કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વિદ્યાર્થીઓ માટે આ સંકટકાળ ચાલી રહ્યો છે. જ્યાં-ત્યાં વિદ્યાર્થીઓ (Students) ત્રસ્ત છે. ક્યાંક પેપર ફૂટી (Paper Leak)રહ્યા છે, તો વળી ક્યાંક શિક્ષણ મેળવતાં છતાં તેમની સાથે બેરજોગારીની તલવાર લટકે છે. ‘યુપીએસસી’ જેવી પરીક્ષામાં પણ ઘાલમેલ બહાર આવી છે. દિલ્હીમાં રાજેન્દ્રનગરની ઘટના તો સૌથી ચોંકવનારી છે, જેમાં ‘યુપીએસસી’ એસ્પારન્ટ ત્રણ વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં વાંચતી વેળાએ મૃત્યુ પામ્યા. વિદ્યાર્થીઓ પહેલાંથી જ સતત વધી રહેલી ફી અને મોંઘવારીથી ત્રસ્ત હતાં. પરંતુ હવે ઉચ્ચ શિક્ષણ લીધા બાદ પણ તે યોગ્ય કારકિર્દીના વિકલ્પ નથી મેળવી શકતો. અને એટલે જ દેશભરમાંથી વિદેશમાં અભ્યાસ કરવાનો અને ત્યાં જઈને સ્થાયી થવાનો ટ્રેન્ડ વિકસ્યો છે. વિદેશમાં પણ કારકિર્દી ઘડવી સરળ નથી. હજુ બે વર્ષ પહેલાં જ યુક્રેન અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓને કંઈ સ્થિતિમાં પાછું આવવું પડ્યું હતું તે આપણે જાણીએ છીએ. હાલમાં બાંગ્લાદેશમાં થયેલી તંગદીલીના કારણે ત્યાંથી પણ 6,700 વિદ્યાર્થીઓએ પાછા આવવું પડ્યું છે. કેટલાંકને તો હિંસાના માહોલમાંથી જીવના જોખમે સ્વદેશ પાછા ફરવું પડ્યું છે. હાલમાં સંસદના ચોમાસું સત્રમાં વિદેશ મંત્રાલય દ્વારા એક માહિતી આપવામાં આવી તેનાથી પણ ખ્યાલ આવે કે જ્યારે વિદ્યાર્થીઓ વિદેશમાં કારકિર્દીના સપનાં જોઈને જાય છે, ત્યારે તેના માથે મોતનું જોખમ પણ હોય છે. વિદેશ મંત્રાલયે આપેલાં આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં 633 વિદ્યાર્થીઓની મૃત્યુ થયાં છે. તેમાં સૌથી વધુ મૃત્યુ 172 કેનેડામાં થયા છે. અમેરિકામાં 108 ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે બ્રિટનમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની સંખ્યા 58 છે. આ વાસ્તવિકતા વિદ્યાર્થીઓ અને વાલીને ખબર હોવા છતાં વિદેશની હોડ લાગેલી છે; કારણ કે અહીંયા ગળાકાપ સ્પર્ધા છે.
દેશની શૈક્ષણિક વ્યવસ્થામાં છીંડા છે અને હવે તેની પરતો ખુલી રહી છે. એક પછી એક ફૂટતાં પેપર તેની સાક્ષી પૂરે છે. ‘નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રાસ ટેસ્ટ’[નીટ]માં તો શિક્ષણ માફીયા હદ વટાવી ગયા. ‘નીટ’ નામે ઓળખાતી પરીક્ષા દેશમાં વ્યાપક રીતે થાય છે, જેમાં પચ્ચીસ લાખની આસપાસ વિદ્યાર્થીઓ અપીઅર થાય છે. પહેલાં તો આ ‘નીટ’ની પરીક્ષા 2012માં લાગુ કરવામાં આવી ત્યારે તેને લઈને ખાસ્સો વિવાદ થયો. તે પછી મુદ્દો સુપ્રિમ કોર્ટમાં પણ ગયો. તે ઉપરાંત, આ પરીક્ષા લેનારી સંસ્થાઓ પણ બદલાતી રહી. સૌથી પહેલાં ‘સીબીએસસી’ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી, તે પછી આ પરીક્ષા લેવા માટે ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’[એનટીએ] નામની સંસ્થા ઊભી કરવામાં આવી. ‘એનટીએ’ દેશભરમાં અનેક પરીક્ષા લે છે તેમાંની એક ‘નીટ’ પણ છે. પરંતુ આ વખતે ‘નીટ’માં કેટલાંક કેન્દ્રો પર પેપર ફૂટ્યાં અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે હાલમાં એવો ચૂકાદો પણ આપી દીધો છે કે દેશભરમાં વ્યાપક રીતે પરીક્ષામાં ગેરરીતિ થઈ નથી, એટલે પરીક્ષા ફરી લેવાનો સવાલ નથી. પરંતુ ‘નીટ’ની પરીક્ષામાં ગુજરાતના ગોધરા કેન્દ્રમાંથી 17 ઉમેદવારોને પરીક્ષાની કામગીરી બજાવતા શિક્ષકો સહાયતા કરી હતી. અને તે માટે દરેક ઉમેદવારે દસ લાખ રૂપિયા આપ્યા હતા. ‘નીટ’ની પરીક્ષામાં જે રીતે ધાંધલી થઈ તેના પરથી મોડસ ઓપરેન્ડી બહાર આવી કે કેવી રીતે પેપર ફૂટે છે. તેમાં પ્રિન્ટિંગ પ્રેસ, કુરીયર કંપની, શિક્ષકો, પેપર સોલ્વ કરનારા અને હેકર્સ સૌ કોઈ તેનાં નેટવર્કમાં સામેલ છે. આ અંગે ‘ધ પ્રિન્ટ’ પોર્ટલના બીસ્મી તસકીન અને મયંક કુમારે અલગ-અલગ રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે વાત કરી ત્યારે તેમાં તો અનેક આવાં ચોંકવનારા કિસ્સા બહાર આવ્યા છે. રાજસ્થાનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ‘ધ પ્રિન્ટ’ને કહ્યું કે, “1997માં થયેલાં પેપર લીક અને સાંઠગાંઠની રીતો બદલાઈ ચૂકી છે. પહેલાં તો એક વિદ્યાર્થી પાસે પેપર આવે તો તેની ઝેરોક્સ થતી, હવે સોશિયલ મીડિયા દ્વારા અનેક લોકો સુધી પેપરની કૉપી સેંકડોમાં પહોંચી જાય છે. તેનું એક કારણ એ પણ છે કે હવે સ્પર્ધાત્મક પરીક્ષાનું બજાર ઘણું મોટું થઈ ચૂક્યું છે.” બિહારના પોલીસના એક વરિષ્ઠ અધિકારી તેમના રાજ્યના અનુભવ વર્ણવતાં કહે છે કે, “સિસ્ટમમાં અનેક મર્યાદા છે. સેફરૂમ સુરક્ષિત નથી. આરોપીઓ સ્ટ્રોંગરૂમાં ઘુસી જાય છે અને પ્રશ્નપત્રોને સ્કેન કરે છે. કોચિંગ સેન્ટરોના કો-ઓર્ડિનેટર અને પરીક્ષા કેન્દ્રોના અધિકારીઓની સાંઠગાંઠ છે. આ એક સંગઠીત રેકેટની જેમ કાર્યરત છે. આમાં કેટલાંક મોટા ખેલાડી પણ સામેલ છે.”
આવું થાય છે કેમ? તેમાંનું એક કારમ છે કે ‘એમબીબીએસ’ની કુલ બેઠકો એક લાખ નવ હજારની આસપાસ છે અને તેમાં પરીક્ષા આપનારા ઉમેદવારોની સંખ્યા આ વર્ષે ચોવીસ લાખ હતી. આ સંખ્યા દર વર્ષે વધી રહી છે કારણ કે ત્રીસ ટકાથી વધુ ઉમેદવારને ખાનગી મેડિકલ કોલેજોની ફી પોસાતી નથી, એટલે તેઓ ફરી પરીક્ષા આપે છે. સરકારી કોલેજમાં ‘એમબીબીએસ’ પૂરા કરવાનો ખર્ચ પાંચથી દસ લાખ સુધી છે, ત્યાં ખાનગી કોલેજનો ખર્ચ એક કરોડની આસપાસ પહોંચી જાય છે. આટલી સ્પર્ધા હોય ત્યાં પરીક્ષાનું મોડલ ચુસ્તદુરસ્ત હોવું જોઈએ, પરંતુ આ પરીક્ષા લેનારી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’[નેટ] પોતે જ અલગ-અલગ મર્યાદાથી ગ્રસ્ત છે. ‘નેટ’ પાસે પૂરતો સ્ટાફ નથી, તેનું મહદંશે કાર્ય આઉટસોર્સિંગથી થાય છે. ઉપરના હોદ્દેદારો સિવાય ‘નેટ’માં કોઈ અધિકારીની સીધી જવાબદારી બનતી નથી. ઉપરાંત, તેમની પાસે જિલ્લા કે અન્ય તાલુકા સ્તરે આવેલા કેન્દ્રો પર ગેરરીતિ થાય છે કે નહીં તે તપાસવાની પૂરતી વ્યવસ્થા પણ નથી. આ સ્થિતિમાં પેપર ન ફૂટે તો જ નવાઈ તેવું પણ ઘણાં પૂર્વ અધિકારી માને છે.
‘નીટ’ જેમ દેશમાં અઘરી અને સ્પર્ધાત્મક પરીક્ષા છે, તે રીતે ‘યુપીએસસી’ની પરીક્ષામાં ખાસ્સી સ્પર્ધા છે. આઈએએસમાં જવા અર્થે ‘યુપીએસસી’ પરીક્ષા લે છે. આ પરીક્ષા માટે પણ દેશભરના લાખો યુવાનો વર્ષોથી તૈયારી કરે છે. પરંતુ આ વખતે ‘યુપીએસસી’માં પણ ગેરરીતિ થઈ છે, અને પૂજા ખેડકર નામની યુવતિએ એ રીતે પરીક્ષા પાસ કરવાના આરોપ લાગી રહ્યા છે. પૂજા ખેડકર ટ્રેઇની આઈએએસ તરીકે ફરજ પર હતી, ત્યારે તેનો વ્યવહાર યોગ્ય નહોતો અને તે રીતે તેણે આપેલા પરીક્ષાની તપાસ થઈ તો ખ્યાલ આવ્યો કે તેણે વિકલાંગતાનું ખોટું સર્ટિફિકેટ આપ્યું હતું. પછી તો ‘યુપીએસસી’માં દેશભરમાંથી આવાં કેટલાંક કિસ્સા બહાર આવ્યા જેઓએ ખોટું સર્ટિફીકેટ આપીને આ પરીક્ષા ક્લિઅર કરી હોય.
દેશનો વિદ્યાર્થી કોઈ પણ સ્ટ્રીમનો વિદ્યાર્થી જ્યારે કારકિર્દી માટે સપનાં જુએ તેની માટે પરીક્ષાને પાસ કરવાનો તો સંઘર્ષ છે, જેમાં તેને અનેક મોરચે લડવાનું છે, પણ હવે તેની સામે વ્યવસ્થાના પડકાર છે. તે સતત ભયમાં છે કે તે જે પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે તેનું પેપર ફૂટી તો નહીં જાય ને? તેને એવી ભીતિ છે કે પરીક્ષામાં પાસ થાય છતાં તે મેરિટમાં આવશે કે નહીં? ઘણાં કિસ્સામાં ઇન્ટરવ્યૂમાં પણ ઉમેદવારોને એવું લાગતું હોય છે કે ઇન્ટરવ્યૂ સારો ગયો હોવા છતાં તેમની પસંદગી થતી નથી. દિલ્હીના રાજેન્દ્રનગરનો કિસ્સો તો સૌથી ચોંકવનારો છે, જ્યાં વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં વાંચતા-વાંચતા મૃત્યુ પામ્યા. ‘રાવ્સ’ નામના આઈએએસ સ્ટડી સેન્ટરના બેઝમેન્ટમાં આવેલી લાઇબ્રેરીમાં આ વિદ્યાર્થીઓ વાંચી રહ્યા હતા. અને અડધા કલાકના વરસાદમાં બેઝમેન્ટમાં પાણી આવ્યું. કેટલાંક વિદ્યાર્થીઓ તેમાંથી બહાર આવી શક્યા. પરંતુ શ્રેયા યાદવ, તાન્યા સોની અને નીવિન દાલવિન બહાર ન આવી શક્યા અને બેઝમેન્ટમાં જ તેઓ મૃત્યુ પામ્યા. દેશના અત્યંત પ્રભાવશાળી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા હતા. કેટલીક વાર આ સંદર્ભે રજૂઆતો પણ થઈ, પરંતુ તે અંગે કોઈ કાર્યવાહી ન થઈ. જ્યાં દેશનો આઈએએસ તૈયાર થાય છે, જ્યાં ભાવિ ડોક્ટરો પરીક્ષા આપે છે, જ્યાં ઉચ્ચત્તમ પદ માટે સ્પર્ધા થઈ રહી છે, ત્યાંથી પેપર ફૂટવાની, ગેરરીતિની ખબરો આવી રહી છે. ભવિષ્ય હવે માત્ર વિદ્યાર્થીઓ માટે જ અંધકારભર્યું હોય એવું લાગતું નથી, પરંતુ દેશમાં પણ અરજાકતાનો માહોલ પ્રસર્યો છે, જ્યાં બહારથી પેકેજિંગ થઈ રહ્યું છે, પણ અંદરખાને મોટાં મોટાં ગાબડાં પડ્યાં છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796