પ્રશાંત દયાળ (શિવા. ભાગ-2): સારું હતું કે 22મીએ રવિવાર હતો. ઘરમાં આકાશ, તેની પત્ની ભૂમિ અને પ્રાર્થના હાજર હતાં. હું ઓ.આર.એસ. લઈ ઘરમાં દાખલ થયો ત્યારે ભૂમિ અને પ્રાર્થના શિવાની (Shivani Dayal) પાસે બેઠાં હતાં. તે ખૂબ જ ઝડપે હાંફી રહી હતી. જાણે મશીન ચાલતું હોય! તેના શ્વાસની ઝડપ જોઈને મેં આકાશને કહ્યું, “કાર કાઢ, તેને હૉસ્પિટલ લઈ જઈએ.”
આકાશ કાર લેવા ગયો. મેં શિવાનીને કહ્યું, “આપણે હૉસ્પિટલ જવાનું છે.”
તેણે અમારો રૂમ ક્રોસ કરી બહાર સુધી ચાલવાનું હતું. તે બેડની કિનારે જ બેઠી હતી. તેણે હાથનો ટેકો લઈ ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ ઊભી થઈ શકી નહીં. ત્યારે જ આકાશે ઘરના દરવાજા સુધી કાર લાવી દીધી અને રૂમમાં આવ્યો. તેણે ઊભા થવાનો પ્રયત્ન કરતી શિવાનીને જોઈ ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેને ઉંચકી લીધી. જે શિવાનીની આંગળી પકડી આકાશ ચાલતાં શીખ્યો હતો એ આજે એટલો મોટો થઈ ગયો કે પોતાની આઈને ઉંચકી ઝડપભેર ઘરની બહાર નીકળ્યો. મેં પાછળની સીટનો દરવાજો ખોલ્યો. તેણે શિવાનીને અંદર બેસાડી. બીજા દરવાજે તરત ભૂમિ આવીને તેની બાજુમાં ગોઠવાઈ ગઈ. મેં પ્રાર્થનાને સૂચના આપી, “ઘરે રહેજે. ફોન કરું છું.”
આકાશે તરત ઍવરોન હૉસ્પિટલ (Avron Hospital) તરફ કાર મારી મુકી. હું આગળની સીટમાં હતો. બરાબર મારી પાછળ શિવાની બેઠી હતી. તેના શ્વાસનો અવાજ મને બરાબર સંભળાઈ રહ્યો હતો. મેં હાથ પાછળ કરી તેનો હાથ પકડ્યો અને કહ્યું, “બસ, આપણે હૉસ્પિટલ પહોંચવા આવ્યાં છીએ. સારું થઈ જશે.”
હું તેને હિમંત તો આપી રહ્યો હતો, પણ અંદરથી તો ખૂબ જ ડરી રહ્યો હતો. અમે હૉસ્પિટલ પહોંચ્યાં રાતનો સમય હતો એટલે પોર્ચમાં દાખલ થઈએ ત્યાં ડાબી તરફનો મેઇન એન્ટ્રેન્સ બંધ હતો. ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે કારની અંદર એક નજર કરી. તે સમજી ગયો કે, સાથે પેશન્ટ છે. તેણે કાર આગળ લેવાની સૂચના આપી. ત્યાં ખાસ ઍમ્બ્યૂલન્સ માટેનું પાર્કિંગ હતું. ત્યાં અમે કાર ઊભી રાખી એટલે ત્યાં હાજર બીજો ગાર્ડે શિવાનીની સ્થિતિ જોઈ. તે તરત દોડતો વ્હીલચેર લઈ કાર સુધી આવ્યો. તેણે બૂમ મારીને પોતાના સાથી ગાર્ડને ઇમરજન્સી રૂમને એલર્ટ કરવા કહ્યું. આકાશે ફરી તેને ઉંચકીને વ્હીલચેરમાં બેસાડી. હજી પણ તે ધમણ ચાલતું હોય તે રીતે જ હાંફી રહી હતી. તરત હૉસ્પિટલનો સ્ટાફ તેને ઇમરજન્સી રૂમમાં લઈ ગયો. હું આકાશ અને ભૂમિ તેમની પાછળ દોડી રહ્યાં હતાં. ઇમરજન્સીમાં લઈ જતાં તરત નર્સે તેને ઉંચકી સ્ટ્રેચર પર સુવડાવી. તે કંઈ સવાલ કરે તે પહેલા જ મેં કહ્યું, “ડૉ હર્ષ જોષીનું પેશન્ટ છે. તે આવે છે.”
