કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઘણી વાર મોટી ખબર લાવનારાંઓની જ કોઈ માહિતી ઉપલબ્ધ હોતી નથી. દિલ્હી સ્થિત પત્રકાર નિરજા ચૌધરી (Neerja Chowdhury) વિશે પણ આમ કહી શકાય. વર્ષોથી દિલ્હીની રાજકીય ખબરો વિશે લખતાં નિરજા ચૌધરી હાલમાં ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું આવનારું પુસ્તક: ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ’. તેમણે પુસ્તક લખ્યું અને કેટલાંક ઘટસ્ફોટ કર્યા છે. વાત વર્તમાનની નથી, પરંતુ નિરજા ચૌધરીના પુસ્તકથી ચોક્કસથી દેશની કોઈ મહત્ત્વની ઘટના વિશે જે ધાર્યું હોય તેના કરતાં અલગ ચિત્ર ઉપસે છે. હંમેશા રાજકીય બાબતોમાં એવું થતું આવ્યું છે કે, મસમોટો વર્ગ જે માને અને પછી જે સત્ય પ્રકાશિત થાય તે વાસ્તવિકતાથી જોજનો દૂર હોય. નિરજા ચૌધરીએ દેશની અતિ મહત્ત્વની ઘટનાઓ વિશે આવી કેટલીક બાબતો તેમનાં પુસ્તકમાં ઉજાગર કરી છે. તેઓ જાણીતાં અંગ્રેજી અખબાર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના પોલિટીકલ એડિટર રહી ચૂક્યાં છે અને તે નાતે તેઓ વડાં પ્રધાનોના અતિ નજદીકી લોકોને મળ્યાં છે. આમ તેમને કેટલીક સીધી માહિતી મળી હતી, જે પુસ્તકમાં તેમણે વણી છે.

‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ’ પુસ્તકમાં જે કેટલીક ઘટનાઓ અત્યારે પ્રકાશમાં આવી છે તેમાંની એક સંજય ગાંધીનો અકસ્માત અને તેની સાથે જોડાયેલી હિમાચલ પ્રદેશમાં ચામુંડા માતાનાં મંદિર ન જવા અંગેનો ઇન્દિરા ગાંધીએ છેલ્લી ઘડીએ લીધેલો નિર્ણય. વાત એમ હતી કે, 22 જુન, 1980ના રોજ ઇન્દિરા ગાંધી હિમાચલ પ્રદેશના પાલમપુરમાં આવેલા ચામુંડા દેવીના મંદિરે આવવાનાં હતાં. ઇન્દિરા ગાંધીના આ પ્રવાસનું આયોજન ‘મોહન મેકિન ગ્રૂપ’ના અનિલ બાલી નામના વ્યક્તિએ કર્યું હતું. અનિલ બાલી ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ વ્યક્તિમાંનો એક હતો, જે ઇચ્છે ત્યારે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને મળી શકતો. તે વખતે હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રી રામલાલ સહિત સૌ કોઈ પ્રચારમાં વ્યસ્ત હતા અને મુખ્યમંત્રી રામલાલને સમાચાર મળ્યા કે ઇન્દિરા ગાંધી આવતાં નથી ત્યારે તેમણે પ્રતિક્રિયા આપતાં કહ્યું, ‘ઇન્દિરા ગાંધીને કહી દેજો, આ ચામુંડા માતા છે. કોઈ સામાન્ય ભક્ત જો માતાની મુલાકાતે આવવાનાં હોય અને ન આવે તો તેને માતા માફ કરે, પરંતુ શાસક તેમના પ્રત્યે આદર ન દાખવે તો માતા તે ન ભૂલી શકે.’ તે પછીના જ દિવસે સંજય ગાંધીનું અકસ્માતમાં મૃત્યુ થયું. અનિલ બાલી તુરંત દિલ્હી આવ્યા. તેઓ ઇન્દિરા ગાંધીના ઘરે રાતના અઢી વાગ્યે પહોંચ્યા હતા ત્યારે તેઓ સંજય ગાંધીની બોડી પાસે બેઠાં હતાં. તેમણે અનિલ બાલીને પૂછ્યું કે, ‘આ અકસ્માતનો સંબંધ હું ચામુંડા માતાના દરબાર ન ગઈ તેની સાથે હોઈ શકે?’તે વર્ષે જ 13 ડિસેમ્બરના રોજ ઇન્દિરા ગાંધી હિમાચલના આ ચામુંડા મંદિરે જાય છે અને ત્યાં બધી પૂજાવિધી કરે છે અને જેઓ હાજર હતા તેઓ સતત તેમનાં આંખમાંથી વહેતી અશ્રુધારાને જોઈ શકતા હતા. સંજય ગાંધીના મૃત્યુનો સંબંધ મંદિરે જવાથી ન હોય, પણ ઇન્દિરા ગાંધી જે રીતે આ પૂરા કિસ્સામાં વર્ત્યાં તે પરથી એવું લાગે છે કે, તેઓ આ વાતને માનતાં હતાં! તે પછી તે મંદિરમાં ઇન્દિરા ગાંધીએ સંજય ગાંધીના નામે એક ઘાટ બનાવડાવ્યો, જેનો ખર્ચ તે વખતે એંસી લાખની આસપાસ થયો હતો.

દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં એટલાં બધા રહસ્યો ધરબાયેલા છે કે, તેની માહિતી ભાગ્યે જ સામાન્ય લોકો સુધી પહોંચે છે. પત્રકારોમાં પણ કેટલાંક આવી ઇનસાઇડ સ્ટોરી લઈને આવે છે. નિરજા ચૌધરીના પુસ્તકમાં રાજીવ ગાંધી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ભાઉરાવ દેવરસને મળવાનની વાત પણ છે. વડાં પ્રધાન તરીકે જ્યારે ઇન્દિરા ગાંધી હતાં ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓએ તેમને મળવાના અનેક પ્રયાસ કર્યા. પરંતુ તેઓ ન મળ્યાં, પરંતુ 1982ના અરસામાં ઇન્દિરા ગાંધીએ જ રાજીવ ગાંધીને કહ્યું હતું કે તમે RSSના ભાઉરાવ દેવરસને મળો. રાજીવ ગાંધી ભાઉરાવને ત્રણ-ત્રણ વાર મળ્યા તે વિગત નિરજા ચૌધરીનું પુસ્તક આપે છે, પણ તેમાં શું વાત થઈ તે જાહેર થઈ નથી. જોકે વડા પ્રધાન બન્યા પછી રાજીવ ગાંધી ક્યારે ભાઉરાવને મળ્યા નહીં. પરંતુ તેઓ સંપર્કમાં રહ્યા હતા અને જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે ટર્મના અધવચ્ચે હતા, ત્યારે ‘RSS’ દ્વારા જ વડા પ્રધાન રાજીવ ગાંધીને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ દૂરદર્શન પર રામાનંદ સાગરનું રામાયણ પ્રસારીત કરવા માટે મંજૂરી આપે. કોંગ્રેસના એચ. કે. એલ. ભગત ત્યારે માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમને એવું લાગતું કે જો રામાયણ દર્શાવવામાં આવશે તો તેનાથી ભાજપ, વીએચપી અને જન્મભૂમિ આંદોલનને વેગ મળશે. આ ચેતવણી છતાંય રાજીવ ગાંધીએ રામાયણ પ્રસારીત કરવાની મંજૂરી આપી દીધી.
એ પ્રમાણે જ્યારે 1985માં જ્યારે શાહબાનો કેસનો ચૂકાદો આવ્યો હતો, ત્યારે પણ રાજીવ ગાંધી પૂરી ઘટનામાં કેવી રીતે ફસાયા તેની વિગત નિરજા ચૌધરીએ આપી છે. શાહબાનો નામની એક મુસ્લિમ મહિલાએ કોર્ટમાં એવી હાંક નાંખી કે તેના પતિએ તેને તલ્લાક આપ્યાં છે એટલે તેણે ભરણપોષણ અંતર્ગત તેને દર મહિને ચોક્કસ રકમ આપવી જોઈએ. સુપ્રિમ કોર્ટમાં શાહબાનોનો પક્ષ મંજૂર રાખવામાં આવ્યો, પરંતુ આ ચૂકાદાને લઈને મુસ્લિમ સમાજમાં હોબાળો થયો અને વડા પ્રધાન રાજીવ ગાંધી તેના દબાવ તળે આવ્યા અને સુપ્રિમ કોર્ટનો ચૂકાદો તેમણે પલટી નાંખ્યો. આ મુદ્દો જ્યારે ચર્ચામાં હતો ત્યારે રાજીવ ગાંધીના આંતરિક વર્તુળમાં તત્કાલિન NCP આગેવાન ડિ. પી. ત્રિપાઠી હતા. તેમણે સાંભળ્યું કે સોનિયા ગાંધી રાજીવને કહી રહ્યા હતા કે, ‘રાજીવ, જો તમે મુસ્લિમ મહિલા બિલ વિશે મને સમજાવી શકતા નથી તો પછી દેશને કેવી રીતે સમજાવી શકશો?’ સોનિયા ગાંધીએ એમ સુધ્ધાં કહ્યું કે, રાજીવ તારે સુપ્રિમ કોર્ટના ચૂકાદાને વળગી રહેવું જોઈએ.
