વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ.રાજપીપળા): સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેનો સી.આઈ.એસ.એફના અધિકારી સાથે આદિવાસી સંદર્ભની ટિપ્પણી કરતો કથિત ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. કોંગ્રેસે નિલેશ દુબેનું પૂતળા દહન જ્યારે ભાજપે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તો બીજી બાજુ કેવડિયા બચાવો આંદોલન સમિતિએ કેવડિયા બંધનું એલાન આપ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાની આગેવાનીમાં કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના કાર્યકરોએ રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેના પૂતળાનું દહન કર્યું હતું. હરેશ વસાવાએ જણાવ્યું હતું કે નિલેશ દુબેએ આખા આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કામ કરતા આદિવાસી સમાજના કર્મચારીઓને પણ હેરાન કરે છે. સરકાર નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધે અને નિલેશ દુબે આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગે, સરકાર દુબેને જેલમાં ધકેલો એવી અમારી માંગ છે. જો સરકાર નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો અમે સમજીશું કે નિલેશ દુબે આદિવાસી વિરુદ્ધ સરકારની જ ભાષા બોલે છે. જો કડક કાર્યવાહી નહીં થાય તો આખા ગુજરાતમાં અમે જલદ આંદોલન કરીશું.

તો બીજી બાજુ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ તડવી, ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ તડવી, કિસાન મોરચાના મંત્રી પરેશ તડવી સહિતના ભાજપ આગેવાનોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આદિવાસી વિરોધી નિલેશ દુબેના ઓડિયોથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી જો ફરજ પરથી બરતરફ કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે.








