Saturday, October 17, 2026
HomeNationalઅમદાવાદના ખીરુંકાંડ જેવો નોઈડામાં નુડલ્સકાંડ? એક જ પરિવારના પાંચનાં મોત, તપાસ શરૂ

અમદાવાદના ખીરુંકાંડ જેવો નોઈડામાં નુડલ્સકાંડ? એક જ પરિવારના પાંચનાં મોત, તપાસ શરૂ

- Advertisement -

Noida family death case: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના રબૂપુરા વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં પતિ-પત્ની અને તેમનાં ત્રણ નાનાં બાળકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઇઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે મોતનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં પોલીસ, વરિષ્ઠ અધિકારીઓ, એમ્બ્યુલન્સ અને ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ આવી જ રીતે એક જ પરિવારના સભ્યોની તબીયત લથડી હતી, જેમાં ડોસાનું ખીરાના કારણે ફૂડ પોઈઝનિંગ થયાની વાતો વહેતી થઈ હતી પરંતુ આજ સુધી એ કેસમાં કોઈ અધિકારી સ્પષ્ટ અને સટીક રીતે મોતનું કારણ આપી શકે તેવી થીયરી બેસતી નથી.

ગ્રેટર નોઈડાના કેસમાં પોલીસના જણાવ્યા અનુસાર, 17 ઑક્ટોબરે રબૂપુરા પોલીસ સ્ટેશનને નંગલા શ્રી પદમ ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થયાની જાણ કરવામાં આવી હતી. મૃતકોની ઓળખ 37 વર્ષીય મહેશ, 35 વર્ષીય લલિતા, 11 વર્ષીય લાડ્ડુ, 7 વર્ષીય મિષ્ટી અને 3 વર્ષીય સાક્ષાત તરીકે થઈ છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી છે અને વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, મહેશ અને લલિતા તેમનાં ત્રણ બાળકો સાથે રાત્રે ભોજન કર્યા બાદ સૂઈ ગયાં હતાં. સવારે પરિવારનો કોઈ સભ્ય જાગ્યો નહીં ત્યારે આસપાસના લોકોને શંકા ગઈ હતી. તપાસ કરતાં પાંચેયનાં મૃતદેહ પથારીમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ગામમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક મહેશની માતા અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે પરિવારે આગલી રાત્રે નૂડલ્સ ખાધાં હતાં. આ કારણે ફૂડ પોઇઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, નૂડલ્સ ખાવા અને મોત વચ્ચે કોઈ સંબંધ હોવાની હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક તપાસનાં પરિણામો આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પોલીસે જણાવ્યું છે કે તપાસના તારણોના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular