Shocking incident of murder and suicide in Surat : સુરત શહેરમાં બનેલી હત્યા અને આત્મહત્યાની હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાટીદાર યુવક જતીન સોનાણીને શેરબજારમાં લાખો રૂપિયાનું દેવું થઈ જતા પોતાની માતાની હત્યા કર્યા બાદ ખુદ ગળાફાંસો ખાઈ લીધો છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે અશ્વિનીકુમાર પોલીસે (Ashwinikumar Police Station) હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 36 વર્ષીય જતીન સોનાણી અને તેના માતા ભાનુબહેન (ઉ.63) સાથે વરાછા એલ.એચ. રોડ સ્થિત રૂપમ સોસાયટી વિભાગ-1માં ભાડાના મકાનમાં રહેતા હતા. જતીન સોનાણી મૂળ ત્રિભુવનભાઈનો પુત્ર હતો. તે 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ (મૂળ. મહેસાણકા, તા. ગારીયાધાર, ભાવનગર) અને તેમના પત્ની ભાનુબહેને દત્તક લીધો હતો. વર્ષ 2014માં જગદીશભાઈનું અવસાન થયું હતું. અગાઉ સ્ટેશનરી શોપમાં નોકરી કરતા જતીન સોનાણીએ ત્રણેક મહિના અગાઉ નોકરી છોડી દઈ સુરતના મીની બજાર ખાતે શેરબજારની ઓફિસ શરૂ કરી હતી.
જતીન સોનાણીને સફળતાના બદલે નિષ્ફળતા હાથ લાગતા લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. જેથી તેણે ગુરૂવારે રાતે સૂઈ રહેલી માતા ભાનુબહેનને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ જતીને ખુદ ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસને ઘટનાસ્થળેથી મળી આવેલી એક સ્યૂસાઈડ નોટમાં હત્યા અને આપઘાત તેમજ શેરબજારમાં થયેલા દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.








