Gir Somnath police in a big controversy : ગીર સોમનાથ જિલ્લા પોલીસ ફરી એક વખત જુગારના કેસને લઈને મોટા વિવાદમાં આવ્યા છે. ગત જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં વેરાવળના કોળીવાડમાં Team SMC એ કરેલી જુગારની રેડ અને બે રાઉન્ડ ફાયરિંગ બાદ થયેલા વિવાદમાં જિલ્લા LCB અને સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને તત્કાલિન LCB પીએસઆઈ એચ.એલ. જેબલીયા સહિત કુલ 5 અધિકારીઓને લીવ રિઝર્વમાં મુકી દેવાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં બાર દિવસ અગાઉ થયેલી જુગારની રેડ બાદ મહિલા પીએસઆઈનો 5 લાખનો તોડ કરવાના પ્રકરણમાં જૂનાગઢ રેન્જ ડીઆઈજીએ PSI H L Jebliya અને PSI D M Kagda (ઇન્ચાર્જ LCB PI) ને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
જુગારની રેડ બાદ મહિલા PSI સસ્પેન્ડ
પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટલ રોયલ મેન્શનમાં ગત 19-20 જુલાઈની રાતે LCB અને SOG સ્ટાફ રેડ કરી 7 શખસોને જુગાર રમતા ઝડપી પાડે છે. એસઓજી પીએસઆઈ આર.એચ. સુવાની રૂબરૂમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર 93,700 રૂપિયા રોકડા, 8 મોબાઈલ ફોન અને એક કાર સહિત 4.73 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવે છે. ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજા (Jaydeepsinh Jadeja SP) મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ સરોજબહેન એસ. વાવૈયા (PSI S S Vaviya) ને 20 જુલાઈના બપોરે સસ્પેન્ડ કરવાનો હુકમ કરે છે. મહિલા પીએસઆઈ વાવૈયાએ જુગારની રેડમાં જવા માટે કરેલી આનાકાની તેમજ બહાનાબાજીને કારણ તરીકે એસપી જાડેજાએ કરેલા હુકમમાં દર્શાવ્યું છે.
સસ્પેન્શન પહેલાં જ વાવૈયાનો થઈ ગયો તોડ
મહિલા પોલીસ સ્ટેશનના IUCAW પીએસઆઈ સરોજબહેન વાવૈયાએ જૂનાગઢ રેન્જ ડીઆઈજી આર.વી. ચુડાસમા (R V Chudasama) ને કરેલી અરજીમાં મોટો ઘટસ્ફોટ કર્યો હતો. PSI S S Vaviya એ અરજીમાં જણાવ્યું છે કે, 19 જુલાઈના રોજ જુગારની રેડમાં જવા માટે LCB ઇન્ચાર્જ પીઆઈ ડી.એમ. કાગડા (PSI SOG)એ વૉટ્સએપ કોલ કર્યો હતો. તબિયત સારી નહીં હોવાથી સરોજબહેને રેડમાં જવા માટે ના પાડી હતી, પરંતુ PSI Kagda એ આડકતરી ધમકી આપતા તેઓ દોડી ગયા હતા. આ સમયે લીવ રિઝર્વમાં રહેલા વિવાદીત પીએસઆઈ એચ.એલ. જેબલીયા ત્યાં આવ્યા હતા અને “તમે રેડમાં સામેલ નથી થયા. તેથી સસ્પેન્શન/ડીસમીસની કાર્યવાહી થઈ શકે છે” તેમ કહી 8 લાખ માગ્યા હતા. જેથી પીએસઆઈ વાવૈયાએ આંગડીયા થકી 5 લાખ રૂપિયા મગાવી 20 જુલાઈના બપોરે એકાદ વાગે તાલાળા ચોકડી પાસે કારમાં આવેલા PSI H L Jebaliya ને 5 લાખ આપ્યા હતા. આ સમગ્ર મામલે થયેલી પ્રાથમિક તપાસ બાદ રેન્જ ડીઆઈજી ચુડાસમાએ પીએસઆઈ જેબલીયા અને પીએસઆઈ ડી.એમ. કાગડા (PSI D M Kagda) ને સસ્પેન્ડ કરી દીધા છે.
વાવૈયાએ કેમ 5 લાખ આપ્યા ?
5 લાખના તોડ પ્રકરણમાં જુગારની રેડ કેન્દ્ર સ્થાને છે. રેડની બાતમી, વોરંટ અને પીએસઆઈ વાવૈયાના સસ્પેન્શન ઓર્ડરમાં રેડનો ઉલ્લેખ છે, પરંતુ વાસ્તવમાં પીએસઆઈ સરોજબહેન વાવૈયાને 5 લાખ રૂપિયાની લાંચ કેમ આપવી પડી તેનો ક્યાંય ઉલ્લેખ નથી. લીવ રિઝર્વ પીએસઆઈ જેબલીયા અને ઈન્ચાર્જ એલસીબી પીઆઈ કાગડાની મીલીભગતથી આખો ખેલ રચાયો હતો. આ ખેલમાં ઉચ્ચ અધિકારી સામેલ છે કે અજાણ છે ? તેને લઈને તરેહ તરેહની ચર્ચાઓ છે. પીએસઆઈ સરોજ વાવૈયા જુગાર રમતા પકડાયા હોવાથી તેમણે 5 લાખ રૂપિયાની લાંચ આપવાની ફરજ પડી હોવાની વાત સામે આવી છે. અત્રે નોંધનીય છે કે, સરોજબહેન ઓગસ્ટ-2023માં જુનાગઢ તાલુકાના પાદરીયા ગામની સીમમાંથી અન્ય 9 આરોપીઓ સાથે જુગાર રમતા ઝડપાઈ ચૂક્યા છે.








