નુરબજાર મોસમી તેજીમાં ટ્રેડ થતી હોઈ જહાજી ઇન્ડેકસ આ વર્ષની નવી ઉંચાઈએ
બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ વર્ષાનું વર્ષ ૯૨.૧૨ ટકા વધ્યો: માત્ર એપ્રિલ મહિનામાં ૩૨.૧૪ ટકાનો ઉછાળો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): મર્ચન્ટ શીપીંગ અથવા જ્થ્થાબંધ સામાનની હેરફેર કરતી નુરબજાર મોસમી તેજીમાં ટ્રેડ થતી હોઈ, બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ (બીડીઆઈ) વર્તમાન વર્ષની નવી ઉંચાઈએ પહીચી ગયો છે. અનાજ, કોલસો કે આયર્ન ઓર જેવા જથ્થાબંધ કાચા માલોનાં હેરફેરના ખર્ચનો અંદાજ આ ઇન્ડેક્સ આપે છે. જથ્થાબંધ સામાન પરિવહનની નુરબજાર આ વર્ષે તેજીના ટોનમાં જળવાઈ રહેશે. એક શીપીંગ બ્રોકરે કહ્યું હતું કે ઈરાન યુદ્ધની ચિંતાઓ વચ્ચે પણ જહાજી કંપનીઓને મોટો નફો રળવાની તક છે. આયર્ન ઓર બજારમાં થઇ રહેલી ઉથલપાથલને પગલે કેપ્સાઈઝ જહાજી નુર વેગથી વધતા, ૧ મેનાં રોજ બીડીઆઈ ૧.૬૪ ટકા વધીને ૨૭૩૦ પોઈન્ટની ૩૦ નવેમ્બર ૨૦૨૫ પછીની નવી ઊંચાઈ પહોચી ગયો હતો. અનાજનું વહન કરતા પનામેક્સ જાહાજી ઇન્ડેક્સ પણ મક્કમ હતો જ્યારે સુપ્રામેક્સ ઇન્ડેકસ સહેજ નબળો હતો.
કોમોડીટી વહન માટે બેન્ચમાર્ક ગણાતા કોન્ટ્રેક્ટ ફોર ડીફરન્સ (સીએફ્ડી) ટ્રેડીંગને ધ્યાનમાં લઈએ તો, માત્ર એપ્રિલ મહિનામાં જ બીડીઆઈ ૩૨.૧૪ ટકા અને વર્ષાનું વર્ષ સમાન સમયથી અત્યાર સુધીમાં ૯૨.૧૨ વધ્યો હતો. એટલાન્ટીક બેસિનમાં નુર માંગ વધતા, કેપ્સાઈઝ જહાજોના દૈનિક સરેરાશ નુર, ગત સપ્તાહના આરંભે ૩૯,૦૦૦ ડોલરની ઉંચાઈએ પહોચી ગયા હતા. અલબત્ત, આટલા બધા ઊંચા નુરદર ટકાઉ સાબિત થયા ન હતા. પેસિફિક જહાજી માર્ગ પરનો રૂટ બદલવાની ફરજ પડતા, જહાજોને એકથી બીજા દરિયાઈ માર્ગમાં પરિવર્તન કરવાની ફરજ પડી હતી. ચીન સરકાર દ્વાર અગાઉ, બીએચપી કંપનીના આયર્ન ઓરને પ્રતિબંધિત કરાતા, સ્ટીલ ઉદ્યોગ માટે કાચામાલની ભારે અછત સર્જાઈ હતી અને જુદા જુદા પોર્ટ પર કાર્ગોનો ભરાવો થયો હતો. પણ હવે આ પ્રતિબંધ હટાવી લેવાતા, પરમ્પરાગત રીતે ૧.૫ લાખ ટન આયર્ન ઓર અને કોલસાનું વહન કરતા કેપ્સાઈઝ નૂરની માંગ વધી હતી, પરિણામે આ ઇન્ડેક્સ ૧ ટકો વધીને ૨૬૭૦ પોઈન્ટની ઉંચાઈએ મુકાયો હતો.
પનામેક્સ નુરબજારમાં એકાએક વહન માટેનો માલ ભરાવો થવાથી, આંતરપ્રવાહ દબાણમાં આવતા નુર હાથબદલા પણ ઘટ્યા હતા. આગલા સપ્તાહમાં એટલાન્ટીક માર્ગ પર નુર વધતા હતા તેમાં પાછળથી જહાજોની ઉપલબ્ધી વધી પડવા સાથે અનાજ વહન માટેની માંગ ઘટી જતા, પનામેક્સ ઇન્ડેક્સમાં ઘાસણી શરુ થઇ હતી. અલબત્ત, ૬૦થી ૭૦ હજાર ટન અનાજ કે કોલસાનું વહન કરતા પનામેક્સ જહાજોનું સરેરાશ દૈનિક નુર ૧૧૬ ડોલર વધીને ૧૭,૯૩૦ ડોલર થતા, પનામેક્સ ઇન્ડેક્સ સપ્તાહાંતે ૦.૭ ટકા વધીને ૧૯૯૨ પોઈન્ટ રહ્યો હતો.
આ તરફ સુપ્રામેક્સ ઇન્ડેક્સ માત્ર ૦.૬ ટકા ઘટીને ૧૫૨૫ પોઈન્ટ રહ્યો હતો. સપ્તાહ દરમિયાન એટલાન્ટીક માર્ગ પર યુએસ ગલ્ફથી તુર્કી સુધીનું નુર દૈનિક સરેરાશ ૩૩,૦૦૦ ડોલર થવાથી જહાજોની માંગ વૃદ્ધિ થઇ હતી. સાઉથ એટલાન્ટીકનાં ઉરુગ્વેથી સિંગાપુર અને જપાન તરફની નિશ્ચિત ટનેજ માંગ વધવાથી, નુર દૈનિક સરેરાશ ૧૭,૬૦૦ ડોલર વધીને ૭,૬૦,૦૦૦ની ધરખમ ઉંચાઈએ પહોચી ગયા હતા. ૨૦૨૬મા ડ્રાય બલ્ક માર્કેટમાં તેજી જળવાઈ રહેવાની સંભાવના છે. પણ ભૂ-રાજકીય અસ્થિરતા અને જહાજી પુરવઠા વૃદ્ધિની સમતુલા જ આખરે જહાજી કંપનીની આવક નિર્ધારિત કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








