નવજીવન ન્યૂઝ, ભાવનગર : એક મહિના અગાઉ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કૉ.ઑ. બેંકના ચાર ખાતામાંથી રાતોરાત 7.34 કરોડ રૂપિયા ઉપડી જવાના કેસ (Bhavnagar District Co.Op. Bank Hacking Case) માં સ્ટેટ સાયબર સેલને સફળતા મળી છે. અમદાવાદના ત્રણ અને મુંબઈના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કૉર બેકિંગ સર્વિસ (Core Banking Service) ની ખામીનો લાભ લઈ હેક કરીને કરોડો રૂપિયા પકડાયેલા આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સની ટીમે (CCoE Team) બેંક સિસ્ટમને હેક કરનારા મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા મુંબઈ અને દિલ્હી તરફ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ચાર સહકારી બેંકો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક જેવી કૉર બેકિંગ સિસ્ટમ વાપરતી હોવાથી તેમને RBI થકી સિસ્ટમની ખામી દૂર કરવા જાણ કરવામાં આવી છે.
ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કના સીબીએસ કોર બેન્કિંગ સોલ્યુશન ડિપાર્ટમેન્ટમાં બ્રાંચ મેનેજર આઈટી હેડે ગત માર્ચ મહિનામાં ગાંધીનગર સ્ટેટ સાયબર સેલ (State Cyber Cell Gandhinagar) ખાતે ફરિયાદ નોંધાવી હતી. બેંકના ચાર ખાતાઓના રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર બદલી નાંખી 7.34 કરોડની રકમ 135 બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી. ત્યારબાદ અન્ય 500થી વધુ બેંક ખાતામાં અને પછી 700થી વધુ બેંક એકાઉન્ટમાં આ રકમ ટ્રાન્સફર કરાઈ હતી. આ કેસમાં કિશોર પરદેશી (રહે. મુંબઈ), અદનાન શેખ, રૂબિના શેખ અને સુશિલ મેઘવાલ (ત્રણેય રહે. અમદાવાદ)ની ધરપકડ કરવામાં આવી છે.