રાજીવ ગાંધીના વડા પ્રધાન પદના કાર્યકાળ દરમિયાન તેમના પર સૌથી વધુ માછલાં ધોવાયા તે બોફાર્સ કાંડમાં. બોફાર્સ કાંડમાં શસ્ત્રોની લેવેચમાં ભ્રષ્ટાચાર થયો હતો. બોફાર્સ કાંડ જગજાહેર થયો તેમાં ભૂમિકા રાજીવ ગાંધીના મિનિસ્ટ્રીમાં રહેનાર અરૂણ નેહરુની હતી. અરૂણ નેહરુ પહેલાં કોંગ્રેસમાં હતા અને પછી તેઓ જનતા દળમાં જોડાયા. આ ઉપરાંત સ્વીડિશ રેડિયોને બોફાર્સ કાંડની બધી જ વિગત આપનારા અરૂણ નેહરુ હતા. આ ઘટના પરથી ખ્યાલ આવે છે કે અંગત દુશ્મનીમાં દેશની છબિ કેવી રીતે ખરડાઈ હતી.
આ પછી વડા પ્રધાન નરસિંહ રાવના કાર્યકાળની વાત પુસ્તકમાં થઈ છે. નરસિંહ રાવના કાર્યકાળમાં જ બાબરી મંદિર તોડવામાં આવી. આ પછી નરસિંહ રાવની મુલાકાત પત્રકાર નિખિલ ચક્રવર્તી સાથે થઈ હતી. ચક્રવર્તીએ રાવને પૂછ્યું : ‘તમે છ ડિસેમ્બરના રોજ 12 વાગ્યા પછી પૂજા કરી રહ્યા હતા?’ વડા પ્રધાને રાવે કહ્યું : ‘તમને એવું લાગે છે કે હું રાજનીતિ નથી જાણતો. હું તેની વચ્ચે જ જન્મ્યો છું. જે થયું તે ઠીક થયું. મેં એ માટે આ થવા દીધું કે ભાજપની મંદિરની રાજનીતિ હંમેશા માટે ખતમ થઈ જાય.’ આ ઉપરાંત તે વખતના એક પોલીસ અધિકારી કિશોર કુનાલે નિરજાને કહ્યું હતું કે, નરસિંહ રાવ એ જગ્યાએ મંદિર બનાવવા માંગતા હતા જ્યાં રામની મૂર્તિ મૂકવામાં આવી હતી. નરસિંહ રાવે તત્કાલિન મીડિયા એડવાઇઝર પી. વી. પ્રસાદને એવું સૂચન કર્યું હતું કે, લોકોમાં એવો વિશ્વાસ ઊભો કરો કે મસ્જિદની જગ્યાએ જ મંદિર નિર્માણ પામી રહ્યું છે. જોકે આ સમય દરમિયાન નરસિંહ રાવ જે રીતે ઘટનાઓ બની તે પછી તેઓ નિરાશામાં હતાં. તેમણે પી. વી. પ્રસાદને એમ પણ કહ્યું હતું કે, આપણે જ્યારે એમ કહીએ છીએ કે કોંગ્રેસ ધર્મનિરપેક્ષ પક્ષ છે ત્યારે એવું માનવાની જરૂર નથી કે આપણે નાસ્તિક છીએ.
આ પ્રમાણે 1998માં વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પોખરણમાં અણુ પરીક્ષણ કર્યું હતું. જોકે 1979માં જ્યારે અણુ પરીક્ષણ કરવાની વાત આવી ત્યારે વાજપેયીએ તેની નિંદા કરી હતી. આ રીતે રાહુલ ગાંધીએ 2004માં સોનિયા ગાંધીને વડા પ્રધાનનું પદ સ્વિકારતા રોક્યા હતા, તે વિગત પણ છે. આવા અસંખ્ય સિક્રેટ દિલ્હીના રાજકીય આગેવાનોના ઘરોમાં બંધ છે, તેના દ્વાર ઉઘાડવાનો પ્રયાસ નિરજા ચૌધરીનો છે. જોઈએ પુસ્તક પ્રકાશિત થાય ત્યાર પછી તેની પ્રતિક્રિયા શું રહે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








