પ્રશાંત દયાળ (શતરંજ-37, નવજીવન ન્યૂઝ): મૌલવી જલાલુદ્દીન ભારતની સીમા પાર કરી બાંગલાદેશ અને ત્યાંથી પાકિસ્તાન પહોંચી ગયા હતા, જેની મૌલવીના પરિવાર સિવાય કોઈને ખબર ન હતી. ક્રાઇમ-બ્રાન્ચને નજરે જોનાર સાક્ષી મળ્યો તેનાથી આગળ વાત જઈ રહી ન હતી. ઇન્દ્રસિંહની યોજના પ્રમાણે જ બધું થઈ રહ્યું હતું. તેમણે પોતાની ટીમના ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત અને સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલને હુબલી જવાની સૂચના આપી. તેઓ કયા કામ માટે હુબલી જઈ રહ્યા છે, તે તેમને પણ ખબર ન હતી. તેઓએ હુબલી પહોંચીને આગળની સૂચના માટે રાહ જ જોવાની હતી. એક તરફ ક્રાઇમ-બ્રાન્ચ કામ કરી રહી હતી, તો બીજી તરફ ઇન્દ્રસિંહ અને અમર ઠાકોર કઈ ભેદી ચાલ ચાલી રહ્યા હતા, તેની ગંધ સુધ્ધાં કોઈને ન હતી. કિરણ ત્રિવેદીની હત્યાને લઈ મામલો ગરમ થઈ ગયો હતો. રાજ્યપાલને આવેદનપત્ર આપી સીબીઆઈની તપાસની માગણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ગોવિંદરાય મહેતા ખૂબ ડિસ્ટર્બ હતા, કારણ કે તેમની ઉપર પોતાના જ સાથીની હત્યાનો આક્ષેપ થઈ રહ્યો હતો. પણ પોલીસ હજી મૂળ હત્યારા સુધી પહોંચી શકી ન હતી. હત્યાનો ભેદ ઉકેલાતો ન હતો, માટે ગોવિંદરાય મહેતા ઉપરની શંકા વધુ મજબૂત થઈ રહી હતી. જોકે અમર ઠાકોર તેમને રોજ આશ્વાસન આપતા હતા કે, પોલીસ જલદીથી હત્યારા સુધી પહોંચી જશે. ઠાકોર જે કૉન્ફિડન્સથી વાત કરતા હતા, તેનું ગોવિંદરાયને પણ આશ્ચર્ય થતું હતું.
માનવ-અધિકારોના મુદ્દે ચળવળ કરતા રાકેશસિંહે પાલડી હિમાવન ખાતે એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી હતી. તેમની પ્રેસ-કૉન્ફરન્સ સાંજે ચાર વાગે હતી. તેઓએ પણ કિરણ ત્રિવેદી મર્ડર કેસના મુદ્દે ઝંપલાવ્યું હતું. રાજ્યમાં એક વર્તમાન મંત્રીની હત્યા થાય અને પોલીસ જો હત્યારાને પકડી ના શકે તો આવી રાજ્ય સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસનની તેઓ માગણી કરવાના હતા. તે મુદ્દે જ તેમણે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી હતી. કૉન્ફરન્સના સમાચાર મળતાં, ક્રાઇમ-બ્રાન્ચ ડીસીપી વછરાજાની ટેન્શનમાં હતા, કારણ કે ગુનો ડિટેક્ટ કરવાની જવાબદારી આખરે ક્રાઇમ-બ્રાન્ચના વડા તરીકે તેમની હતી. જોકે તેઓ તેમાં નિષ્ફળ જઈ રહ્યા હતા. તેમણે પોતાના બે સબ-ઇન્સ્પેક્ટરોને કૉન્ફરન્સમાં હાજર રહી, નજર રાખવાની સૂચના આપી હતી. તેમને એક વાતનું આશ્ચર્ય હતું કે છેલ્લા ત્રણ દિવસથી મંત્રી અમર ઠાકોરે કેસના પ્રોગ્રેસ અંગે પૂછવાનું બંધ કરી દીધું હતું. તેનો