પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ):ગુજરાત પોલીસના ગ્રેડ પે મામલે આંદોલન ચલાવી રહેલી કોન્સ્ટેબલ નિલમ મકવાણાએ આમણાંત ઉપવાસ શરૂ કર્યાનો આજે નવમો દિવસ હતો. નિલમ મકવાણા સાથે સરકાર તરફથી સંવાદ કરવો જોઈએ તે અંગે Navajivan.in (નવજીવન ન્યૂઝ) દ્વારા મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો હતો. જેના પગલે ગુરુવારના રોજ અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી નિલમ મકવાણા સાથે અંદાજીત અઢી કલાક ચર્ચા કરી હતી. ગ્રેડ પેના મુદ્દા સહિત પોલીસને પડી રહેલી તકલીફના મુદ્દે તેઓ ગૃહ વિભાગ સાથે ચર્ચા કરશે તેવો સકારાત્મક ઉત્તર મળતા નિલમ મકવાણાએ પોતાના ઉપવાસનો અંત આણ્યો છે.

ગ્રેડ પેની માગણી કરનાર નિલમ મકવાણાની નવરંગપુરા પોલીસમાંથી અમદાવાદની કે કંપનીમાં બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ મહેસાણા ખાતે જિલ્લા બદલી આપવામાં આવી હતી. અલગ અલગ ખાતાકીય તપાસ અને ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના પગલે નિલમ મકવાણાને ફરજ મોકુફી ઉપર ઉતારી દેવામાં આવી હતી. ગાંધીનગરમાં દેખાવો કરવાના મુદ્દે નિલમની આઈપીસી 107 હેઠળ અટકાયત કરવામાં આવી હતી. જામીન લાયક ગુનો હોવા છત્તાં નિલમને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવી હતી.
જેલમાં પહોંચેલી નિલમ મકવાણાએ આમરણાંત ઉપવાસનો પ્રારંભ કરતાં તેને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણે પોતાના ઉપવાસ યથાવત રાખ્યા હતા. નવજીવન ન્યૂઝ દ્વારા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ખુલ્લો પત્ર લખી વિનંતિ કરવામાં આવી હતી કે, ગુજરાત પોલીસની માગણીના મુદ્દે તેમની અભિવ્યક્તિનો દોષ હોઈ શકે પણ તેમની સાથે આટલા આકરા થવું યોગ્ય નથી. આ સમગ્ર મામલે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ મોટું મન રાખીને નિલમ મકવાણા પોતાના ઉપવાસનો અંત આંણે તે દિશામાં કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

ગુજરાત ગુપ્તચર વિભાગના વડા અનુપમસિંહ ગહેલોતે અમદાવાદ પોલીસના સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી નિલમ મકવાણાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જેના પગલે જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિલમ મકવાણાને મળવા આવ્યા હતા. તેમણે આશ્વાસન આપ્યું હતું કે સમગ્ર મુદ્દે સરકાર પણ સંવેદનશીલ છે અને કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ કાર્યવાહીમાં થઈ રહેલા વિલંબને સરકારની નકારાત્મક્તા માની લેવાની જરૂર નથી. અંદાજે અઢી કલાકની લાંબી ચર્ચાના અંતે નિલમ પરમારે ગૌતમ પરમારના આશ્વાસન પર ભરોસો મુકી ઉપવાસનો અંત આણ્યો હતો.
સાબરમતી જેલની કસ્ટડીમાં રહેલી નિલમ મકવાણાને તત્કાલ જામીન મળે તે માટે તેમણે ગાંધીનગરના એસીપી મયુર ચાવડાને તેમજ સાબરમતી જેલના સુપ્રીટેન્ડેન્ટ રોહન આનંદને જરૂરી સૂચનાઓ આપી હતી. ગુરુવારની સાંજે છ વાગ્યે શાહીબાગના પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા પોલીસ જાપ્તા સાથે નિલમને સિવિલથી લઈ જેલ ઉપર પહોંચ્યા હતા જ્યાંથી નિલમને ગાંધીનગર મામલતદાર સામે રજુ કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિલમ મકવાણાએ કહ્યું હતું કે, એક વખત અમારો વિશ્વાસ ભંગ થયો છે, અમે ભરોસો રાખીએ છીએ કે સરકાર અમારી સાથે હકારાત્મક રહેશે અને ગ્રેડ પેની માગણીમાં સક્રીય ભૂમિકા ભજવતા પોલીસ જવાનો સામે કિન્નાખોરી રાખવામાં નહીં આવે.

![]() |
![]() |
![]() |











