પ્રશાંત દયાળ (શિવા. ભાગ-6): આખરે નક્કી થયું કે, ભરૂચ (Bharuch) જઈને સગાઈ કરવાની છે. મેં મારા આઈ–બાબાને કહ્યું, “હું લગ્ન કરવા તૈયાર છું. પણ મારી કેટલીક શરતો છે.”
પાછી તેમને ફાળ પડી. હવે કઈ નવી શરતો હશે! મેં કહ્યું, “આપણે છોકરીવાળા પાસે કોઈપણ બાબતની માગણી કે આગ્રહ રાખવાનાં નથી.”
બાબાએ તરત કહ્યું, “કોણે કહ્યું આપણી કોઈ માગણી છે?”
મેં કહ્યું, “કુંડળી જોવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.”
બાબાએ કહ્યું, “તેવું જ થશે.”
મેં કહ્યું, “વિધિ પ્રમાણે નહીં, કોર્ટમૅરેજ જ થશે.”
આઈ–બાબા મારી સામે જોવાં લાગ્યાં. આઈએ કહ્યું, “તારે કોર્ટમૅરેજ કરવા છે; પણ તેમની તો એક જ દીકરી છે. જો એમની ઇચ્છા વિધિ પ્રમાણે કરવાની હોય તો?”
“તો આપણે ક્યાં લગ્ન વગર રહી જઈએ છીએ?” મેં જવાબ આપ્યો.
આઈ–બાબાએ ઊંડો શ્વાસ લીધો. મને ત્યારે ખબર નહોતી પડતી, પણ આજે લાગે છે કે તેઓ મારા આ પ્રકારના વ્યવહાર અને ખોટી ટણીને કારણે થાકી ગયાં હશે! બાબાએ કહ્યું, “સારું, ભરૂચ જતાં પહેલાં હું તાત્યા સાથે વાત કરી લઈશ.”
પ્રવિણાનાં ઘરમાં તેના પિતાને બધા ‘તાત્યા’ કહીને સંબોધતા હતા. બે દિવસ પછી બાબાએ કહ્યું, “તેઓ તારી બધી શરત સાથે સંમત છે.”
એ પછી અમારી સગાઈ થઈ. આમ તો સગાઈ ન કહેવાય. કારણ કે મારા આગ્રહને કારણે રૂપિયો અને નાળિયેર જ અપાયાં હતાં.
સગાઈ પછી પ્રવિણા અમદાવાદ (Ahmedabad) આવી હતી. તે ખૂબ ડરેલી લાગતી હતી. એક તો અમદાવાદ જેવાં શહેરમાં તે પહેલી વખત આવી હતી. ઉપરથી મારો એકદમ બરછટ સ્વભાવ. મને આખો નીચોવી નાખો તોય તેમાંથી પ્રેમનું એક ટીપું પણ ન નીકળે! પ્રવિણા અમદાવાદ બે–ત્રણ વખત આવી હશે. પછી તો મારે તેને ટ્રેનમાં ભરૂચ મુકવા જવાનું થતું. આ દરમિયાન પણ હું— તારે આવું કરવું પડશે; તારે તેવું કરવું પડશે એમ આદેશાત્મક સ્વરમાં ઘણું કહેતો. તેને દરેક વખતે કહેતો કે, તને લાગે કે ખોટો નિર્ણય લેવાઈ ગયો છે; તો નિર્ણય બદલી પણ શકે છે.
સગાઈ કે પ્રેમ થાય પછી કોઈ પોતાનાં પ્રિય પાત્રને પ્રેમપત્ર લખે; એમ મેં પણ પ્રવિણાને પત્ર લખ્યો હતો. તે પણ એકમાત્ર પત્ર અને જાણે ધમકી આપતો પત્ર! તેમાં મેં લખ્યું હતું કે, લગ્ન પછી મને બદલવાનો પ્રયત્ન કરવાનો નહીં. મારી અંદર કોઈ ફેરફાર થશે નહીં.
ખબર નહીં કેમ; પણ પ્રવિણા બધી જ શરતો માની રહી હતી. આખરે લગ્નની તારીખ પણ નક્કી થઈ. 21 ફેબ્રુઆરી 1996. અમારાં લગ્ન ભરૂચમાં થયાં. અમે પચાસ સગાં-સંબંધી, મિત્રો સાથે ભરૂચ ગયાં જ્યાં મૅરેજ રજિસ્ટ્રારની સામે સહી કરી અને જિંદગી આખી સાથે રહીશું તેવું નક્કી કર્યું. લગ્ન પછી પોતાનો પરિવાર, મિત્રો અને ગામ છોડતાં કોઈપણ છોકરીને દુઃખ થાય અને રડવું પણ આવે. બસમાં પાછા ફરતી વખતે પ્રવિણા પણ રડી રહી હતી. એ જોઈ મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, “રડનારા માણસો મને ગમતા નથી.”
આટલું કહી હું ઊભો થઈ પાછળની સીટ પર જતો રહ્યો. પ્રવિણાનાં મનમાં લગ્નનાં અનેક અરમાનો હશે જ! તે મને આજે સમજાય છે. પણ ત્યારે મારી અંદરની રૂક્ષતાઓએ મને આ કંઈ સમજવા દીધું જ નહીં. અમે ઘરે આવ્યાં ત્યારે ઘરમાં જે ધાર્મિક વિધિ કરવાની હતી તે કરી. તેમાં એક વિધિ નામ બદલવાની પણ હતી.
મારી આઈને શિવાની નામ બહુ ગમતું હતું. તેણે મને પહેલાં જ કહ્યું, “મુન્ના, આપણે પ્રવિણાનું નામ શિવાની (Shivani Dayal) રાખીશું”
નામ બદલવાની વિધિ એવી હોય છે કે, એક થાળીમાં ચોખા ભર્યા હોય. તેમાં પતિએ પત્નીનું નવું નામ લખવાનું. મેં નામ લખ્યું— ‘શિવાની’. બસ, ત્યારથી જ પ્રવિણા શિવાની થઈ ગઈ. કોઈપણ માણસ સવારે નોકરીએ જાય અને સાંજ પડે ઘરે આવે. પણ મારું તો એવું નહોતું. સવારે નીકળું પછી ક્યારે પાછો આવીશ? તેની મને જ ખબર નહોતી. શિવાની ઘરની બાલ્કનીમાં ઊભી રહી મારી રાહ જોતી. સાંજ પડી જતી, સાંજમાંથી રાત પડી જતી. જમવાનો સમય થાય ત્યારે મારા બાબા કહેતા કે, ચાલો જમી લઈએ. શિવાની કહેતી કે, પ્રશાંત આવે પછી. બાબા એને સમજાવતા— તો તારે ભુખ્યા રહેવું પડશે. મારા બાબા શિવાનીનું ખૂબ ધ્યાન રાખતા. મારી ઉપર ગુસ્સે પણ થઈ જતા. તે મને ઘણીવાર કહેતા કે, જરા શિવાનીને લઈ બહાર ફરવા તો જા. આમ અમારા લગ્ન પછી રોમાંચ-રોમાન્સ જેવું કંઈ નહોતું.
તે દિવસે રવિવાર હતો. સાંજે હું અને શિવાની બહાર જવાનાં હતાં. તે તૈયાર થઈ. મેં કહ્યું, “ચાલો, નીકળીશું.”
તેણે મને ઉપરથી નીચે સુધી જોયો. મને કહ્યું, “કપડાં બદલી નાખો તો સારું.”
મેં મારાં કપડાં સામે જોઈ કહ્યું, “આમાં શુ વાંધો છે?”
તેણે મારા પેન્ટની મોરી તરફ ઇશારો કરતાં કહ્યું, “થોડી ફાટેલી છે.”
મને ખૂબ ગુસ્સો આવ્યો. હું અંદરના રૂમમાં ગયો, જિન્સની પેન્ટ કાઢી, કાતર લીધી અને જિન્સની ચડ્ડી હોય તેવી રીતે કાપી નાખી. પેન્ટની ચડ્ડી બનાવી; તે પહેરી બહાર આવ્યો. તેણે મને જોતાં જ પુછ્યું, “આવી રીતે બહાર જવાનું?”
મેં કહ્યું, “હા, આવી જ રીતે જઈશું.”
અમે બહાર નીકળ્યાં. શિવાનીને મારી સાથે ખૂબ જ સંકોચ થતો હતો. પણ હું આવો જ હતો. તે રોજ રાત્રે મારી રાહ જોતી જોતી સૂઈ જતી. હું ક્યારેક રાતે ત્રણ વાગ્યે તો ક્યારેક સવારે પાંચ વાગ્યે ઘરે આવતો હતો. આમ કરતાં કરતાં અમારાં લગ્નને છ મહિના થઈ ગયાં. હું જ્યારે ઘરે આવું ત્યારે તેનાં નાકમાં એક વિચિત્ર વાસ પ્રવેશ કરતી. એ મને પુછતી કે, આ વાસ શેની છે? હું કહેતો, તંબાકુની. તે એટલી ભોળી હતી; તેને ખબર જ નહોતી પડતી કે, હું રોજ ટલ્લી થઈને ઘરે આવું છું. જ્યારે એને ખબર પડી કે હું દારૂ પીવું છું; ત્યારે તેને બહુ ખરાબ લાગ્યું હતું. તે મારી પર ગુસ્સે પણ થઈ હતી. ત્યારે મેં તેને કહ્યું, “જો, તને જોવા આવ્યો ત્યારે જ મેં તને બધી વાત કરી દીધી હતી; એટલે હવે ગરબડ નહીં કરવાની.”
તેણે મને રડતાં રડતાં કહ્યું, “મને શું ખબર કે, કોઈ માણસ આટલું બધું સાચું બોલતો હશે!”
મને તેનાં ભોળપણ પર હસવું આવ્યું. સમય આગળ સરકી રહ્યો હતો. લગ્નનાં એક જ વર્ષમાં મારા ઘરે દીકરો આવ્યો. મારા બાબા ખુશ હતા. તેને જોવા સૌથી પહેલાં મારા બાબા ભરૂચ ગયા હતા. ત્યારે પેજરનો યુગ હતો. તેમણે મને પેજરમાં મેસેજ મોકલીને કહ્યું, “અભિનંદન! તું પપ્પા બન્યો છે.”
બાબાએ મને કહ્યું હતું કે, તારા દીકરાનું નામ ‘આકાશ’ રાખજે. આકાશ હજી પંદર દિવસનો હતો. હું કોઈ કારણસર ઘરે વહેલો આવ્યો હતો. જમીને પાછો બહાર જવા બૂટ પહેરી રહ્યો હતો. બાબાએ પુછ્યું, “હવે ક્યાં જાય છે”
આઈએ ગુસ્સામાં કહ્યું, “શું કામ પુછો છો? તમને ખબર નથી? ઢીંચવા જતો હશે!”
હું કંઈ બોલ્યો નહીં અને પાર્ટી કરવા જતો રહ્યો. રાતના બાર–એક થવા આવ્યા. મારું મન બેચેન હતું. ખબર નહીં, શું કારણ હતું? હું પાર્ટી છોડીને ઘરે આવવા નીકળ્યો. ઘરે પહોંચ્યો ત્યારે રાતના લગભગ દોઢ વાગી રહ્યા હતા. મને આશ્ચર્ય થયું; મારા ઘરની લાઇટ ચાલું હતી! ઉતાવળે હું ઘરમાં ગયો. બાબા ખાંસી રહ્યા હતા. આઈ એમની પીઠ પર હાથ ફેરવી રહી હતી. મેં પુછ્યું, “શું થયું?”
બાબાએ મને જ કહ્યું, “છોકરાઓને બોલાવી લે.”
તેમની તબિયત બગડી રહી હતી. હું તેમને મારા મિત્ર હિતેશ પટેલની કારમાં લઈ હૉસ્પિટલ જવા નીકળ્યો. હૉસ્પિટલ પહોંચતાં પહેલાં એ અમને મૂકી અનંતયાત્રાએ નીકળી ગયા હતા!
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796