PI A A Desai sentenced to life imprisonment in Sweety Patel murder case : જૂન-2021માં સામે આવેલા સ્વીટી પટેલ હત્યા કેસમાં વડોદરાની કરજણ કોર્ટે (Karjan Court Vadodara) તત્કાલીન પીઆઈ અજય દેસાઈને આજીવન કેદની સજા ફરમાવી છે. સ્વીટીની હત્યા બાદ તેની લાશને ઠેકાણે પાડવામાં મદદ કરનારા રાજકારણી કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સજા ફટકારી છે.
શું હતો સ્વીટી પટેલ હત્યા કેસ ?
અજય એ. દેસાઈ જ્યારે અમદાવાદ જિલ્લામાં PSI તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમનો સંપર્ક ડિવોર્સી સ્વીટી પટેલ સાથે થયો હતો. અજય દેસાઈ અને સ્વીટી વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા વાત આગળ વધી ગઈ હતી. વિવાહિત અજય દેસાઈ સાથે લગ્નના મુદ્દે 4 જૂન 2021ની રાતે સ્વીટી પટેલને મોટો ઝઘડો થાય છે અને વડોદરા ગ્રામ્ય એસઓજીના તત્કાલીન પીઆઈ એ.એ. દેસાઈ પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાંખે છે. બીજા દિવસે સવારે પીઆઈ દેસાઈ કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા કિરીટસિંહ જાડેજાની મદદથી લાશને સળગાવી દે છે. ત્યારબાદ ગુમ થયેલી સ્વીટીની શોધખોળ શરૂ થાય છે. જાણવા જોગનો મામૂલી લાગતો પરંતુ પેચીદા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના તત્કાલીન એસીપી ડી.પી. ચુડાસમા (ACP D P Chudasama) ને સોંપવામાં આવે છે. પોલીસ પૂછપરછમાં પીઆઈ અજય દેસાઈ પડી ભાંગે છે અને હત્યા કેસ અને પુરાવાના નાશના તમામ રાઝ ખોલી નાંખે છે.
પીઆઈને આજીવન કેદ અને નેતાને 5 વર્ષની સજા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) હત્યા કેસની તપાસમાં ડીએનએ સેમ્પલ મળવા સહેલા ન હોવાથી ટેકનિકલ પુરાવાઓ વધુ માત્રામાં હસ્તગત કર્યા હતા. લાશનો નિકાલ કરવા માટે પીઆઈ દેસાઈ તેમના મિત્ર કિરીટસિંહ જાડેજાને લોકેશન મોકલીને બોલાવે છે. આ ઉપરાંત સ્વીટી પટેલના મૃતદેહને સળગાવવા લાકડા, ઘી તેમજ કેમિકલ ક્યાંથી લાવ્યા હતા તેના પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદન આધારે વડોદરાની કરજણ કોર્ટે અજય એ. દેસાઈને આજીવન કેદ અને કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સજા ફટકારી છે.








