Ayatollah Ali Khamenei Funeral in Iran : ઈરાનના તહેરાનમાં દિવંગત સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની રવિવારે યોજાયેલી અંતિમવિધિ દરમિયાન ભડકાઉ સૂત્રોચ્ચારથી માહોલમાં ગરમી આવી ગઈ હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના મોતનું આહ્વવાન (Call for the death of US President Donald Trump) મંચ ઉપરથી કરવામાં આવ્યું હતું. લાખો લોકોની ભીડે આહ્વાનનું સમર્થન કર્યું હતું. આ અંતિમક્રિયા ઈરાનના નવા સુપ્રીમ લીડર આયતુલ્લા મુજતબા ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Mojtaba Khamenei) માટે શક્તિ પ્રદર્શન બની હતી.
ગત 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં આયતુલ્લા અલી ખામેનેઈ (ઉ. 86) માર્યા ગયા હતા. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના મોત બાદ યુદ્ધ ભીષણ બન્યું હતું. આજે 5 જુલાઈના રોજ તહેરાન ખાતે ખામેનેઈની વિશાળ શોક સભા દરમિયાન મંચ ખાતેથી મોહમ્મદ રસૂલી નામના એક કવિએ લાઉડ સ્પીકર પર
ભીડ પાસે ‘અમેરિકા મુર્દાબાદ’ અને ‘ઈઝરાયલ મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવી મંચ ઉપરથી પૂછ્યું કે, “દુનિયાનો સૌથી ખરાબ માણસ અત્યાર સુધી જીવતો કેમ છે?” ખામેનેઈના મોત બાદ આ પ્રથમ એવી ઘટના છે. જ્યારે કોઈ સત્તાવાર મંચ પરથી ટ્રમ્પના મોતનું આહ્વાન કરવામાં આવ્યું હોય. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિ રડતાં-રડતાં કહી રહ્યો છે કે, “આપણું કર્તવ્ય છે કે જેણે આપણા ઈમામને માર્યા છે તે ટ્રમ્પને આપણે મારી નાંખીએ.” તેહરાનની દીવાલો પર પણ ટ્રમ્પ અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Israeli PM Benjamin Netanyahu) ને મારવાની માગ કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.








