Thursday, June 4, 2026
HomeGeneralવર્તમાન સોયાબીન મોસમનો આંતરપ્રવાહ હજુ પણ મજબૂત

વર્તમાન સોયાબીન મોસમનો આંતરપ્રવાહ હજુ પણ મજબૂત

- Advertisement -

એક ખાનગી અમેરિકન ટ્રેડરે પાકિસ્તાનને ૧૨૯ લાખ બુશેલ સોયાબીન વેચ્યાનું કબૂલ્યું
આર્જેન્ટિનામાં સોયાપાકની ૯૪ ટકા લણણી પૂર્ણ ઉત્પાદન અનુમાન ૪૩૩ લાખ ટન
બ્રાઝિલ અને અમેરિકા આ વર્ષે અનુક્રમે ૧૪૯૦ લાખ ટન અને ૧૨૬૨.૮ લાખ ટન ઉત્પાદન કરશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ખેલાડીઓએ ગત સાપ્તાહાંતે ભરપુર નફાબુકિંગ અભિયાન શરૂ કરતાં, સોયાબીનની આગેવાનીમાં શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ (સીબીઓટી)ના તમામ કૃષિ વાયદા ફલક પર લાલબત્તી ઝળકી હતી. પાકિસ્તાને સોયાબીન આયાતનો જબ્બર સોદો કર્યાના અહેવાલે સોયાબીન જુલાઇ વાયદો ગુરુવારે ૩૯ સેંટ ઉછળ્યો હતો. પણ શુક્રવારે તમામ સુધારો ધોવાઈ ૩૧ સેન્ટના ઘટાડે ૧૬.૯૮ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૬ કિલો) બંધ થયો હતો. પાકતો હાજર કે રોકડો વાયદો ૨૯ સેંટ ઘટી ૧૬.૬૩ ડોલર, નવા પાકના હાજર ભાવ ૧૫ સેંટ ઘટી ૧૪.૭૩ ડોલર અને ઓગસ્ટ દૂર ડિલિવરી ૨૫ સેન્ટના ઘટાડે ઉંધા બદલે ૧૬.૩૩ ડોલર મુકાયા હતા.


- Advertisement -

તમામ ખાધ્યતેલમાં આવેલી તેજીની હૂંફે સોયાબીન ખેડૂતો પણ હજુ તેજીધ્યાને સોદા કરી રહ્યા છે. મે ૨૦૨૦માં સોયાબીન વાયદો ૮.૦૮ ડોલરના તળિયે બેઠો હતો, તે ૨૨ મે ૨૦૨૨ના રોજ ૧૦ વર્ષની ઊંચાઈએ ૧૭.૬૫ ડોલર ક્વોટ થયો હતો. અલબત્ત, અમેરિકન સોયાપાક તેના ઉનાળુ મહિનામાં દાખલ થયો હોવાથી ૨૦૨૨ની વર્તમાન મોસમનો આંતરપ્રવાહ હજુ પણ મજબૂત માનવામાં આવે છે. સોયાઓઇલ વાયદા હજુ પણ તેજીમાં છે, તેણે તાજેતરમાં જ ઓલ ટાઈમ નવી હાઈની રચના કરી છે. ખાધ્યતેલની માંગ વધી છે, તે સાથે જ બાયો ફ્યુઅલ માટે પણ સોયાઓઇલ વપરાવા લાગ્યું છે, યુક્રેન યુધ્ધે પણ પણ સોયા કોપલેક્ષની તેજીમાં તેલ પુર્યું છે.

ગુરુવારે સોયા કોમ્પ્લેક્સમાં એવા સમાચાર આવ્યા કે પાકિસ્તાને અમેરિકન સોયાબીન આયાતનો મોટો સોદો કર્યો છે. આને લીધે નિકાસનો આશાવાદ વધતાં સોયાબીન વાયદામાં બે ટકાનો ઉછાળો આવ્યો હતો. એક ખાનગી નિકાસકારે પાકિસ્તાનને ૧૨૯ લાખ બુશેલ સોયાબીન વેચ્યાનું કબૂલ્યું હતું. કૂલ સોદામાંથી ૧૬ ટકા માલ ૧ સપ્ટેમ્બર ૨૦૨૧થી શરૂ થયેલા વર્તમાન સોયાબીન વર્ષમાં ડિલીવર કરવાનો રહેશે, બાકીની ૨૦૨૨-૨૩માં કરાશે.

અમેરિકન કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે ગત સપ્તાહની તુલનાએ સોયાબીન વાવણી ૫૦ ટકા વધીને મોસમની ૬૬ ટકા વાવણી થઈ ગઈ છે. ટોટલ ફાર્મ માર્કેટિંગે કહ્યું હતું કે વાધારે પડતી નિકાસને કારણે ૨૦૨૧-૨૨નો અમેરિકન વર્ષાન્ત સ્ટોક ૨૦૦૦ લાખ બુશેલ રહેશે જે યુએસડીએના અંદાજ ૨૩૫૦ લાખ બુશેલ કરતાં ઓછો હશે. આર્જેન્ટિનામાં સોયાપાકની ૯૪ ટકા લણણી પૂર્ણ થઈ છે. બુઓનીસ એરિસ ગ્રેન એક્સચેન્જે સોયાબીન ઊપજ ઉતારા (યીલ્ડ) અંદાજ ૩.૧ ટકા વધારીને કૂલ ઉત્પાદન અનુમાન ૪૩૩ લાખ ટન મૂક્યું છે.


- Advertisement -

ચીનના નેશનલ ગ્રેન ટ્રેડ સેન્ટરે કહ્યું કે અમે ૧૦ જૂને અમારી સોયાબીન અનામતમાંથી ૧૮૪ લાખ બુશેલની હરાજી કરીશું. સેન્ટરનું કહેવું છે કે સ્થાનિક બજારમાં પુરવઠો વધારવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે અને ૨૦૨૨માં આવું વારંવાર કરવામાં આવશે. ચીન વિશ્વનો સૌથી મોટો સોયાબીન આયાતકાર દેશ છે, તે અમેરિકાનો ૨૫ ટકા સોયાબીન પાક ખરીદે છે. ગતવર્ષે બ્રાઝિલે સૌથી મોટા નિકાસકાર તરીકેની પ્રતિષ્ઠા અમેરિકા પાસેથી આંચકી લીધી હતી. દરમિયાન બ્રાઝિલ અને અમેરિકા વિશ્વને ૭૦ ટકા સોયાબીન પૂરા પાડે છે.

ગતવર્ષે બ્રાઝિલ અને અમેરિકા વચ્ચે સૌથી મોટા સોયાબીન ઉત્પાદક દેશ તરીકે અદલાબદલી થઈ ગઈ હતી. ૨૦૨૨-૨૩માં અનુક્રમે બંને દેશ ૧૪૯૦ લાખ ટન અને ૧૨૬.૨૮ લાખ ટનનું ઉત્પાદન કરશે. વિશ્વના સૌથી વધુ વસતિ ધરાવતા દેશ ચીનએ ૨૦૨૧-૨૨માં ૯૭૦ લાખ ટન સોયાબીન આયાત કર્યા હતા. બીજા નંબરના આયાતકાર યુરોપિયન યુનિયન કરતાં તેની આયાત ૬.૫ ગણી વધુ હતી.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular