નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ફરી એકવાર સ્ટેટ મનોટરિંગ સેલની ટીમે વિદેશી દારૂનો મોટાપાયે વેપલો કરનારા કુખ્યાત બુટલેગરના ત્યાં દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ બુટલેગરો બેખોફ બની દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર ગાંધીનગરથી સ્ટેટ મનોટરિંગ સેલે બુટલેગરોને પકડવા મોટી કાર્યવાહી હાથધરી છે. બુટલેગરે ઘરના બેડરૂમમાં ચોરખાનું બનાવી જંગી વિદેશી જથ્થો સંતાડ્યો હતો. પહેલા સ્ટેટ મનોટરિંગે સેલે આજુબાજુ તપાસ કરતા કંઈ મળી આવ્યું ન હતું. પરંતુ બાતમી ચોક્કસ હોવાથી SMCએ પલંગ નીચે તપાસ કરતા ચોરખાનું મળી આવ્યું હતું. તેની અંદર વિદેશી દારૂની 100થી વધુ પેટીઓ મળી આવી હતી. SMC વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી ગોમતીપુર પોલીસને સોંપ્યો છે અને ફરાર બુટલેગર સામે પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સ્ટેટ મનોટરિંગ સેલને બાતમી મળી હતી કે, ગોમતીપુરના ભોગીલાલની ચાલીમાં રહેતો કુખ્યાત બુટલગેર હુસેન પોતાની પાસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે અને તેના ઘરમાં જ વિદેશીદારૂ સંતાડ્યો છે. જે બાતમીના અધારે ગઈકાલે રાત્રિએ 10 વાગ્યાના અરસામાં બાતમીવાળી જગ્યા પર દરોડો પાડ્યો હતો. તે દરમિયાન કોઈ દારૂનો જથ્થો દેખાયો ન હતો, પરંતુ બાતમી ચોક્કસ હોવાથી બેડરૂમના પલંગ નીચે તપાસ કરતા ભોંયરુ જોવા મળ્યુ હતું. ભોંયરામાં મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMCએ ભોંયરામાંથી 100થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પાડી હતી. જેની બજાર કિંમત 4,75 લાખની આસપાસ માનવામાં આવી રહી છે. રેડની જાણ બુટલેગરને થતા હાલ તે ફરાર છે. SMC વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી ગોમતીપુર પોલીસને સોંપ્યો છે. તેમજ બુટલેગર સામે ફરિયાદ નોંધવી છે.
સ્થાનિક પોલીસના નાક નીચેથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવતા પોલસની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી છે. શું સ્થાનિક પોલીસ ખરેખર બુટલેગરની ગતિવિધથી અજાણ હતી કે સ્થાનિક પોલીસના આશીર્વાદથી બેરોકટોક દારૂનો વેપાર ચાલી રહ્યો હતો. હાલ ગોમતીપુર પોલીસ સ્ટેશનના અધિકારી સામે આ દારૂનો જથ્થો પકડાવાની ઘટના બાદ મોટી કાર્યવાહી થયા તો નવાઈ નહી.
આ અગાઉ પણ સ્ટેટ મનોટરિંગ સેલે રખિયાલ વિસ્તારમાં દોરોડા પાડી કુખ્યાત બુટલેગરના ત્યાંથી જંગી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. જેમાં બુટલેગરની મોડેસ ઓપરેન્ડી પણ SMCને ગોથે ચડાવે તે પ્રકારની હતી, પરંતુ ઉંડાણપૂર્વક તપાસ કરતા બુટલેગરના રૂમની અંદર બનાવેલા ભોયરામાંથી 400 પેટી જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.








