નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કેયૂર સંપટના (IAS Keyur Sampat) કાર્યકાળમાં જે પ્રકારે બિનખેતી માટેની ફાઈલોનો નિકાલ થયો તે શંકા ઉપજાવે તેવી વાત છે. ત્યાં સુધી કે સુરેન્દ્રનગર કલેકટર કચેરીના (Surendranagar Collector Office) જ એક અધિકારીની સત્તાની ફાઈલો પણ ટેકનિકલ મિસ્ટેકના બહાને તેમના સુધી પહોંચી રહી હતી. જે અંગે તત્કાલીન અધિક નિવાસી કલેકટર દર્શના ભગલાણી દ્વારા રેકર્ડ પર પણ આ બાબતે નોંધ લખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ છતાં પણ આ કામગીરીને ટેકનિકલ ક્ષતી ગણી કલેકટર દ્વારા મહોર મારવામાં આવી હતી. ત્યારે હવે નવજીવન ન્યૂઝને (Navajivan News) વધુ અહેવાલ મળી રહ્યા છે કે સાયલા તાલુકાના અરજદારે કરેલી હથિયારના પરવાના રિન્યૂ (Arms license Renewal)કરવાની કામગીરીમાં પણ કંઈક રંધાઈ રહ્યું છે.
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર અને સસ્પેન્ડેડ IAS અધિકારી કે. રાજેશ દ્વારા સુરેન્દ્રનગરમાં હથિયારના પરવાના સહિતની કામગીરીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. સરકારે આ મામલે તપાસ કરી કાર્યવાહીના આદેશ આપતા કે. રાજેશને જેલની હવા પણ ખાવી પડી હતી. બાદમાં કલેકટર તરીકે કેયૂર સંપટને જવાબદારી સોંપવામાં આવી હતી. ઉપરાંત અગાઉના કલેકટરે કરેલી કામગીરી અને આપેલા હથિયારના પરવાનાને રિવ્યુ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ત્યારે હવે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે કલેકટર કેયૂર સંપટના રાજમાં પણ હથિયારના પરવાના રિન્યૂ કરવાની પ્રક્રિયામાં ગોટાળા ચાલી રહ્યા છે. જેમાં કલેકટર કચેરી દ્વારા હથિયારના પરવાના રિન્યૂ કરવાની ચોક્કસ 3 જેટલી અરજીઓનો અભિપ્રાય નકારાત્મક હોવા છતાં કલેકટર દ્વારા અરજીનો નિકાલ કેમ નથી કરવામાં આવી રહ્યો તે મુખ્ય સવાલ છે.
માહિતી મળી રહી છે તે મુજબ જાન્યુઆરી હથિયારના પરવાના રિન્યૂ કરવા માટે કેટલીક અરજીઓ મળી હતી. જેમાં પોલીસ અને કચેરીના અભિપ્રાય બાદ કામગીરી કરી કેટલાક પરવાના રિન્યૂ કરવામાં આવ્યા જ્યારે કેટલાક રદ કરવામાં આવ્યા. પરંતુ આ અરજીઓ પૈકીના 3 અરજીમાં પોલીસનો અભિપ્રાય અને સક્ષમ અધિકારીનો અભિપ્રાય પણ નેગેટીવ હોવા છતાં તેને અટકાવી નિકાલ કરવામાં નથી આવ્યો. એટલું જ નહીં પણ જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરી અભિપ્રાય માટે અરજી મોકલવામાં આવી ત્યારે પણ પોલીસ વડાની કચેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, અત્રેની કચેરી દ્વારા પુખ્ત અને યોગ્ય વિચારણા બાદ જ અભિપ્રાય આપવામાં આવેલા હોય તે બાબતે પુનઃ અભિપ્રાયની કોઈ જરૂર રહેતી નથી. આમ આ જવાબને કારણે કલેકટર કેયૂર સંપટે ખુદ કચેરીને લેખિત જાણ કરી હતી કે આ જવાબને ધ્યાને લઈ પુનઃ અભિપ્રાય માગવા જોઈએ નહીં. પરંતુ તેમના સમક્ષ જાન્યુઆરીમાં આવેલી અરજી પર આજ સુધી કોઈ નિર્ણય નહીં કરતા અરજીને પેન્ડિંગ(લટકતી) મુકી રાખવામાં આવી છે.
આમ હથિયારના પરવાના રિન્યૂ કરવાની 3 અરજીઓ પર કલેકટર દ્વારા નિર્ણય કેમ નથી કરવામાં આવતો તે સવાલ છે. ઉપરાંત આ જ અરજી પર કલેકટર દ્વારા એક સમયે નોંધ પણ કરવામાં આવી છે કે, ‘પરવાનેદાર હથિયારનો ઉપયોગ સમાજ વિરોધી પ્રવૃતિઓ સારુ કરે તેવી પુરી શક્યતાઓ હોઇ પરવાનો રદ કરવો.’ છતાં પણ કલેકટર કેયૂર સંપટની કચેરી દ્વારા આ અરજીને શા માટે પેન્ડિંગ રાખવામાં આવી રહી છે તે વાત શંકા પેદા કરી રહી છે. જો સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તો સુરેન્દ્રનગર કલેકટરની મુશ્કેલીઓ વધી શકે તેવી સંભાવના રહેલી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








