પ્રશાંત દયાળ (શિવા. ભાગ-1): 22 સપ્ટેમ્બર 2024નો દિવસ હતો. હજી એક દિવસ પહેલા જ શિવાનીનો જન્મદિવસ ગયો હતો. આમ તો તેના જન્મદિવસમાં ક્યાં બહાર જવાનું છે; તેનું પ્લાનિંગ તે બે મહિના પહેલાંથી જ કરવા લાગતી. તેને બહારગામ ફરવા જવું બહું ગમતું હતું અને મને બહારગામ ફરવા જવાનું થાય ત્યારે ક્યારે અમદાવાદ (Ahmedabad) પાછો ફરું તેવી કીડીઓ ચઢતી હતી. વર્ષોથી એના અને મારા વચ્ચે ફરવા જવાની બાબત એ ઝઘડાનું એક મોટું કારણ હતું. જોકે અમારાં લગ્ન થયાં ત્યારે આર્થિક વ્યવસ્થા પણ નહોતી એટલે જે કંઈ થોડો ઘણો પ્રવાસ થયો તે એસ.ટી. બસમાં કે પછી ટ્રેનના જનરલ કોચમાં જ થયો હતો. પણ આ વખતે શિવાનીનો (Shivani Dayal) જન્મદિવસ આવી રહ્યો હતો અને તેણે એક પણ ક્યાં દિવસ ફરવા જવાનું છે? તેવું પુછ્યું નહોતું! મને અંદરથી ચિંતા થવા લાગી હતી. કારણ કે શિવાનીની સ્થિતિ હવે બગડી રહી હતી. તેને છેલ્લાં પંદર વર્ષથી બ્રૉંકાઇટિસ નામની બીમારી હતી, આ બીમારી ક્રમશઃ કીડીવેગે આગળ વધી રહી હતી. આ ફેફસાની બીમારી છે. જેની દવા તો છે, પણ દર્દી સંપૂર્ણ સાજો થઈ જાય તેવી કોઈ દવા હજી સુધી શોધાઈ નથી. કઈ રીતે રોગની ઝડપ ઘટાડી શકાય; તેના પ્રયત્ન ચાલી રહ્યા હતા.
શિવાની આમ તો બહાદુર સ્ત્રી છે. 2020-21માં કોરોના આવ્યો ત્યારે અમને અને શિવાનીના ડૉક્ટર તુષાર પટેલને સૌથી વધુ ચિંતા શિવાનીની હતી. કારણ કે ફેફસાના દર્દી એકદમ ઝડપથી કોરોનાની ઝપેટમાં આવી જતા હતા, પણ ત્યારે કુદરતે એવી કમાલ કરી હતી કે, અમારા ઘરમાં હું, મારો દીકરો આકાશ અને દીકરી પ્રાર્થના એક સાથે કોરાનામાં સપડાયાં, પણ શિવાની તેમાં આબાદ બચી ગઈ! એટલું જ નહીં, અમે કોરાનાગ્રસ્ત હતાં ત્યારે તેણે અમને પણ સાચવી લીધાં હતાં. પરંતુ હવે તેની સ્થિતિ બગડી રહી હતી.
ઑગષ્ટ મહિનો ચાલી રહ્યો હતો. હું અમદાવાદ પોલીસ કમિશ્નર ઑફિસમાં પી.સી.બી. ઇન્સપેક્ટર મહેશ ચૌધરી પાસે બેઠો હતો. મારી દીકરીનો ફોન આવ્યો કે, તમે જલદી ઘરે આવી શકો?
મેં પુછ્યું, “કેમ?”
તેણે કહ્યું, “આઈને ફેફસામાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. તે રડે છે.”
શિવાનીને અનેક શારીરિક પીડામાંથી પસાર થતાં મેં જોઈ હતી. પણ ક્યારેય રડતાં જોઈ નહોતી. પ્રાર્થનાએ કહ્યું કે, આઈ રડે છે! એટલે હું તરત ત્યાંથી નીકળ્યો. ઘરે આવી ડૉ. તુષાર પટેલને ફોન કર્યો.
તેમણે કહ્યું, “અલ્ટ્રાસેટ આપી દો.”
અમારી પાસે એ દવા કાયમ રહેતી. મેં અલ્ટ્રાસેટ આપી એટલે થોડીવાર પછી તેને રાહત થઈ. આમ તો અમારા ફેમિલી ફિઝિશન ડૉ. હિતેન અમીન હતા. એ સમયે તે અમેરિકા ગયા હતા. જતા પહેલાં તેમણે અમને તેમનું ક્લિનિક સંભાળતા યુવાન ડૉ. હર્ષ જોષી સાથે મુલાકાત કરાવી હતી. બીજા દિવસે હું શિવાનીને લઈ ડૉ. હર્ષ પાસે ગયો. તેમણે શિવાનીને તપાસી એક્સ–રે કરાવ્યો અને દવા લખી આપી. સાથે મને કહ્યું, “કોઈપણ ઇમરજન્સી લાગે તો તમારાં ઘર પાસે ‘ઍવરોન’ હૉસ્પિટલ છે. ત્યાં પહોંચીને મને ફોન કરજો. આટલા વર્ષોથી આ બીમારીનો સામનો કરી રહેલી શિવાનીને ક્યારેય હૉસ્પિટલાઇઝ કરવી પડી નહોતી. મારા મનમાં પ્રશ્ન થયો કે, ડૉ. હર્ષ જોષીએ કેમ મને આવી સલાહ આપી? મારી આંખમાં ચાલી રહેલો પ્રશ્ન ડૉ. હર્ષ સમજી ગયા હતા. તેમણે શિવાની સામે ત્રાંસી નજરે જોતાં મને કહ્યું, “ચિંતા કરતા નહીં. હું અહીંયાં જ છું.”
આ દરમિયાન સમાંતર બીજી ઘટના પણ ચાલી રહી હતી. મારી પાસે દસ વર્ષ જૂની કાર હતી. હવે એ વેચીને નવી કાર લેવી જોઈએ; એવી ચર્ચા ઘરમાં ચાલી રહી હતી. કાર લેવાની આમ તો કોઈ જ ઉતાવળ નહોતી; પણ ખબર નહીં મને મનમાં કોઈ અજાણ્યો ડર લાગી રહ્યો હતો. મનમાં સતત ઉદ્વેગ રહેતો કે, ક્યાંક હું એકલો તો નહીં પડી જઉંને! એક સમય હતો, જ્યારે અમારી પાસે કંઈ નહોતું. ખૂબ કષ્ટના દિવસો હતા. શિવાનીને ઇચ્છાઓ મારી મારીને જીવવું પડતું હતું. આજે થોડીક વ્યવસ્થા હતી, પણ હવે શિવાની સ્થિતિ સારી નહોતી! મેં મનોમન નક્કી કર્યું કે હું મારી જૂની કાર વેચીને નવી કાર ખરીદીશ. 21 સપ્ટેમ્બરે શિવાનીનો જન્મદિવસ આવતો હતો. એટલે પહેલાં નક્કી કર્યું કે 21મીએ જ શિવાનીને સરપ્રાઈઝ આપીશ. પણ તરત મારા મને બીજો સવાલ પુછ્યો, “ત્યારે શિવાની તો હશેને?”
એ સવાલથી હું ધ્રુજી ગયો! શિવાની વગર મારી જિંદગીનો વિચાર માત્ર મને ડરાવી દેતો હતો. શિવાની જ્યારે સ્વસ્થ હતી ત્યારે અમારી વચ્ચે અનેક વખત ચર્ચા નીકળતી કે આપણામાંથી પહેલું કોણ જશે? એક્ઝિટ પીડાદાયક હોય છે. એ સત્ય હોવા છતાં સત્ય પીડા થોડી ઓછી કરે છે? શિવાની હંમેશાં મને કહેતી કે, “મારે પહેલાં જવું છે. કારણ કે મને તો કંઈ જ ખબર પડતી નથી.”
શિવાનીને અનેક તકલીફ હતી છતાં જવાની ઉતાવળ નહોતી. પણ જવાનો વખત આવે ત્યારે એને મારી પહેલાં જવું હતું. મારું મન પણ કહેતું કે મારી પહેલાં તું એક્ઝિટ કરજે. કારણ કે હું તારા વગર રહી લઈશ પણ તું મારા વગર રોજ મરતી રહીશ! જેમ નાનાં બાળકને પોતાની આસપાસ મા ન દેખાય અને બાળકને જેવી ફાળ પડે; તેવી જ સ્થિતિ શિવાનીની હતી.
એ લગ્ન કરીને ભરૂચથી અમદાવાદ આવી ત્યારે મેં તેની આંખમાં મોટા રસ્તા, મોટી ઇમારતો અને માણસોની ભીડનો ડર જોયો હતો. અમે લગ્ન પછી પહેલી વખત રેસ્ટોરન્ટમાં ગયાં, અમદાવાદના આશ્રમરોડ ઉપર ક઼ૃણાલ રેસ્ટોરન્ટ આવેલી છે. ત્યાં મેં તેની સામે મેન્યૂ મુક્યું. તેણે મેન્યૂ જોયા વગર જ મારી તરફ ખસેડતાં કહ્યું, “તમે જ મગાવો. મને ખબર નહીં પડે.”
મેં બે મસાલા ઢોંસાનો ઓર્ડર કર્યો. થોડીવાર પછી મસાલા ઢોંસા આવ્યા. મેં ખાવાની શરૂઆત કરી ત્યારે જ મારું ધ્યાન શિવાની તરફ ગયું. તે છરી–કાંટા સાથે યુદ્ધ કરી રહી હતી. કારણ કે હું જે રીતે છરી–કાંટા વડે ખાઈ રહ્યો હતો, એ તેના કોર્સ બહારની વાત હતી. મેં મારા છરી–કાંટા બાજુ પર મુક્યાં અને કહ્યું, “કંઈ વાંધો નહીં. આપણે હાથેથી જ ખાઈશું.”
તેના ચહેરા પર બાળક જેવું સ્મિત આવ્યું. એ દિવસથી આજ સુધી ગમે તેટલી મોટી હોટલમાં અમે જઈએ તો પણ હાથથી જ જમીએ છીએ. અમદાવાદમાં આટલા વર્ષો રહ્યા પછી પણ તેને આ શહેરમાં એકલા પડી જવાનો ડર લાગતો હતો. તે મને કહેતી કે, તમે ન હોવ તો? મને બૅંકનું કામ પણ આવડતું નથી. આમ જુઓ તો ઘરના ઉંબરાની બહારનું કંઈ જ આવડતું નથી.”
પણ હું જાણતો હતો કે ખરેખર તો ઘરના ઉંબરાની અંદરના કામ જ મહત્ત્વના હોય છે. આમ શિવાની માનસિક રીતે સંપૂર્ણ મારા પર નિર્ભર હતી. 21મીએ તેનો જન્મદિવસ હતો. મેં નક્કી કર્યું કે, તેની પહેલાં કાર લઈ લેવી છે. મેં કાર ખરીદી લીધી. કાર લેવા તેને પણ સાથે લઈ ગયો. એ થાકેલી હતી, એના ચહેરા પર સ્મિત તો સતત હતું પણ મને એ સ્મિત તકલાદી લાગી રહ્યું હતું. તેના જન્મદિવસે મેં તેને પુછ્યું, “બહાર જઈશ?”
તેણે હકારમાં માથું હલાવ્યું. બહાર જવા માટે એને કાયમ જેવો ઉત્સાહ નહોતો. અમે ગાંધીનગર સુધી લૉંગડ્રાઇવ કરી. તેણે પાછા ફરતાં કહ્યું, “બસ! આટલુ જ?”
હું એને કહી શક્યો નહીં કે, તું થાકી ગઈ છે! 22મી સપ્ટેમ્બરે રાતે હું શિવાની માટે ઓ.આર.એસ. લેવા ગયો હતો. કારણ કે, તે હવે જમી શકતી નહોતી. રવિવારનો દિવસ હતો. મારા ઘરની આસપાસના મેડિકલ સ્ટોર બંધ હતા એટલે હું વી.એસ. હૉસ્પિટલ પાસે ગયો હતો. લગભગ અડધો કલાક થયો હશે, હું ઘરે પાછો આવ્યો ત્યારે આકાશ ચિંતામાં હતો. ઘરમાં કંઈક દોડાદોડી ચાલી રહી હતી. મેં પુછ્યું, “શું થયું?”
તેણે કહ્યું, “આઈનું ઑક્સિજન લેવલ 48 છે!”
મેં ઘડિયાળ સામે જોયું રાતના દસ વાગી રહ્યા હતા. મેં તરત ડૉ. હર્ષ જોષીને ફોન કર્યો. તેમણે કહ્યું, “મોડું કરતા નહીં. તરત હૉસ્પિટલ લઈ આવો.”
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796