Fire was set in Surat textile market : સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ (Shyam Sangini Textile Market Fire) ની ઘટના અકસ્માત નહીં પરંતુ એક કાવતરૂં હોવાનું સામે આવ્યું છે. ટેક્સટાઈલ માર્કેટમાં દુકાનની બહાર પડી રહેલાં કાપડના પાર્સલ પર પેટ્રોલ છાંટીને આગ લગાવવામાં આવી હતી. જે આગ 14 દુકાનમાં ફરી વળતા વિકરાળ આગમાં કરોડો રૂપિયાનું કાપડ સ્વાહા થઈ ગયું હતું. આ કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરતા એક બુકાનીધારી શખસનું કૃત્ય સામે આવ્યું હતું. છેલ્લાં કેટલાંક દિવસોથી ફરાર થઈ ગયેલા વિનોદ પંડીત સાવલેને સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) ઝડપી પાડ્યો છે.
શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગની ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન મોંઢે બુકાની બાંધીને આવેલા એક શખસે દુકાનની બહાર પડેલા પાર્સલ પર પેટ્રોલ છાંટી આગ લગાવી નાસી જાય છે. ફરાર થયેલા શખસની ઓળખ મેળવવા માટે ક્રાઈમ બ્રાંચ 1500 જેટલાં સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની ઓળખ મેળવી લે છે. સોશિયલ મીડિયા પર આગની ઘટના વાયરલ થઈ અને FIR નોંધાઈ હોવાની જાણ થતાં વિનોદ સાવલે પત્ની અને બાળક સાથે ઘર છોડી રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ભાગી ગયો હતો.
સુરત પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વિનોદ પંડિતે દુકાન માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જવરના ત્યાં એકાઉન્ટન્ટ તરીકે માત્ર ત્રણ મહિના જ નોકરી કરી હતી અને કામ ન ફાવતા જૂનના પહેલાં અઠવાડિયામાં નોકરી છોડી દીધી હતી. હાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેને તેનો પૂરો પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો, પરંતુ 10 હજારના તફાવતની ગેરસમજમાં તેણે આ પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન પાર પાડવા માટે વિનોદે દેવધ ગામના પેટ્રોલ પંપથી 150 રૂપિયાનું પેટ્રોલ પ્લાસ્ટિકની થેલી અને બોટલમાં ભરાવી 8મી સપ્ટેમ્બરની રાત્રે માર્કેટમાં ઘૂસી ગયો હતો અને પાંચમા માળે પગથિયાં પર સંતાઈને બેસી રહ્યો હતો. મધરાત્રીના માર્કેટ સુમસાન થઈ ગયા બાદ ઘટનાને અંજામ આપ્યો હતો.