બીજો અર્થ એવો પણ થતો કે, મંત્રી નારાજ છે અને તેમની ખુરશી જોખમમાં છે. તેમને હતું કે કૉન્ફરન્સની જાણ થતાં તેમનો ચોક્કસ ફોન આવશે અને ગુસ્સે પણ થશે. પણ તેવું થયું નહીં. અચાનક બપોરે બે વાગે ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડની ઑફિસ ખાતે પ્રેસ-કૉન્ફરન્સ રાખી હોવાનો સંદેશો પત્રકારોને મળ્યો. જ્યારે કયા મુદ્દે પ્રેસ-કૉન્ફરન્સ છે તેની જાણ પત્રકારોને એટીએસની ઑફિસમાં થઈ, તેની જ જાણકારી વછરાજાની પાસે પણ પહોંચી હતી. તેમણે ઇન્સ્પેક્ટર વિનય તોમરને તપાસ કરવાની સૂચના આપી હતી. જોકે પહેલી વખત એવું બન્યું કે વિનયે એટીએસમાં ફરજ બજાવતા પોતાના બૅચમેટ પાસેથી કૉન્ફરન્સનો વિષય જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે ‘ખબર નથી’ તેવો જવાબ આપ્યો હતો. જોકે તેઓ ખોટું બોલી રહ્યા છે તેની વિનયને પણ ખબર હતી. જેના કારણે વછરાજાનીની ચિંતામાં વધારો થયો હતો. એવું ડિટેક્શન હતું, જે ઇન્દ્રસિંહ ખાનગી રાખવા માગતા હતા. પત્રકારોને અંદેશો આવી ગયો હતો કે, વિષય ખાનગી હોવાને કારણે કોઈ મોટી ઘટના હોવી જોઈએ. ટેલિવિઝન ચૅનલોની ઓબી (OB = Outside broadcasting) વાન એટીએસની બહાર ગોઠવાઈ ગઈ હતી. કૉન્ફરન્સમાં જતાં પહેલાં પત્રકારો વચ્ચે ચર્ચા હતી કે, ‘કિરણ ત્રિવેદી મર્ડર કેસ’ ડિટેક્ટ થઈ ગયો હશે.
અને તેવું જ બન્યું. સવા બે વાગે પ્રેસ-કૉન્ફરન્સ શરૂ થઈ. ઇન્દ્રસિંહ જાડેજાની પાછળ ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત અને સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ ઊભા હતા. ઇન્દ્રસિંહે સ્કાય બ્લૂ ટી શર્ટ અને બ્લૂ જિન્સ પહેર્યાં હતાં. તેમના ચહેરા ઉપર ખુશી હતી. તેમણે કૉન્ફરન્સ શરૂ કરતાં પહેલાં ત્યાં હાજર પત્રકારો તરફ એક નજર કરી લીધી. તેણે ત્યાં આદેશ હોવાની ખાસ નોંધ લીધી. તેમણે એક અગત્યની જાહેરાત કરતા હોય તે રીતે કહ્યું, “મંત્રી કિરણ ત્રિવેદી હત્યા કેસની તપાસ હાલમાં ક્રાઇમ-બ્રાન્ચ કરી રહી છે, આ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ એજન્સીને આ કેસ ઉપર કામ કરવાની ખાસ તાકીદ કરવામાં આવી હતી, જેના અનુલક્ષમાં ગુજરાત એટીએસની ટીમે પણ પોતાના બાતમીદારોને કામે લગાડ્યા હતા, જેમાં ઇન્સ્પેક્ટર કેતન રાજપૂતને જાણકારી મળી હતી કે, હત્યા પાછળ હુબલીનો વતની કમરૂદ્દીન પઠાણ (ઉ. ૨૦)નો હાથ હોવાની બાતમી મળવાથી રાજપૂતની આગેવાની હેઠળ એક ટીમને હુબલી મોકલવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી હુબલીમાં વૉચ રાખ્યા પછી કમરૂદ્દીનને પકડવામાં એટીએસને સફળતા મળી હતી. તેને અમદાવાદ લાવ્યા બાદ તેની પૂછપરછ કરતાં તેણે પોતે જ મંત્રી કિરણ ત્રિવેદીની હત્યા કર્યાની કબૂલાત કરી છે.” વાક્ય પૂરું થતાં પ્રશ્નોનો મારો શરૂ થયો, “તેણે હત્યા શું કામ કરી? હત્યા પાછળનો મોટિવ શું હતો?” બધાને શાંત કરતાં ઇન્દ્રસિંહે કહ્યું : “હું મારું મંતવ્ય પૂરું કરી પછી તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. પહેલાં મને સાંભળી લો. કમરૂદ્દીનની કબૂલાત પ્રમાણે તે હત્યાના બે દિવસ પહેલાં જ અમદાવાદ આવ્યો હતો. તે અમદાવાદમાં બે વ્યક્તિના સંપર્કમાં હતો, જેમાં એક મૌલવી જલાલુદ્દીન (રહે. જુહાપુરા) અને બીજો કોઈ ઉસ્માન નામનો શખ્સ. અમે જુહાપુરામાં જલાલુદ્દીનને ત્યાં તપાસ કરતાં તે ફરાર હોવાનું માલૂમ પડ્યું છે. ઉસ્માન નામની વ્યક્તિ કોણ છે તેની જાણકારી મળી નથી.”
તેમણે પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “જલાલુદ્દીન પણ મૂળ હુબલીનો વતની છે અને જમાલપુરની મસ્જિદમાં ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરતા હતા. તેમના અંગે તપાસ કરતાં માલૂમ પડ્યું છે કે, તેઓ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હતા. ૨૦૦૨નાં રમખાણો પછી, તેમણે અનેક વખત પાકિસ્તાન ફોન- કૉલ્સ કર્યા હોવાનું અમારી તપાસમાં ખૂલ્યું છે. આ ઉપરાંત તેઓ અમદાવાદના ભાગેડુ આરોપી અને હાલમાં પાકિસ્તાનમાં સંતાયેલા યાકુબ પઠાણ જે લાંબા સમયથી આઇએસઆઇ માટે કામ કરી રહ્યો છે, તેના સંપર્કમાં હતા. યાકુબનું નામ અગાઉ પણ આતંકવાદી પ્રવૃત્તિમાં ખૂલવા પામ્યું છે. યાકુબ અને મૌલવી જલાલુદ્દીન દ્વારા ૨૦૦૨નાં રમખાણોનો બદલો લેવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી.” આ યોજનાના ભાગ રૂપે જલાલુદ્દીન છેલ્લાં બે વર્ષમાં આઠ વખત હુબલી ગયા હતા, જ્યાં તેમણે ૨૦૦૨નાં રમખાણોમાં મુસ્લિમોને જે નુકસાન થયું તેની સીડી શહેરના જુદા જુદા વિસ્તારોમાં બતાવી, નિર્દોષ યુવકોને ઉશ્કેર્યા હતા. આ કામ માટે કમરૂદ્દીન તૈયાર થઈ ગયો હતો. કમરૂદ્દીનના કહેવા પ્રમાણે જલાલુદ્દીને તેને એવું કહ્યું હતું કે, “મંત્રી કિરણ ત્રિવેદી કટ્ટર હિંદુ છે. તેણે પાલડી વિસ્તારમાં અનેક મુસ્લિમોની કત્લેઆમ કરાવી હતી. તેમજ એક મસ્જિદ ઉપર જાતે હથોડો માર્યો હતો. કિરણ ત્રિવેદી તેમના માટે સૉફ્ટ ટાર્ગેટ હતા, કારણ કે તેઓ ક્યારેય પોતાની સાથે પોલીસ સિક્યૉરિટી રાખતા ન હતા. હમણાં સુધીની તપાસમાં ખૂલ્યા પ્રમાણે કિરણ ત્રિવેદીની રેકી ઉસ્માને કરી હોવાની શંકા છે, કારણ કે હત્યા કરતા અગાઉ કમરૂદ્દીને પહેલી વખત જ કિરણ ત્રિવેદીને જોયા હોવાનો તેનો દાવો છે.
“હત્યાના ઇરાદે ટ્રેન માર્ગે અમદાવાદ આવેલા કમરૂદ્દીનને જલાલુદ્દીને જ રેલવે સ્ટેશન સામે આવેલી સ્ટાર હોટલમાં ઉતરવાની વ્યવસ્થા કરી આપી હતી, જ્યાં તેને મળવા માટે જલાલ સાથે ઉસ્માન આવ્યો હોવાનું તેનું કહેવું છે. ઉસ્માન કોણ છે? ક્યાં રહે છે? તેની કોઈ માહિતી કમરૂદ્દીન પાસે નથી, જે જલાલ જ કહી શકે તેમ છે. પણ જલાલ ફરાર છે. બનાવના દિવસે ઉસ્માન સવારે ચાર વાગે હોટલ સ્ટાર ઉપર આવ્યો હતો. તે જ તેને લઈ મંગલેશ્વર મહાદેવ પહોંચ્યો હતો, જ્યારે કિરણ ત્રિવેદી મંદિરમાં ગયા ત્યારે તેઓ ત્યાં હાજર હતા, ઉસ્માને જ તેને કિરણ ત્રિવેદી બતાવ્યા હતા અને ત્યારે તેણે કમરૂદ્દીનને પિસ્તોલ આપી હતી. “હત્યા બાદ ઉસ્માન તેને લઈ સીજી રોડથી જમાલપુર થઈ, કાલુપુર પહોંચ્યા હતા, જ્યાં તેને હોટલમાં ઉતારી તે નીકળી ગયો હતો. તે જ દિવસે તેને જલાલુદ્દીન મળવા માટે હોટલ ઉપર આવ્યો હતો. તેણે કામની સફળતા માટે કમરૂદ્દીનને અભિનંદન આપી તેણે ‘કોમનો બદલો’ લીધો હોવાનું કહ્યું હતું. જલાલે તેને પાછા જવા માટે પાંચ હજાર રૂપિયા અને ટ્રેનની ટિકિટ આપી હતી. તે જ રાતે કમરૂદ્દીન પાછો હુબલી જવા રવાના થયો હતો. ઇન્દ્રસિંહે પોતાની વાત કરતાં પૂછ્યું, “બોલો હવે તમારા સવાલ?” તરત એક પત્રકારે સવાલ કર્યો : કમરૂદ્દીને જે પિસ્તોલથી હત્યા કરી તે ક્યાં છે?” “ગુડ ક્વેશ્ચન. અમે પણ તેની તપાસ કરી રહ્યા છીએ. હત્યા બાદ હોટલ ઉપર પહોંચ્યા પછી ઉસ્માને તેની પાસેથી પિસ્તોલ લઈ લીધી હતી. જોકે એક આશ્ચર્યની વાત એવી છે કમરૂદ્દીનના કહેવા પ્રમાણે તેણે પહેલી વખત જ હાથમાં કોઈ હથિયાર પકડ્યું હતું.”
ઇન્દ્રસિંહે કમરૂદ્દીન સાચું બોલતો હોવાના પુરાવા આપતાં જણાવ્યું કે, “અમે હોટલનું રજિસ્ટર ચેક કરતાં તેની હાજરી મળી આવી છે. અમે હોટલ-સ્ટાફનાં નિવેદન પણ લીધાં છે, જેમણે હોટલમાં કમરૂદ્દીનને મળવા માટે બે વ્યક્તિઓ આવી હોવાની વાતને સમર્થન આપ્યું છે.” પત્રકારોને પ્રશ્નો પૂછવા હતા, પણ ઇન્દ્રસિંહે વાત અટકાવતાં કહ્યું, “આ કેસ ક્રાઇમ-બ્રાન્ચનો છે. હવે અમે કમરૂદ્દીનને ક્રાઇમ-બ્રાન્ચને સોંપી દઈશું. તમારે તેના ફોટા કરવા હોય તો બહાર પાડી શકો છો.” ફોટોગ્રાફર પ્રેસ-કૉન્ફરન્સ રૂમમાંથી બહાર નીકળ્યા જ્યાં એટીએસના કૉન્સ્ટેબલ પાતળા બાંધાના યુવક કે જેનું મોઢું કાળા રંગના બુરખાથી ઢાંકેલું હતું, તેને લઈ આવી. આદેશ વિચાર કરી રહ્યો હતો કે કિરણ ત્રિવેદીની હત્યા અંગે જે વ્યક્તિને પકડ્યો છે, કદાચ તેણે જ હત્યા કરી હશે?! ઇન્દ્રસિંહ કિરણની હત્યા પાછળનું કારણ આપતા હતા, તે લૉજિકલ પણ લાગી રહ્યું હતું છતાં કોઈ પણ કારણ વગર મનમાં એવું થઈ રહ્યું હતું કે મોટિવ કંઈક જુદો છે.
ક્રાઇમ-બ્રાન્ચમાં જ્યારે કિરણ ત્રિવેદી કેસ એટીએસે ડિટેક્ટ કરી નાખ્યાના સમાચાર પહોંચ્યા ત્યારે વછરાજાની સહિત બધા જ અધિકારીઓનો મૂડ ખરાબ થઈ ગયો હતો. ક્રાઇમ-બ્રાન્ચ માટે આ નાલેશી હતી. વછરાજાનીને બીજું ખરાબ એ પણ લાગ્યું હતું કે કમરૂદ્દીનના પકડવામાં એટીએસ દ્વારા ક્રાઇમ-બ્રાન્ચને સાથે રાખવામાં આવી ન હતી, તેમજ તેને હુબલીથી પકડ્યા પછી ક્રાઇમ-બ્રાન્ચને સોંપી દેવાને બદલે એટીએસ દ્વારા પ્રેસ-કૉન્ફરન્સ કરી દેવામાં આવી હતી. હજી સુધી ક્રાઇમ-બ્રાન્ચને કમરૂદ્દીન અંગે કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી ન હતી, તેમને પણ ટીવી ચૅનલો ઉપર આવી રહેલા સમાચારો જોઈને જ ખબર પડી હતી… વછરાજાની પણ પોતાની ચેમ્બરમાં તે સમાચાર જોઈ રહ્યા હતા. તેમને ખ્યાલ આવી ગયો હતો, જે રીતે ઇન્દ્રસિંહ પ્રેસ-કૉન્ફરન્સમાં આખા કેસની નાની વિગતો રજૂ કરી રહ્યા છે, તે જોતાં આ કેસને કોઈ એક ચોક્કસ મુકામ ઉપર લઈ જઈ રહ્યા હતા. અને તેની આગોતરી જાણકારી પ્રેસને આપી દેવાનો અર્થ એ હતો કે એટીએસ દ્વારા રજૂ કરવામાં આવેલી થિયરી સાથે ક્રાઇમ-બ્રાન્ચે સંમત થવું અને તે જ દિશામાં તપાસ આગળ વધારવી. વછરાજાનીને એટીએસનો મોટિવ સમજાતો ન હતો, પણ ત્યાં જ તેમના ફોન ઉપર રિંગ વાગી. તેમણે જોયું કે અમર ઠાકોર હતા. તેમણે ફોન ઉપાડતાં કહ્યું : “ટીવી ઉપર સમાચાર તો જોયા જ હશે. સર, હમણાં એટીએસ તેમને તેની કસ્ટડી સોંપશે, બાકીની વાત તમને ઇન્દ્રસિંહ રૂબરૂમાં મળી સમજાવશે. હવે તમારે ખાસ તપાસમાં કંઈ કરવાનું નથી. બધી જ બાબતો સાફ થઈ ગઈ છે. સીએમ ઉપર આરોપો મૂકનારાનાં મોઢાં હવે બંધ થઈ જશે. સારું થયું, તમે ડિટેક્ટ કરો કે એટીએસ કરે તેમાં કોઈ ફેર પડતો નથી. સારું કામ થયું.” તેમ કહી તેમણે ફોન મૂકી દીધો.
(ક્રમશ:)






