નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીના મૃત્યુના મામલે ચકચાર મચી ગઈ છે. ગત 26 એપ્રિલના રોજ તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા બાદ લાંબી સારવાર હેઠળ હતા, પરંતુ 15 મેના રોજ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને હવે વિવિધ સવાલો ઊભા થયા છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસની માંગ ઉઠી છે.
મળતી વિગતો અનુસાર, પ્રિયદર્શન સ્વામી (ઉંમર 48, રહે. કલાકુંજ મંદિર, કાપોદ્રા) 26 એપ્રિલની રાત્રે આશરે સાડા નવ વાગ્યે મંદિરમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે તેમણે કોઈ ઝેરી અથવા કેમિકલયુક્ત પદાર્થ લીધાની આશંકા સામે આવી હતી. ત્યારબાદ તેમના સગા અને સેવકો દ્વારા તાત્કાલિક સારવાર માટે તેમને વરાછાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
વધુ સારવાર માટે 30 એપ્રિલના રોજ તેમને અડાજણ સ્થિત BAPS હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આશરે 20 દિવસની સારવાર બાદ 15 મેના રોજ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 20 દિવસનો લાંબો સમય તેમણે હોસ્પિટલના બિછાને કાઢ્યો છતા તેમના મૃત્યુ પાછળ કે તેમણે કયા કારણે અંતિમ પગલું ભર્યું તેના કારણ મામલે રહસ્ય ઘુંટાયું છે. જેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. શું વધુ એક સ્વામી કોઈ બીજાની કરતૂતોની બલી ચઢ્યો? કે શું વધુ એક સ્વામીએ પ્રભુ માર્ગ પર શાંતિને બદલે અશાંતિ મેળવી? પોતે જ નિરાશ હતા કે નિરાશાનું કારણ કોઈ બીજું હતું? તેને લઈને સતત શંકાઓ ઉપજી રહી છે.
હરિભક્તોના કેટલાક વીડિયો નિવેદનોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સ્વામીજીએ ઊંઘની ગોળીઓ લીધી હોવાની ચર્ચા છે. જોકે, આ ગોળીઓ તેઓ ક્યાંથી લાવ્યા અને કયા કારણોસર લીધી તે હજુ તપાસનો વિષય છે.
આ ઘટનાને લઈને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ લસકાણા પોલીસ સ્ટેશનના PIને લેખિત રજૂઆત કરીને મામલો શંકાસ્પદ હોવાનો આક્ષેપ કર્યો છે. સમિતિના પ્રતિનિધિ ઘનશ્યામ નરસિંહભાઈ પટેલે રજૂઆતમાં ઘટનાની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે.
સમિતિએ માગ કરી છે કે ઘટનાસ્થળની સંપૂર્ણ ફોરેન્સિક તપાસ કરવામાં આવે, સ્વામીજીના મોબાઈલ કોલ ડિટેઈલ્સ અને મેસેજની તપાસ થાય, મંદિરના CCTV ફૂટેજ ચકાસવામાં આવે અને મંદિર સાથે જોડાયેલા સંતો તથા સેવકોના નિવેદનો લેવામાં આવે.
સાથે જ જો કોઈ વ્યક્તિ દ્વારા માનસિક ત્રાસ, ધમકી, દબાણ અથવા બ્લેકમેઈલ કરવામાં આવી હોય તો તેના સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે.
BAPS હોસ્પિટલ તરફથી મળેલી માહિતીના આધારે લસકાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.ડી. સોલંકીને સોંપવામાં આવી છે.
પોલીસ દ્વારા સાધુના પાર્થિવ દેહનું પેનલ પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે. લસકાણા પોલીસ સ્ટેશનના PI મીનાબા ઝાલાના જણાવ્યા મુજબ, પ્રાથમિક તારણમાં આપઘાતની દિશામાં તપાસ ચાલી રહી છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ સામે આવશે.
આ ઘટનાએ હરિભક્તોમાં ભારે અરેરાટી ફેલાવી છે અને હવે સૌની નજર પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર ટકેલી છે.








