નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગર મહુવા નેશનલ હાઇવે પર આવેલી નીલકંઠ વિદ્યાપીઠમાં તળાજા (Nilkanth Vidyapith) પોલીસે આજરોજ દરોડો કર્યો હતો. દરોડામાં પોલીસે નીલકંઠ વિદ્યાપીઠના ટ્રસ્ટી દલપત કાતરીયા અને શિક્ષક સહિતના આરોપીઓને જુગાર રમતા ઝડપી પડ્યા છે.
આજરોજ ભાવનગરના તળાજા પોલીસ સ્ટેશન (Talaja Police Station) ની ટીમને બાતમી મળી હતી કે મુહુવા ભાવનગર નેશનલ હાઇવે પર આવેલી નીલકંઠ વિદ્યાપીઠમાં જુગાર રમાડવા માટે ટ્રસ્ટી પોતે જ ગ્રાહકો બોલાવે છે. માહિતી મળતાની સાથે જ પોલીસે વૉચ ગોઠવી દરોડો કર્યો હતો. દરમિયાન પોલીસ ત્રીજા માળે આવેલા મોરારીબાપૂ કક્ષ લાયબ્રેરી (Moraribapu Library) માં જતા જ વાંચન કક્ષમાં પોલીસે જુગાર રમતા ખેલીઓ જોયા હતા.
પોલીસે આરોપી ટ્રસ્ટી દલપત કાતરીયા કે જે બહારથી માણસો બોલાવી શાળામાં જુગાર રમાડતો હતો તેના સહિત એક શાળાના શિક્ષક ધર્મેશ મકવાણા સહિત અશોકસંગ સોલંકી, નીતિન સાગર, શૈલેષ લાડુમોર, રેલવે ક્લાર્ક ચેતન વિનોદ કાલર અને દિનેશ રામચંદાણીને રૂપિયા 10 લાખ રોકડ મળી કુલ 21 લાખ કરતા વધારેના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આમ પોલીસે 7 આરોપીની ધરપકડ કરી જુગારધારની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.