નર્સે તરત તમામ મોનિટર ઓન કર્યાં. સામાન્ય રીતે મને મોનિટર પર જોઈને સમજાઈ રહ્યું હતું કે શિવાનીનું ઓક્સિજન લેવલ 50ની આસપાસ હતું. તેના ધબકારા 180થી ઉપર ચાલી રહ્યા હતા. તેની શ્વાસ લેવાની ઝડપ મિનિટની 60 હતી. હું ઈશ્વરને કહી રહ્યો હતો કે, કંઈક કર! હું સ્ટ્રેચર પાસે શિવાનીનો હાથ પકડીને ઊભો હતો. તે જોરથી મારો પંજો દબાવી રહી હતી. તે ખૂબ ડરી ગઈ હતી. ત્યારે ડૉ. હર્ષ જોષીનો ફોન ઇમરજન્સીમાં આવ્યો. નર્સે તેમને મોનિટર પરના રીડિંગ્સ જણાવ્યા અને “સર… સર…” કહીને ફોન મુક્યો.
તરત તેણે પોતાના સાથીને કહ્યું, “સ્ટ્રેચર સાથે કનેક્ટેડ ઓક્સિજન ચાલું કરો. સરે કહ્યું છે કે, સો ટકા ઓન કરો.”
મને કંઈ સમજાયું નહીં. શિવાનીના મોંઢા પર ઓક્સિજન માસ્ક લગાવી દેવામાં આવ્યું. છતાં તેની સ્થિતિ તો એવી જ હતી! નર્સે મને કહ્યું, “અમે તેમને આઈ.સી.યુ.માં શિફ્ટ કરીએ છીએ. સર આવી રહ્યા છે. પેશન્ટને મશીન ઉપર લેવું પડશે.”
મેં હા પાડી એટલે તરત સ્ટ્રેચર સાથે શિવાનીને શિફ્ટ કરવા અમે ઇમરજન્સી રૂમની બહાર નિકળ્યાં. પેશન્ટની લિફ્ટમાં સ્ટ્રેચર લેવામાં આવ્યું. સાથે રહેલી નર્સે લિફ્ટ ઑપરેટરને કંઈક સૂચના આપી. તેણે તરત લિફ્ટના ઇન્ટરકોમથી આઈ.સી.યુ.માં ફોન કરીને કંઈક સૂચના આપી. પણ મને કંઈ ખબર ન પડી. અમે છઠ્ઠા માળે પહોંચ્યાં આઈ.સી.યુ.નો દરવાજો ખોલી તેને અંદર લેવામાં આવી. એક નર્સે મને બહાર ઊભા રહેવા કહ્યું, પણ મેં તેની સૂચના તરફ ધ્યાન આપ્યું નહીં. હું પણ સ્ટ્રેચરની સાથે અંદર દાખલ થયો. તેને તરત સ્ટ્રેચર પરથી ઉંચકી બેડમાં મુકવામાં આવી. તેની આસપાસ આઈ.સી.યુ.નો સ્ટાફ ગોઠવાઈ ગયો. જે નર્સના હેડ હતા, તેણે શિવાનીની હાલત જોતાં જરા ઊંચા અવાજે કહ્યું, “અરે જલદી કરો!”
તરત શિવાનીને એક મશીન સાથે કનેકટ કરી. ત્યાં સુધી મને ખબર નહોતી કે તેને વેન્ટિલેટર પર મુકવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ડૉ. હર્ષ જોષી આઈ.સી.યુ.માં દાખલ થયા. તેમણે મારી તરફ નજર કરી, પણ વાત થઈ નહીં. તેમણે શિવાની સામે જોયું ને તરત મોનિટર તરફ નજર કરી. પછી તેઓ ત્યાં હાજર મેડિકલ ઑફિસર સાથે ચર્ચા કરવા લાગ્યા. ડૉ. હર્ષ જોષી ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હતા. તે મેડિકલ ઑફિસર સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન મારી તરફ ગયું. તેમણે મને કહ્યું, “તમે બહાર જશો! હું તમને હમણાં બોલાવીશ.”
હું આઈ.સી.યુ.નો દરવાજો ખોલી બહાર નીકળ્યો. આકાશ અને ભૂમિ દરવાજા પાસે જ ઊભાં હતાં. બંનેની આંખમાં એક જ પ્રશ્ન હતો; શુ કહે છે ડૉક્ટર? મેં કહ્યું, “હમણાં મને બોલાવે છે.”
આઈ.સી.યુ.ની જમણી બાજુ એક બેંચ હતી. અમે ત્રણે ત્યાં જઈને બેઠાં. અમારી વચ્ચે કોઈ વાત નહોતી થઈ રહી. પણ માનસિક સ્થિતિ ત્રણેની સરખી હતી. આકાશ વચ્ચે બેઠો હતો. હું અને ભૂમિ તેની ડાબી–જમણી બાજુ હતાં. મારી અને ભૂમિની આંખમાં આંસુ હતાં. આકાશે અમારા બંનેના ખભા પર હાથ મુકી અમને આશ્વાસન આપ્યું. મને ખબર છે, આકાશ નાનપણથી રડવામાં કંજૂસ રહ્યો છે. તેની આંખો ભલે કોરી હતી, પરંતુ તે પણ અંદરથી ડરી ગયો હતો. પ્રાર્થનાનો મને ફોન આવ્યો. મેં તેને કહ્યું, “સારું છે. ચિંતા કરતી નહીં.”
પ્રાર્થના ઘરમાં સૌથી નાની છે. પણ મને લાગે છે કે વિકટ પરિસ્થિતિમાં શાંત કેવી રીતે રહેવું? એની ખાસ આવડત તેની પાસે છે. સમય અચાનક એકદમ થંભી ગયો હોય તેવું લાગી રહ્યું હતું. મારું અને ભૂમિનું રડવાનું ચાલું હતું. એવામાં એક નર્સ બહાર આવી. તેણે મને કહ્યું, “સાહેબ બોલાવે છે.”
હું અંદર દાખલ થયો. શિવાનીના બેડ પાસે ડૉ. જોષી ઊભા હતા. તે શિવાની સામે અને મોનિટર સામે જોઈ રહ્યા હતા. શિવાનીના મોંઢા પર ફુલ માસ્ક હતું. તેની આંખો મને જોઈ રહી હતી. કદાચ તે રડી પણ હતી. કારણ કે મેં જોયું કે, તેની આંખના ખૂણા નીચે રેલા ઉતર્યા હતા. મેં તેના પગના પંજાને સ્પર્શ કર્યો. હું તેને કહી રહ્યો હતો કે, “તારી પાસે જ છું.”
ડૉ. જોષીએ મને ઇશારો કર્યો કે, આવો. હું તેમની પાછળ ગયો આઈ.સી.યુ. સાથે કનેક્ટેડ એક ડૉક્ટર રૂમમાં એ મને લઈ ગયા. ત્યાં એક મોટી સ્ક્રીન હતી. જેમાં આઈ.સી.યુ.માં રહેલા તમામ પેશન્ટનાં મોનિટરનાં રીડિંગ દેખાઈ રહ્યા હતા. તેમ જ કાચમાંથી તમામ પેશેન્ટને જોઈ શકાતાં હતાં. ખુરશીમાં બેસતાં ડૉ. જોષીએ મને પુછયું, “તમારી સાથે બહાર ઊભાં હતાં, તે કોણ છે?”
મેં કહ્યું, “મારો દીકરો અને તેની પત્ની છે.”
તેમણે કહ્યું, “તેઓને પણ બોલાવી લો.”
હું બહાર આવ્યો. આકાશ અને ભૂમિને અંદર બોલાવ્યાં. ડૉ. જોષી શિવાનીની સ્થિતિ વિશે હવે અમારી સાથે વાત કરવાના હતા.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796