Wednesday, September 23, 2026
HomeGujaratમંત્રી કિરણ ત્રિવેદીની હત્યાનો કેસ CBI ને સોંપવા CM રાજી પણ ગૃહમંત્રીને...

મંત્રી કિરણ ત્રિવેદીની હત્યાનો કેસ CBI ને સોંપવા CM રાજી પણ ગૃહમંત્રીને કેમ વાંધો હતો? | શતરંજ-36

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-36, નવજીવન ન્યૂઝ): ઈન્નોવા કારમાંથી ઉતરેલી કાળી દાઢી વાળી વ્યક્તિ સીધી હોટલના કાફેટેરિયામાં આવી. અંદર દાખલ થતાં, તેણે કાફેટેરિયામાં બેઠેલા લોકો તરફ નજર કરી અને તે વ્યક્તિ સીધી, ઇન્દ્રસિંહ પાસે આવી અને કહ્યું : “સલામઆલેકુમ.” ઇન્દ્રસિંહે તેને જોતાં જ કહ્યું, “અરે આઇયે, મૌલવી સાહબ, બૈઠિયે.” થોડાક અંતરે ઊભો રહેલો મૅનેજર આ બધું જોઈ રહ્યો હતો. ઇન્દ્રસિંહે તેની સામે જોતાં તે પાસે આવ્યો અને થોડું નમીને બોલ્યો, “યસ સર…” તેમણે મૌલવી સામે જોતાં કહ્યું : “દૂસરી કૉફીકા ભી બોલ દેના.” પછી બંને વાતોએ વળગ્યા. ઇન્દ્રસિંહને મળવા આવેલા મૌલવી જલાલુદ્દીન હતા. અમદાવાદના જુહાપુરામાં રહેતા હતા અને જમાલપુરની મસ્જિદમાં ધાર્મિક શિક્ષણ આપતા હતા. મૂળ તેઓ હુબલીના વતની હતા, પણ છેલ્લાં વીસ વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા હતા. મદ્રેસામાં પણ તેઓ શિક્ષણ આપતા હતા. ઇસ્લામના સારા જાણકાર હતા, જેના કારણે શહેરમાં ઇસ્લામને લઈ કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે લોકો તેમની સલાહ લેવા આવતા હતા. તેમને અમદાવાદના ઘણા પોલીસ-અધિકારીઓ સાથે સંબંધો હતા, પણ તેમની અને પોલીસ-અધિકારીઓની ઘનિષ્ઠતા કેવી રીતે હતી, તે અંગે ઘણા મુસ્લિમ આગેવાનોને પણ પ્રશ્નો થતા હતા. ઇન્દ્રસિંહ અને મૌલવી જલાલુદ્દીન બંને અમદાવાદ જ રહેતા હોવા છતાં ઇન્દ્રસિંહે તેમને દીવમાં મળવા માટે બોલાવ્યા હતા. મૌલવીને પોતાની કોમ પ્રત્યે સહાનુભૂતિ હોય તે સમજી શકાતું હતું. જ્યારે પણ કોમને લઈ કોઈ પ્રશ્ન હોય ત્યારે તે સીધા સચિવાલયમાં પહોંચી જતા હતા. કરસનજી પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે શહેરના દરિયાપુર–કાલુપુર વિસ્તારોમાં કોમી તોફાનો થયાં હતાં. પોલીસે મોટી સંખ્યામાં મુસ્લિમ યુવકોની ધરપકડ કરી હતી. દરેક વખતે બને છે તેવું લઘુમતી સમુદાયના લોકો માનતા હતા. પોલીસ એક તરફી છે. તેઓ ઇરાદાપૂર્વક લઘુમતીના લોકોની જ ધરપકડ કરે છે.

મૌલવી જલાલુદ્દીન જ્યારે મુખ્યમંત્રી કરસનજી પાસે આ અંગે રજૂઆત કરવા ગયા ત્યારે તેમણે આ આખા મામલાની તપાસ કરવાનું કામ કિરણ ત્રિવેદીને સોંપ્યું હતું. કિરણ ત્રિવેદી અને મૌલવી જલાલુદ્દીન ત્યારે પહેલી વખત મળ્યા હતા. કિરણે મૌલવીની રજૂઆત સાંભળી હતી અને તે અંગે પોલીસ-કમિશનરને જરૂરી સૂચના પણ આપી હતી, એટલું જ નહીં, દરિયાપુર અને કાલુપુરમાં મુસ્લિમોની વસ્તી ઉપર હુમલાઓ ના થાય તે માટે ત્યાં વધારાના પોલીસ પૉઇન્ટ પણ મુકાવ્યા હતા. કિરણ ત્રિવેદી ચુસ્ત હિંદુ હોવા છતાં મંત્રી તરીકે તેમના વ્યવહારમાં ક્યાંય પક્ષપાત આવતો ન હતો. મૌલવીના આ પ્રકારના કામને કારણે તે મુસ્લિમ યુવકોમાં લોકપ્રિય હતા.

