નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના પૂર્વમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલાં વાલીઓ ભારે ચિંતામાં (Seventh Day School Parents in deep worry) મુકાયા છે. અનેક વિવાદોમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ (Seventh Day School Controversy) નો વહીવટ ફરીથી સત્તાધીશોને સોંપવામાં આવતા વાલીઓમાં બાળકોના ભવિષ્ય અને પ્રવેશને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
ઑગસ્ટ-2025માં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ જ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી દેતાં ભારે હોબાળો થયો હતો. શાળા સંચાલકો યોગ્ય રીતે વહીવટ નહીં કરતા હોવાની પણ ફરિયાદો સામે આવી હતી. જેના પગલે શિક્ષણ વિભાગ (DEO) દ્વારા શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લેવામાં આવ્યો હતો. જોકે, હવે નવું સત્ર શરૂ થાય તે પહેલાં વહીવટ ફરીથી શાળાના સંચાલકોને સોંપાતા નવો વિવાદ ઉભો થયો છે. વાલીઓને ડર છે કે શાળાનું રજિસ્ટ્રેશન ગમે ત્યારે રદ થઈ શકે છે. શાળાનું રજિસ્ટ્રેશન રદ્દ થવાની સંભાવનાની વચ્ચે વાલીઓ અનેક મૂંઝવણ અનુભવી રહ્યાં છે. જો એડમિશન લીધા બાદ રજિસ્ટ્રેશન રદ થાય તો મોટી રકમની ફી ગુમાવવી પડી શકે છે. આ ઉપરાંત અધવચ્ચેથી માન્યતા રદ્દ થાય તો બાળકોના અભ્યાસ પર માઠી અસર થાય અથવા અભ્યાસ ખોરંભે ચઢી શકવાનો ડર છે. વાલી જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા શાળાનો ઘેરાવ કરી માગ કરવામાં આવી છે કે, રજિસ્ટ્રેશન રદ્દ નહીં થાય તેવી ખાતરી આપ્યા બાદ જ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.








