Friday, June 5, 2026
HomeGujaratSuratજીવના જોખમે સુરત ક્રાઈમબ્રાંચનું UPમાં સફળ ઓપરેશન, મહારાષ્ટ્ર બેન્કની લૂંટનો ભેદ ઉકેલાયો

જીવના જોખમે સુરત ક્રાઈમબ્રાંચનું UPમાં સફળ ઓપરેશન, મહારાષ્ટ્ર બેન્કની લૂંટનો ભેદ ઉકેલાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના સચિન ખાતે આવેલા વાંઝ ગામમાં મહારાષ્ટ્ર બેન્કમાં થયેલી રૂપિયા13 લાખની લૂંટ મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઉત્તર પ્રદેશના રાયબરેલીમાંથી ઝડપી પાડ્યા છે. જ્યાં લૂંટારાઓ પાસેથી બે લાખ રૂપિયાની રોકડ મુદ્દામાલ સહિત લૂંટમાં ઉપયોગ લેવાયેલી રિવોલ્વર પણ કબ્જે કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી લેવા માટે ઉત્તર પ્રદેશ જઈ સિફત પૂર્વક ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સચિનના વાંઝ ગામમાં આવેલી મહારાષ્ટ્ર બેન્કમાં ત્રણ દિવસ અગાઉ લૂંટની ઘટના બની હતી. જે સંદર્ભે સ્થાનિક પોલીસની સાથે સુરત ક્રાઈમબ્રાંચની ટીમ લૂંટનો ભેદ ઉકેલાવા તપાસમાં જોડાઇ હતી. ક્રાઈમબ્રાંચની ટીમને હ્યુમન ઈન્ટિલેન્સ અને ટેક્નિકલ સર્વલન્સ આધારે માહિતી મળી હતી કે, લૂંટની ઘટનાને અંજામ આપનાર ચારેય આરોપીઓ ઉત્તરપ્રદેશના રાયબરેલી વિસ્તારમાં છે. જે માહિતીના આધારે ક્રાઈમબ્રાંચની એક ટીમ ઉત્તર પ્રદેશ ખાતે જવા નીકળી હતી. ઉત્તર પ્રદેશ પહોંચેલી ટીમે એક દિવસ રાયબરેલી શહેરમાં રોકાઇ લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

- Advertisement -

મહત્વની વાત છે કે ઝડપાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશના વિસ્તારમાં ગેંગસ્ટર તરીકેની છાપ ધરાવતા હતા. જેના કારણે ક્રાઈમબ્રાંચની ટીમે ખૂબ સિફત પૂર્વક કામ પાર પાડવું પડ્યું હતું અને જીવના જોખમે મુખ્ય લૂંટારાને પકડી પાડ્યો હતો. મુખ્ય આરોપી ઝડપાઈ ગયા બાદ એક બાદ એક આરોપી પોલીસને હાથ લાગવા લાગ્યા હતા. આમ સુરત ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા આરોપી અરબાજખાન શાન મહાંમિખાન, વીપીનસીંગ સોમેદ્ર સિંગ ઠાકુર,અનુજ પ્રતાપસિંગ, ફુરકાન અહેમદ મોહંમદ સેફ ગુજરને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી બે લાખ રૂપિયા રોકડ લૂંટની રકમ તેમજ રિવોલ્વર સહિતના હથિયાર કબ્જે કર્યા હતા.

આ અંગે ઉત્તર પ્રદેશ આરોપીને પકડવા ગયેલા સુરત ક્રાઈમબ્રાંચ PSI ડી એમ રાઠોડ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતું કે, અમારી એક ટીમ ટેકનિકલ સર્વલન્સના અધારે આરોપીને પકડવા ઉત્તર પ્રદેશના રાયબરેલી વિસ્તારમાં ગયા હતા. જ્યાં ખૂબ જ ગુંડાગીરી મામલે ભયાનક વિસ્તાર હતો અને આરોપી એ વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકે છાપ ધરાવતો હતો. એટલે પોલીસ પણ જીવના જોખમે કામગીરી કરી રહી હતી. આરોપીઓનું પેગરું મળતાની સાથે જ એક બાદ એક લૂંટમાં સામેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. સાથે જ તેમની પાસેથી લૂંટની 2 લાખ રૂપિયા હાલ કબ્જે કરવામાં આવ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular