CM Bhupendra Patel e-inaugurated 101 new centers under Shramik Annapurna Yojana : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનાં નવાં 101 કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના અન્નપૂર્ણા કેન્દ્ર ખાતે શ્રમિકોને ભોજન પીરસીને સેવાદાનમાં સહભાગી થવાની સાથે તેમની સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બાંધકામ ક્ષેત્રના શ્રમિકો અને તેમના પરિવારજનોને નજીવા દરે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત થયેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત સેવા હી સાધના અન્વયે આ નવાં 101 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. હવે રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં કુલ 394 કેન્દ્રો પરથી શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળતો થશે.
ઉલ્લેખનીય છે કે, વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા શ્રમિકોના કલ્યાણ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વર્ષ 2017થી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર 5 રૂપિયાના નજીવા દરે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. આ યોજના હેઠળ અગાઉ રાજ્યના 20 જિલ્લાઓમાં કુલ 293 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો કાર્યરત હતાં. આ કેન્દ્રો દ્વારા દરરોજ સરેરાશ 35 હજારથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવતું હતું. નવાં કેન્દ્રોના ઉમેરા સાથે દૈનિક ભોજન વિતરણમાં અંદાજે 10 હજાર ભોજનનો વધારો થશે, તેથી હવે દરરોજ અંદાજે 45 હજાર ભોજનનું વિતરણ કરી શકાશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આપવામાં આવતા ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અઠવાડિયામાં એક વાર સુખડી અને શીરા જેવાં મિષ્ટાન પણ આપવામાં આવે છે. શ્રમિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કડિયાનાકા ખાતેના સ્થાયી શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો ઉપરાંત, જે બાંધકામ સાઇટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય, ત્યાં ડોરસ્ટેપ ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધીમાં બાંધકામ સાઇટ પર અંદાજે 27 લાખ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે.








