નવજીવન ન્યૂઝ.સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં નજીકના મિત્રોએ જ પોતાના જૂના મિત્રની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મારુતિનગર પાસે આવેલી ‘હિંદ ટી સેન્ટર’ નામની ચાની દુકાને સાંજના સમયે બનેલી આ લોહિયાળ ઘટનામાં લિંબાયત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, 26 વર્ષીય આસિફખાન ઇશરતખાન પઠાણ લિંબાયતના ગોવિંદનગર વિસ્તારમાં રહેતો હતો. 13 મે 2026ના રોજ સાંજે અંદાજે 5 વાગ્યાના અરસામાં તે મારુતિનગર પાસે આવેલી હિંદ ટી સેન્ટર ચાની દુકાને બેઠો હતો અને ચા પી રહ્યો હતો. તે દરમિયાન અગાઉથી ઘાત લગાવીને બેઠેલા ત્રણ હુમલાખોરો તીક્ષ્ણ અને જીવલેણ હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા.
કંઈ સમજાય તે પહેલાં જ ત્રણેય આરોપીઓએ આસિફખાન પર એકસાથે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ તેના બંને હાથ, બંને પગ, કપાળ, પીઠ અને ખાસ કરીને ગળાના ભાગે ઉપરાઉપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા આસિફખાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાનું મુખ્ય કારણ નાણાકીય વ્યવહારો અને જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. મૃતક આસિફખાન અને ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના વતની હતા અને સુરતમાં સાથે રહીને વેલ્ડિંગનું કામ કરતા હોવાથી તેમની વચ્ચે મિત્રતા હતી.
માહિતી મુજબ, અગાઉ પૈસાની લેતી-દેતી મુદ્દે તેમની વચ્ચે ગંભીર વિવાદ અને મારામારી થઈ હતી. આ જ વિવાદને કારણે વર્ષ 2025માં આસિફખાન વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ નોંધાયો હતો. આ જૂના વિવાદ અને પોલીસ કેસની રીસ મનમાં રાખીને ત્રણેય આરોપીઓ બદલો લેવાની તકની રાહ જોઈ રહ્યા હતા.
આ કેસમાં પોલીસે કલીમુદ્દીન શાહબુદ્દીન સિદ્દીકી (ઉંમર 28), મોહમ્મદ દિલશાદ ઉર્ફે લાલા રઇશ અહેમદ સલમાની (ઉંમર 22) અને મોહમ્મદ શહજાદ નસીમુદ્દીન સિદ્દીકી (ઉંમર 36)ની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ સુરતમાં વેલ્ડિંગ કામ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ હત્યાકાંડ બાદ મૃતકના સગા દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસ હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધુ દિવસના રિમાન્ડની માંગણી કરશે. પોલીસ તપાસમાં હવે હત્યામાં વપરાયેલા હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા, હત્યાનું ષડયંત્ર કેવી રીતે રચાયું અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.








