Wednesday, November 25, 2026
HomeGujarat‘અંગ્રેજોએ 200 વર્ષમાં જેટલું લૂંટ્યું, તેનાથી વધુ ભાજપે 12 વર્ષમાં લૂંટ્યું’: ભરતસિંહ...

‘અંગ્રેજોએ 200 વર્ષમાં જેટલું લૂંટ્યું, તેનાથી વધુ ભાજપે 12 વર્ષમાં લૂંટ્યું’: ભરતસિંહ સોલંકી

- Advertisement -

Ahmedabad Gujarat Congress on Vote chor Gaddi Chhod: અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર ગદ્દી છોડ’ના નારા સાથે ‘સંવિધાન રક્ષા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ પહેલાં રાજીવ ગાંધી ભવન ખાતે જાહેરસભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે અંગ્રેજોએ 200 વર્ષમાં દેશને જેટલો લૂંટ્યો હતો, તેના કરતાં વધુ ભાજપે માત્ર 12 વર્ષમાં દેશને લૂંટ્યો છે.

જાહેરસભા બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરીને સંવિધાનના રક્ષણના શપથ લીધા હતા. ત્યારબાદ રાજીવ ગાંધી ભવનથી પાલડી ચાર રસ્તા સુધી સંવિધાન રક્ષા માર્ચ યોજવામાં આવી હતી. તેમાં પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ જોડાયા હતા. માર્ચ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા અને તેમની ધરપકડ કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. માર્ચના અંતે પાલડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

- Advertisement -

સંવિધાન અને સંસ્થાઓ પર હુમલો થઈ રહ્યો છે: રણદીપસિંહ સૂરજેવાલા

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે સત્તામાં બેઠેલા શાસકોએ દેશના સંવિધાન પર હુમલો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોને ન્યાય મળી રહ્યો નથી, આદિવાસીઓને તેમના અધિકારો મળતા નથી, દલિતોને સમાનતા અને મહિલાઓને બરાબરીનો હક મળી રહ્યો નથી. યુવાનો પાસે રોજગાર નથી અને મજૂરોને કામ મળી રહ્યું નથી. વેપારીઓ અને દુકાનદારો ભય તથા ભ્રષ્ટાચાર વિના જીવી શકતા નથી. નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓને ED તથા ઇન્કમટેક્સના ભય વિના ધંધો કરવાનો અધિકાર મળતો નથી.

સૂરજેવાલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે દિલ્હી અને ગુજરાતની સરકારોમાં બેઠેલા લોકો દેશના સંવિધાન અને સંવૈધાનિક સંસ્થાઓ પર હુમલો કરી રહ્યા છે. બાબાસાહેબ આંબેડકરે રાજકીય સમાનતાની સાથે આર્થિક સમાનતાની પણ વાત કરી હતી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકરે જે ન્યાયની કલ્પના કરી હતી તેના પર પણ હુમલો થઈ રહ્યો છે. તેમણે નાગરિકોને સંવિધાનની સુરક્ષા માટે એકજૂથ થઈને ઊભા રહેવાની અપીલ કરી હતી.

- Advertisement -

‘વોટ બચાવો, દેશ બચાવો’ના નારા સાથે ગામેગામ જઈશું: અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ માર્ચ કોઈ ચૂંટણી કે રાજકીય કાર્યક્રમ માટે નહીં, પરંતુ લોકોના મતાધિકારને બચાવવા માટે યોજવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે આઝાદી બાદ જ્યારે પણ કોઈના બંધારણીય અધિકારોની વાત આવી હોય અથવા લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ થયો હોય ત્યારે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે.

ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે લોકશાહી ખતમ કરીને સત્તા મુઠ્ઠીભર લોકોના હાથમાં સોંપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ગુજરાતમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર લખનાર અથવા ઇન્ટરવ્યૂ આપનાર લોકો સામે પોલીસ કાર્યવાહી થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ‘વોટ બચાવો, દેશ બચાવો’ના નારા સાથે ગામેગામ જશે અને વોટ રક્ષકોની નિમણૂક કરીને કોઈ વ્યક્તિનો બંધારણીય અધિકાર ન છીનવાય તે માટે જમીન પર કામ કરશે.

- Advertisement -

બંધારણ બચાવવા માટેની માર્ચ: તુષાર ચૌધરી

વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે આ માર્ચ કોઈ સરકાર બનાવવા કે કોઈને ધારાસભ્ય બનાવવા માટે નથી, પરંતુ બંધારણ બચાવવા માટે છે. તેમણે કહ્યું હતું કે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંવિધાન રક્ષા માર્ચ યોજવામાં આવી રહી છે.

ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર લગાવ્યા આક્ષેપો

પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે તલાટી અને મામલતદાર કચેરીથી લઈને સરકારના વિવિધ વિભાગો, GST, CBI, ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર જેવી સંસ્થાઓ પર કબજો કરીને દેશનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે બંધારણ મુજબ દેશ ચલાવવાને બદલે મનમાની અને સરમુખત્યારશાહીથી દેશ ચલાવવામાં આવી રહ્યો છે અને તેનો ઉપયોગ વ્યક્તિગત તથા મળતિયાઓના હિત માટે થઈ રહ્યો છે.

સોલંકીએ અંગ્રેજોના શાસનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નેહરુ સહિતના નેતાઓએ સત્યાગ્રહ કરીને દેશને આઝાદી અપાવી હતી. તેમના મતે અંગ્રેજો દેશના લોકોને ગુલામ બનાવી તેમનું શોષણ કરતા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે અંગ્રેજોએ 200 વર્ષમાં દેશને જેટલો લૂંટ્યો હતો, તેના કરતાં વધુ ભાજપે માત્ર 12 વર્ષમાં દેશને લૂંટ્યો છે.

માર્ચ દરમિયાન ‘વોટ ચોર કહાં મિલેગા, ભાજપ કે દફ્તર મેં’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો AMTS બસમાં બેસીને પણ રાજીવ ગાંધી ભવન ખાતે જાહેરસભા અને માર્ચમાં જોડાવા પહોંચ્યા હતા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular