયે હો તો, મેરી ઑફિસ આ જાવ. મેરા સ્ટેટમેન્ટ લે લો.” પરમાર તેમની ઑફિસે પહોંચ્યા. કુલકર્ણીનો વ્યવહાર અત્યંત નમ્ર હતો. તેઓ કંઈ છુપાવવા માગતા હતા, તેવું ના લાગ્યું. તેમણે સત્તાવાર રીતે બધું નોંધાવ્યું. દિનેશ નાયરની આગેવાની નીચે ક્રાઇમ-બ્રાન્ચની એક ટીમ સોલાપુર આવી હતી અને તેમણે સોલાપુર પોલીસની મદદ સાથે હુબલી હાઇવે ઉપરથી કેટલાક લોકોને બસમાંથી ઉતાર્યા હતા. જોકે કુલકર્ણી તે ઑપરેશનમાં ન હતા. તેના કારણે કોને બસમાંથી ઉતાર્યા હતા, તે અંગે તે જાણતા ન હતા.

નયન કુલકર્ણી પણ પોતે સિનિયર પોલીસ-ઑફિસર હતા. તેના કારણે પરમાર કેવા પ્રશ્નો પૂછશે તેની તેમને આગોતરી ખબર હતી. તેમણે ક્રાઇમ-બ્રાન્ચની મદદે જે પોલીસ-અધિકારીઓને મોકલ્યા હતા, તેમને પણ પોતાની ઑફિસમાં બોલાવી લીધા હતા. કુલકર્ણીએ તેમને પરમારની હાજરીમાં જ સૂચના આપી હતી કે, “જે કાઈ માહિત આહે તે સઘળ સાંગા આપલ્યાલા કાઈ લપવાચી ગરજ નાહીં.” (તમને જે ખબર છે, તે બધું જ કહી દેજો. આપણે કંઈ છુપાવવાની જરૂર નથી.) પરમારને મરાઠીમાં શું સૂચના આપી તેની ખબર ના પડી, પણ ત્યાર બાદ તેમના સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસવાળા જે કંઈ લખાવી રહ્યા હતા, તે બધું જ બસના ડ્રાઇવર મોહન કાળે અને બસના મુસાફર ગોડબોલે દંપતીના સ્ટેટમેન્ટ સાથે મૅચ થતું હતું.

- Advertisement -

પરમારે પોતાની પાસે રહેલા નિઝામ-રૂપા અને રામના ફોટા બતાવતાં, સોલાપુર પોલીસના અધિકારીઓએ તરત ત્રણેને ઓળખી બતાવ્યા હતા. પરમારના ચહેરા ઉપર આશ્ચર્ય હતું. નિઝામ અને રૂપાની તો ખબર જ હતી, પણ ત્રીજી વ્યક્તિ રામ હતો તેનો ઘટસ્ફોટ પહેલી વખત થઈ રહ્યો હતો. પરમારે સોલાપુર પોલીસના નિવેદનમાં નોંધી લીધું હતું. જે ત્રણ ફોટાગ્રાફ તેમને સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચ દ્વારા બતાવવામાં આવ્યા તેમનાં નામની ખબર ન હોવા છતાં અમદાવાદ પોલીસ આ ત્રણ વ્યક્તિઓને જ લઈ ગઈ હતી. પરમારને અપેક્ષા ન હતી કે નિઝામની સાથે ત્રીજો રામ જ છે તે વાત આટલી જલદી નક્કી થઈ જશે.

નયન કુલકર્ણીની ઑફિસમાંથી નીકળ્યા પછી, બહાર આવી સૌથી પહેલાં પરમારે વિવેક પંતને ફોન લગાડી ત્રીજી વ્યક્તિ રામ હોવાના આનંદના સમાચાર આપ્યા હતા, પણ પંતે તરત પહેલો સવાલ પૂછ્યો : “તુમ્હારા જયપુર જેલ જાને કા ક્યા હુવા?” પરમારે કહ્યું, “સર મૈંને રિપોર્ટ દે દિયા હૈ, પરમિશન આઈ નહીં.” પંત શાંત થઈ ગયા, એટલે પરમારે પૂછ્યું, “સર, કોઈ ચિંતા કી બાત હૈ?” પંતે કહ્યું, “નહીં, ખાસ નહીં, લેકિન અભી તક મુઝે કુછ સમજ નહીં આ રહા, સિર્ફ તીન ટ્રાન્સફર હૈ, જિસમેં દિનેશ નાયર કે પ્રમોશન કે સાથ ઉન્હેં એટીએસ મેં રખા ગયા. ઇન્દ્રસિંહ જાડેજા કો ક્રાઇમ-બ્રાન્ચ મેં રખા ગયા. જાડેજા કી બહુત પુરાની ખ્વાઇશ થી ક્રાઇમ મેં આને કી. લેકિન જે. કે. વછરાજાની કો ક્રાઇમ સે હટાકે સાબરકાંઠા એસપી બનાયા ગયા.”

થોડુંક રોકાઈ પંતે કહ્યું, “સાબરકાંઠા એસપી કા પોસ્ટિંગ, વછરાજાની કે લિયે…! કોઈ બાત હજમ નહીં હોતી. અભી તક ગેમ સમજ નહીં આતી.” પરમાર તો આ ટ્રાન્સફરથી જ અજાણ હતા. તેમને થોડી ચિંતા પણ થઈ, પણ તેમની પાસે હજી અહીંયાં કામ હતું. તેમને બીજો ડર એવો પણ લાગી રહ્યો હતો કે, તેમના સાક્ષી ફરી ના જાય. પરમારે મોહન કાળેને મળવાનો નિર્ણય કર્યો એટલે તેઓ ચૌધરી ટ્રાવેલ્સની ઑફિસમાં પહોંચ્યા હતા, ત્યારે કાળે હુબલીથી પોતાની બસ લઈ આવ્યો હતો.

- Advertisement -

પરમારને જોતાં, કાળે ઓળખી ગયો : “ક્યા સા’બ, ફિર હમારી યાદ આઈ!” પરમારે કહ્યું, “ક્યા કરે કાળે! નોકરી હી ઐસી હૈ. ચલો… થકે હોંગે. પહલે બાર મેં જાતે હૈં.” આમ તો પરમારને પણ ગુજરાત બહાર જાય ત્યારે દારૂ પીવાની ખૂબ મજા આવતી હતી. કાળેના નામે પોતે પણ દારૂ પીવાના હતા. બંને બારમાં ગયા, ઑર્ડર આપ્યો. પરમારને ખબર હતી કે કાળે પીવાની શરૂઆત કરશે પછી તેના કંટ્રોલમાં નહીં રહે. એટલે તેમણે પહેલા રામનો ફોટો બતાવતાં જ કહ્યું : “સર, યે આદમી તો ઉસ દિન મેરી બસ મેં હી થા, લેકિન ઇસને બસ મેં સે ઉતરતે વક્ત પોલીસ કે સાથ કોઈ ઝગડા નહીં કિયા. વો દૂસરા આદમી ઔર ઉસકી ઔરત બસ મેં સે ઉતરને કી મના કર રહે થે. લેકિન યે આદમી તો ફટ કર કે બસ મેં સે ઉતર કે પોલીસ કી ગાડી મેં બૈઠ ગયા થા.” પરમાર વિચાર કરવા લાગ્યા… ‘તેનો અર્થ રામ ગુજરાત પોલીસ સાથે મળી ગયો હશે. જો નિઝામ અને રૂપા માટે અમદાવાદ પોલીસે તેમને આંતર્યાં તે અન્અપેક્ષિત હતું, પણ રામ જે રીતે પોલીસની ગાડીમાં ગોઠવાઈ ગયો, તેનો અર્થ કદાચ તે અમદાવાદ પોલીસનો ઇન્ફર્મર હતો, તો પછી તેને કેમ ગુજરાત પોલીસનો ડર લાગતો હતો અને તેનું ઍન્કાઉન્ટર કરી દેવાને બદલે તેને કેમ રાજસ્થાનની જેલમાં મોકલી આપ્યો?!’

એક સાથે અનેક વિચારો પરમારના મગજમાં દોડવા લાગ્યા. કંઈ જ સમજ પડતી ન હતી, ત્યારે જ દારૂની બૉટલો સામે આવી. કાળેએ કહ્યું, “સર, ચાલુ કરેં.” પરમાર દારૂ પી રહ્યા હતા, પણ કોણ જાણે આજે પરમારને નશો થઈ રહ્યો ન હતો. મનમાં અનેક પ્રશ્નો હતા, જેનો કોઈ તાળો મળતો ન હતો. તેમણે રામના ઇન્ટ્રોગેશન માટે પરવાનગી માગી ત્યાર બાદ થયેલી ત્રણ આઇપીએસ અધિકારીઓની બદલી રુટિન ટ્રાન્સફર હતી કે પછી રામના કેસ સાથે કંઈક સંકળાયેલું હતું?! રાતે છૂટા પડતાં તેમણે કાળેને સ્ટેટમેન્ટ માટે હોટલ ઉપર આવી જવાની સૂચના આપી હતી. હોટલ ઉપર ગયા પછી પણ પરમારને મોડી રાત સુધી ઊંઘ આવી ન હતી.

સવારે કાળે હોટલ ઉપર પહોંચ્યો ત્યારે પરમાર હજી પથારીમાં જ પડ્યા હતા. કાળે આવતાં પરમાર તૈયાર થયા અને કાળેનું સ્ટેટમેન્ટ લીધું. જતી વખતે તેમને યાદ આવતાં પોતાની બૅગમાં રહેલી રમની એક બૉટલ કાઢી કાળેને આપી. તે ખુશ થઈ ગયો. તેણે કહ્યું, “સર, કોઈ ભી કામ હો તો બોલના. અમદાવાદ કી કૉર્ટ મેં ભી ગવાહી દેની પડેગી તો આઉંગા.” પરમાર હસ્યા, પણ કંઈ બોલ્યા નહીં. સોલાપુરથી તે હવે હુબલી જવા માટે નીકળ્યા હતા. તે હવે ગોડબોલેને મળવા માગતા હતા.

- Advertisement -

સાબરકાંઠાના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ચાર્જ લેવા માટે જે. કે. વછરાજાની હિંમતનગર એસપી ઑફિસ પહોંચ્યા ત્યારે સાબરકાંઠાના પોલીસ-અધિકારીઓને આશ્ચર્ય હતું કે, વછરાજાની જેવા અત્યંત પાવરફુલ પોલીસ-અધિકારી સાબરકાંઠા જેવા જિલ્લામાં એસપી તરીકે કેમ આવ્યા હશે! તેમના આ પોસ્ટિંગને લીધે અનેક તર્ક-વિતર્ક થતા હતા. જ્યારે અમદાવાદ ક્રાઇમ-બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ-કમિશનર તરીકે ઇન્દ્રસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતાં તેમણે આખી ક્રાઇમ-બ્રાન્ચ ઑફિસમાં સીસી ટીવી કૅમેરા લગાડી દેવાની સૂચના આપી હતી. દરવાજામાં કોઈ પણ માણસ એન્ટ્રી લે ત્યારથી તેમને પોતાની ચેમ્બરમાં મૂકવામાં આવેલા સ્ક્રીન ઉપર ખબર પડી જતી હતી. આ સીસી ટીવી મૂકવા પાછળનો હેતુ, તેમની અંદર રહેતો ડર હતો. માણસને બીજાની બીક લાગે તે તો સમજાય પણ ઇન્દ્રસિંહને તો પોતાના પડછાયાની પણ બીક લાગતી હતી.

જ્યારે ગુજરાત ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના એસ.પી. તરીકે દિનેશ નાયરનું આ પહેલું સ્વતંત્ર પોસ્ટિંગ હતું. આટલી નાની ઉંમરે એટીએસ જેવી મહત્ત્વની જગ્યા ઉપર પોસ્ટિંગ થવું એટલે બહુ ગૌરવપૂર્ણ વાત હતી. પણ રાજકીય કાવાદાવા રમવામાં અને સમજવામાં નાયર હજી નાના અને નવા હતા. તેમને મન આ પોસ્ટિંગ સહજ પ્રક્રિયા હતી. વછરાજાની, જાડેજા અને નાયરના પોસ્ટિંગ પછી, તેમને સલામ કરવા આવનાર તેમના જુનિયર અધિકારીઓની લાઇન લાગી હતી. આદેશે ત્રણે અધિકારીઓને ફોન કરી નવા પોસ્ટિંગ માટે અભિનંદન આપ્યા હતા, ત્યારે ઇન્દ્રસિંહ જાડેજાએ વળતો જવાબ આપતાં કહ્યું, “આદેશભાઈ, મારા લાયક કોઈ પણ કામ હોય તો કહેજો. સંકોચ રાખતા નહીં. કંઈ ધ્યાન દોરવા જેવું હોય તોપણ નિઃસંકોચ કહેજો.” આદેશ આખી ઘટનાને બારીકાઈથી જોઈ રહ્યો હતો. તેને આવનાર તોફાનનો અંદેશો હતો.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular