પ્રશાંત દયાળ (શિવા. ભાગ-38): શિવાની (Shivani Dayal) હવે કોઈની મદદ વગર ઊભી થઈ શકતી નહોતી. આકાશ અને ભૂમિ નોકરીએ જતાં હતાં. મારી દીકરી પ્રાર્થના પણ સાયકોલોજિસ્ટ (Psychologist) થઈ ગઈ હતી. તે પણ એક ક્લિનિકમાં કામ પર જતી હતી. આખો દિવસ હું અને શિવાની એકલાં જ હતાં. શિવાની સવારે ઊઠે ત્યારે તેને બ્રશ કરાવવા સાથે મારું કામ શરૂ થઈ જતું હતું. હવે તેની શારીરિક સ્થિતિ એવી હતી કે, બ્રશ કરવું પણ તેના માટે કસરત સમાન કામ હતું. તે બ્રશ કરતાં પણ થાકી જતી હતી. શિવાની સપ્ટેમ્બરમાં હોસ્પિટલમાંથી ઘરે આવી ત્યારે તેના માટે ખાસ ઓક્સિજન કોન્સન્ટ્રેટર લઈ આવ્યા હતા. કારણ કે રાતે ઊંઘમાં તેનો ઓક્સિજન ઓછો થઈ જતો હતો. જેથી આખી રાત તેને ઓક્સિજન આપવો પડતો હતો.
સવારે શિવાનીને નાસ્તો કરાવવાનો, દવા આપવાની, બપોરે તેને જમાડવાની. પછી તેની જ પથારી પાસે બેસી હું પણ જમી લેતો હતો. સાંજે છોકરાઓ ઘરે આવે ત્યારે શિવાની તેમને કહેતી કે, આખો દિવસ બાબા થાકી જતા હશે! તેને સ્નાન પણ હું કરાવતો, પણ જે દિવસે તેનું માથું ધોવાનું હોય ત્યારે તે મારા ઉપર ગુસ્સે થતી. કારણ કે મને આટલા લાંબા વાળમાં શેમ્પૂ લગાડી ધોતાં આવડતું નહોતું. તેને નાનાં બાળકની જેમ પટાવી હું બે–ત્રણ દિવસે ન્હાવા લઈ જતો હતો. અંદરથી હું ખૂબ ડરી ગયો હતો. કારણ કે મને કોઈ સારો અણસાર આવી રહ્યો નહોતો. હું મારાં ઘરનાં મંદિર પાસે બેસી રોજ બપોરે ભગવાનને હાથ જોડી રડતો અને કહેતો, “મારી શિવાનીને બચાવી લે.”
મેં નક્કી કર્યું હતું કે શિવાની સામે તો મારે હિંમતવાન જ રહેવાનું છે. મને પોતાને સમજાઈ રહ્યું છે તે, શિવાનીની સ્થિતિને કારણે હું પોતે ડિપ્રેશનમાં આવી ગયો હતો. ડિપ્રેશન શરૂ થઈ ગયું હતું, તેની મને ખબર હતી. પણ મારે શિવાનીને તો ઠીક; આકાશ, ભૂમિ અને પ્રાર્થનાને પણ તેની ખબર પડવા દેવી નહોતી. હું ચાર–પાંચ દિવસે એક વખત ન્હાવા લાગ્યો હતો, પણ ઘરમાં બાળકોને ખબર પડે નહીં માટે રોજ કપડાં બદલી નાખતો હતો. રાત પડે હું થાકી જતો હતો, પણ શિવાનીને ઊંઘ આવતી નહોતી. આમ છતાં થાકીને મારી આંખ લાગી જાય ત્યારે અચાનક ઝબકીને જાગી જતો હતો. ક્યારેક તે ઊંઘી ગઈ હોય ત્યારે હું તેનાં પેટ સામે જોતો કે, તેનો શ્વાસ તો ચાલું છેને? પછી તરત ઓક્સિમીટરથી તેનું ઓક્સિજન લેવલ ચેક કરતો હતો.
શિવાની પણ દવા લઈ લઈને થાકી ગઈ હતી. હવે તેના બ્રેઈનને પણ ઓછો ઓક્સિજન પહોંચતો હતો એટલે તે મને એકની એક વાત અનેક વખતે કરતી હતી. તે ભૂલી જવા લાગી હતી. તેને દિવસની 25-30 ગોળીઓ લેવી પડતી હતી. ડૉકટરે તેને સ્ટિરોઇડની ગોળીઓ પણ આપી હતી, પણ હવે તેને મારા ઉપર શંકા થવા લાગી હતી કે, હું તેને સ્ટિરોઇડની વધારે ગોળીઓ આપું છું. તેને દવા આપું ત્યારે તે દવાઓને ધ્યાનથી જોતી, પછી મારી સામે શંકાભરી નજરે જોતી. મને બહુ ખરાબ લાગતું. હું તેને સમજાવતો કે, તને કોઈ વધારાની દવા આપતો નથી. તો તે મને સવાલ કરતી, “તો પછી મને સારું કેમ લાગતું નથી?”
મેં એક દિવસ મારા નેચરોથેરપિસ્ટ મિત્ર મૂકેશ પટેલને ફોન કર્યો. કારણ કે શિવાનીને તેમની ઉપર ખૂબ ભરોસો હતો. તેમણે મને કહ્યું, “ચિંતા ન કરો. હું ઘરે આવું છું.”
મૂકેશભાઈ ઘરે આવ્યા, તેમણે શિવાની સાથે વાત કરી સમજાવ્યું, “તમારી બીમારી માટે સ્ટિરોઇડ આપવી અનિવાર્ય છે. પ્રશાંત તમને કોઈ વધારાની દવા આપતા નથી.”
મૂકેશભાઈએ કહ્યું એટલે તેને એ વાત સાચી લાગી. મૂકેશભાઈ ગયા પછી તેણે મારો હાથ પકડ્યો અને રડતાં રડતાં કહ્યું, “સોરી! મેં તમારી ઉપર ખોટી શંકા કરી.”
પહેલી વખત હું અને શિવાની એકબીજાનો હાથ પકડી ખૂબ સમય રડતાં રહ્યાં. આકાશ અને ભૂમિ પણ શિવાનીનું ખૂબ ધ્યાન રાખતાં હતાં. સાંજે ભૂમિ બૅંકમાંથી ઘરે આવે એટલે શિવાનીને રૂમમાંથી બહાર લાવી ડ્રોઇંગરૂમમાં બેસાડવાની. ભૂમિ તેને માથું ઓળી આપે. કારણ કે મને માથું ઓળતાં નહોતું આવડતું, પણ હું તેને મરાઠીમાં કહેતો, “છાન છાન દિસતે શિવા માજી!”
એટલે કે, મારી શિવાની સુંદર લાગે છે! તેવું કહું એટલે તેના ચહેરા પર એક હળવું સ્મિત આવે. રાતે શિવાનીને ઊંઘ આવતી નહીં એટલે તેનો આગ્રહ રહેતો કે, પ્રાર્થના તેની બાજુમાં બેસી રહે. પ્રાર્થના આઈ પાસે રાતના બે–અઢી વાગ્યા સુધી બેસી રહેતી હતી. માંડ કલાક–બે કલાકની ઊંઘ પછી શિવાની મને ઊઠાડતી. અમે બંને થારમાં સવારે પાંચ વાગ્યે ચ્હા પીવા જતાં હતાં. પણ ડિસેમ્બર મહિનો શરૂ થતાં, હવે તેને ઘરનાં આંગણામાં ઊભી રહેલી કાર સુધી ચાલતાં જવામાં પણ તકલીફ પડવા લાગી હતી. અમે પાંચ વાગ્યે અમદાવાદની સફરે નીકળી જતાં હતાં.
11 ડિસેમ્બરે ભૂમિનો જન્મદિવસ હતો. શિવાનીને તે બરાબર યાદ હતો. તેણે મને ચાર–પાંચ દિવસ પહેલાં કહ્યું, “ભૂમિનો જન્મદિવસ છે.”
મેં પુછ્યું, “તો?”
તેણે મને કહ્યું, “ભૂમિને કૃષ્ણ ભગવાન ખૂબ ગમે છે. તો તેને માટે કૃષ્ણની ચાંદીની મૂર્તિ લાવી આપો.”
શિવાની સાથે પૈસાની વાત નીકળે એટલે હું ઘણી વખત મજાક કરતો. તે દિવસે પણ મેં મજાક કરતાં કહ્યું, “ચાંદીની મૂર્તિ લાવવાની વાત કરે છે, તો પૈસા તારો બાપ આપશે?”
તે હસવા લાગી. તેણે મારી સામે ઇશારો કરતાં કહ્યું, “ભૂમિનો બાપ આપશે.”
પછી હું ચાંદીની દુકાનમાં ગયો. ત્યાં મેં એક મૂર્તિ પસંદ કરી. દુકાનમાંથી વીડિયો કોલ કરી તેને મૂર્તિઓ બતાવી. તેણે વીડિયો કોલમાં મૂર્તિ જોતાં જ કહ્યું, “અરે ભગવાન! આવી નહીં.”
મેં પુછ્યું, “તો કેવી?”
તેણે કહ્યું, “લાલો જોઈએ.”
દુકાનદાર શિવાનીની વાત સમજી ગયો. મેં ચાંદીનો લાલો પેક કરાવ્યો. 11મીએ ભૂમિના જન્મદિવસે શિવાનીએ તેને કૃષ્ણ ભેટમાં આપ્યો. આમ તેનું શરીર ક્ષીણ થયું હતું, પણ મન સાબૂત હતું. તે મૃત્યુ પામશે તેવો તેને ડર લાગ્યો નહોતો છતાં તેનાં શરીર અને મન ઉપર થઈ રહેલી અસરો મને દેખાતી હતી.
21મી ડિસેમ્બરે આકાશનો જન્મદિવસ હતો. પ્રાર્થના કાયમ આઈને ફરિયાદ કરતી કે, તને મારા કરતાં ભાઈ વધારે વ્હાલો છે. પ્રાર્થનાનું કામ હોય ત્યારે પણ શિવાનીનાં મોઢાંમાંથી આકાશનું નામ જ બોલાઈ જતું હતું. 21મીએ સવારે આકાશને એક કંપનીનાં ઑડિટમાં બોટદ જવાનું હતું. તે સવારે વહેલો નીકળી ગયો. શિવાની ઊઠી, તેને ચ્હા નાસ્તો આપ્યો. મેં તેને પુછ્યું, “આજે કયો દિવસ છે; તેની તને ખબર છે?”
તેણે મારી સામે જોયું. પછી તેની પથારી પાસે જ ટાંગેલાં કેલેન્ડર સામે જોયું, પણ તેને યાદ આવ્યું નહીં. તેણે ફરી પ્રશ્નાર્થ નજરે મારી સામે જોયું. મેં કહ્યું, “આકાશનો જન્મદિવસ છે.”
તેનો ચહેરો એકદમ બદલાઈ ગયો. જાણે તેણે કોઈ અપરાધ કર્યો હોય તેવો ભાવ તેના ચહેરા ઉપર આવ્યો. તેણે મને સામો પ્રશ્ન કર્યો, “આકાશનો જન્મદિવસ મને કેમ યાદ રહ્યો નહીં?”
આમ હવે એ તારીખ અને વાર ભૂલવા લાગી હતી, પણ સાંજે આકાશ આવ્યો ત્યારે તેના હાથમાં તેણે પાંચહજાર મુક્યા અને માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. કદાચ આકાશ માટે આઈના આ છેલ્લા આશીર્વાદ હશે તેની ખબર નહોતી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796