નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરના (Surendranagar) વડગામમાંથી અંધશ્રદ્ધાનો (superstition) વરવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પરિવારે બાળકીની તબિયત લથડતા તેને ડૉક્ટર પાસે લઈ જવાના બદલે ગામમાં આવેલા સિકોતર માતાના મંદિર ખાતે ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવાએ બાળકી સાજી થઈ જશે, તેવું કહી ગરમ સોયાના ડામ 10 માસની બાળકીના પેટના ભાગે આપ્યા હતા. જ્યાં તેની તબિયત સુધરવાના બદલે વધુ લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં 48 કલાકની સારવાર બાદ બાળકીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
આ પણ વાંચો : એ માસૂમની શું ભૂલ ! પરિવારની અંધશ્રદ્ધાની અંધાળી દોટમાં બાળકી જીવન મરણની લડી રહી છે લડાઈ
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગરના વડગામમાં રહેતી મહિલાની 10 મહિનાની બાળકીને ન્યુમોનિયા થઈ જતા તેની તબિયત લથડી હતી, પરંતુ પરિવાર શ્રમિક હોવાથી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. જેને લઈ તેઓ ગામમાં આવેલા ભૂવા પાસે ન્યુમોનિયાની સારવાર કરાવવા માટે પહોચ્યા હતા. ભૂવાએ બાળકી સારી થઈ જશે તેવા વિશ્વાસમાં લઈ 10 મહિનાની માસૂમ બાળકીના પેટના ભાગે આગમાં ધગધગતી સોયાના ડામ આપ્યા હતા. જેના કારણે બાળકી અત્યંત પીડામાં મુકાઈ હતી. ત્યાર બાદ તેને ઘરે લઈ જતા તેની તબિયત વધુ લથડી હતી, જેને લઈ બાળકીને પહેલા સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં કોઈ ફરક ન પડતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. બાળકીના શરીર પર ડામના નિશાનો પણ મળી આવ્યા હતા. છેલ્લા 48 કલાકથી હોસ્પિટલ જીવન મરણ વચ્ચે લડી રહેલી બાળકીએ આજે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
બાળકીના મૃત્યુથી પરિવારમાં રોકકળ મચી ગઈ હતી અને માતા-પિતા પોતાની જાત પર ધિક્કારતા જોવા મળ્યા હતા. આજે અંધશ્રદ્ધાના કારણે એક પરિવારને પોતાની ફૂલ જેવી માસૂમ બાળકી ગુમાવવાની નોબત આવી હતી. હાલ કિસ્સો વધુ એક વાર અંધશ્રદ્ધાના ખપ્પર હોમાયેલા લોકો માટે લાલબત્તી સમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આવા કિસ્સાઓ બની ચુક્યા છે, જ્યાં અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકો સમયસર પોતાની સંતાનોને ડૉક્ટર પાસે સારવાર ન કરતા તેમને જીવનભર માથે હાથ રાખી રડવાનો વારો આવતા હોય છે. આજ પ્રકારની પરિસ્થિત હાલ બાળકીના પરિવારમાં આવી પડી છે.
Tag: Surendranagar News, Surendranagar Superstition Case
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