- Advertisement -

જલાલુદ્દીનને દીવ આવવાની સૂચના મળતાં તેમને પણ અંદેશો આવ્યો હતો કે, મામલો ગંભીર હોવો જોઈએ, એટલે મૌલવીને ઉતાવળ હતી કે અહીંયાં બોલાવવાનું કારણ શું હશે. કૉફી પીધા પછી ઇન્દ્રસિંહે જ કહ્યું, “ચલો ગાર્ડન મેં બાત કરતે હૈં.” કાફેટેરિયામાં બીજા લોકો પણ હોવાને કારણે મોકળાશથી વાત થાય તેમ ન હતી, બંને ગાર્ડન તરફ ચાલવા લાગ્યા. વચ્ચે એક નાનકડો સ્વિમિંગ પુલ હતો, કેટલાક યુવકો પુલની પાળીએ બેસી બીયર પી રહ્યા હતા. જલાલે ઇન્દ્રસિંહ સામે જોયું, ત્યાં જ બંને અટકી ગયા. ઇન્દ્રસિંહે કહ્યું, “મૌલવી સાહબ, કુછ વક્ત કે લિયે આપકો બાહર નિકલ જાના પડેગા.” મૌલવી જલાલુદ્દીન ચોંકી ગયા. તેમણે આશ્ચર્ય સાથે પૂછ્યું, “બાહર? બાહર કા મતલબ?’ “ઇન્દ્રસિંહે કહ્યું : “દેશ કે બાહર.” મૌલવીની રેખાઓ તંગ થઈ, તેમણે વિચારીને પૂછ્યું : “સા’બ, મામલા ક્યા હૈ? સાફ સાફ બતાઇયે! આપને પહેલે તો મુઝે ઐસી બાત નહીં કી થી?” ઇન્દ્રસિંહે મૌલવીના ખભે હાથ મૂકતાં કહ્યું, “દેખિયે, મામલા સંગીન હોતા જા રહા હે. કુછ એનજીઓ વાલે ઔર ઑપોઝિશન વાલે કિરણ કે કેસ મેં સીબીઆઇ ઇન્ક્વાયરી માંગ રહે હૈં. સીબીઆઈ આયેંગી તો મામલા હમારે હાથ સે ચલા જાયેગા. મુખ્યમંત્રી સા’બ ભી માનતે હૈં કિ, સીબીઆઈ કો કેસ દે દેના ચાહિયે, લેકિન હોમ મિનિસ્ટરને કેસ કો રોક રખા હૈ.”

મૌલવીએ પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું, “લેકિન સા’બ, મૈં ફૅમિલીવાલા હૂં… કહાં જાઉંગા?” પછી તરત પાછો તેણે સવાલ પૂછ્યો, “સા’બ, કેસ તો ક્રાઇમ-બ્રાન્ચ કે પાસ હૈ, ક્યા ઉનકો કુછ પતા ચલા હૈ?” ઇન્દ્રસિંહે અત્યંત સહજતાથી કહ્યું, “દેખિયે, વછરાજાની સા’બ કી તાકત ઔર બુદ્ધિ દોનોં કો જાનતા હૂં, ઉનકે બસ મેં નહીં હૈ કેસ ડિટેક્ટ કરે. હા, ઉનકો એક આઇ વિટનેસ મિલા હૈ’, લેકિન ઉસસે વો કુછ નહીં કર સકતે. ફિર ભી મૈંને તય કર લિયા, કિ કેસ કો ઐસા અંજામ દે દૂં કિ સીબીઆઈ કા બાપ ભી આયે તો ભી કુછ નહીં કર પાયે. ઇસી લિયે આપ કો થોડે વક્ત કે લિયે દેશ કે બાહર જાના પડેંગા.” છેલ્લું વાક્ય સત્તાવાહી હતું, જે વાત મૌલવી પણ સમજી ગયા હતા.

મૌલવીએ સીધા પ્રશ્ન ઉપર આવતાં પૂછ્યું, “દેશ કે બાહર મતલબ કહાં? ઔર કૈસે જાઉંગા? ઔર મેરે પરિવાર કા ક્યા?” ઇન્દ્રસિંહ સમજી ગયા કે હવે મૌલવી તેમની વાત સમજી ગયા છે, એટલે કોઈ બાળકને પ્રેમપૂર્વક સમજાવતા હોય તેમ કહ્યું, “દેખો, આપ કો કલ સુબહ મેરે આદમી યહાં સે કલકત્તા લે જાયેંગે, વહાં સે આપકો બાંગલાદેશ જાના હૈ, ઉસકી ભી વ્યવસ્થા હમને કર દી હૈ, મેરા એક આદમી આપ કે સાથે બાંગલાદેશ તક રહેંગા.” મૌલવીએ તરત પૂછ્યું, “ઈલીગલ જાના હોગા?” ઇન્દ્રસિંહ હસવા લાગ્યા અને કહ્યું : “મૌલવી સાહબ બડે ભોલે હો, આપ કો ક્યા પાસપૉર્ટ પે ટ્રાવેલ કરના હૈ?” પછી આશ્વાસન આપતાં કહ્યું, “આપ ચિંતા ના કરે, બોર્ડર ક્રૉસ કરવાને વાલે સે બાત હો ગઈ હૈ, કોઈ દિક્કત નહીં આયેંગી. પૈસા આપ કો કલ સુબહ મિલ જાયેગા. આપ કે ફૅમિલી કો દે દેના. ઔર કુછ જરૂરત હો તો મેરે નંબર પર બાત કર લેના. મેરે આદમી આ જાયેંગે.” મૌલવી પરાણે તૈયાર થયા હોય તેવો તેમના ચહેરા ઉપર ભાવ હતો. ફરી પાછા બંને ગાર્ડનમાં ચાલવા લાગ્યા. મૌલવીએ સવાલ પૂછ્યો, “સા’બ, આપ વછરાજાની સા’બ કો બોલ કે મામલા ખતમ નહીં કરવા સકતે?” ઇન્દ્રસિંહે કહ્યું, “મૌલવી સાહબ, યે મદ્રેસા કી તાલીમ નહીં, યહાં સબ કુછ આઇપીસી કે આધાર પે ચલતા હૈ, કોઈ ભી ક્રાઇમ કી ફાઈલ કભી બંધ નહીં હોતી, ઔર જો બાત વછરાજાની કો માલૂમ હી નહીં, વો બતા કર હમ ‘આ બેલ મુઝે માર’ જૈસા નહીં કર સકતે. આપ ઇતમીનાન સે બાંગ્લાદેશ નિકલ જાઇયે, ખુદા સબ કુછ સંભાલ લેગા.” મૌલવીના ચહેરા ઉપર પહેલી વખત એવો ભાવ હતો ત્યાં તેણે ઇન્દ્રસિંહની વાત સાંભળી અને વણમાગી મુશ્કેલી નોતરી લીધી. પણ હવે યુ ટર્ન લઈ શકાય તેમ ન હતો અને તે જાણે-અજાણે ઇન્દ્રસિંહના જે કામમાં ભાગીદાર થયા હતા, તે કોઈ કહી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા. સાંજ થવા આવી હતી. ઇન્દ્રસિંહે કહ્યું, “મૌલવી સા’બ અભી આપ નિકલો, કલ સુબહ આપ કો લેને મેરા આદમી આ જાયેંગા. ક્યોંકિ આપકે નિકલ જાને મેં સબ કી ખેરિયત હૈ.” મૌલવી સલામ દુઆ કરી દીવથી અમદાવાદ આવવા માટે રવાના થયા. મૌલવી ગયા પછી ઇન્દ્રસિંહે પોતાના મોબાઇલ ફોન ઉપરથી અમર ઠાકોરને ફોન કર્યો.

- Advertisement -

એક તરફ કિરણ ત્રિવેદી મર્ડર કેસને કારણે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમ હતું, તો બીજી તરફ રાજસ્થાનની જેલમાં રહેલા રામની બેચેની વધી રહી હતી. તેને પોતાની ઉપર ગુસ્સો આવતો હતો. તેની ઊંઘ ઊડી ગઈ હતી. મોડી રાત સુધી તે પોતાની બૅરેકમાં એકલો બેસી રહેતો હતો. ક્યારેક ઊંઘ આવે તો અચાનક ઝબકીને જાગી જતો હતો, તેને થતું હતું કે, તે બૂમો પાડીને નિઝામની હત્યા કેવી રીતે થઈ તેની વાત કરે. પણ તેવું કરી શક્યો નહીં. એક દિવસ તેની બૅરેકમાં એક અખબાર આવ્યું હતું, જેમાં ગુજરાત પોલીસના સમાચાર હતા. તેણે અખબાર ખોલીને જોયું તો ગુજરાત પોલીસના અધિકારીઓના ફોટા હતા. તેમાં ઇન્દ્રસિંહ જાડેજાનો પણ ફોટો હતો. તે ફોટાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેની સાથેના એક કેદીએ જ્યારે તે અંગે તેને પૂછ્યું ત્યારે તેણે ઇન્દ્રસિંહના ફોટા ઉપર હાથ મૂકતાં કહ્યું, “મૈં ઇસ કો જિંદા છોડૂંગા નહીં.” કોઈ કેદી કોઈ પોલીસ-અધિકારીને મારી નાખવાની વાત કરે ત્યારે આશ્ચર્ય થાય તેવું હતું. રામના સાથી કેદીએ જ્યારે પૂછ્યું, “ક્યું મારના હૈ ઇસ પોલીસવાલે કો?” ત્યારે રામે બોલાવ્યા વગર છાપાની ગડી કરી પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. થોડા દિવસોમાં એક કાનથી વાત બીજા કાન સુધી પહોંચી હતી.

રામને જેલમાં મળવા માટે રાજસ્થાન પોલીસના ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત આવ્યા હતા. તે બંને વચ્ચેની મુલાકાત એકલામાં થઈ હતી. કિરણને જોતાં રામનો પિત્તો ગયો હતો. તેને ખબર હતી કે નિઝામ ઉપર કિરણે પણ ગોળી ચલાવી હતી, પણ તે જેલમાં હતો. કંઈ કરી શકે તેમ નહોતો.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular