નવજીવન ન્યૂઝ, ડેસ્ક : આણંદની જનરલ હૉસ્પિટલમાં વિના મૂલ્યે થતાં ઑપરેશનના અવેજમાં લાંચ લેતા એક ડૉક્ટરની ગુજરાત એસીબીએ ધરપકડ (Gujarat ACB arrests doctor in bribery case) કરી છે. શરૂઆતમાં 6500 રૂપિયાની લાંચ માગ્યા બાદ રકઝકના અંતે 4 હજાર નક્કી કરનારા ડૉક્ટરે 1 હજાર રૂપિયા અગાઉ મેળવી લીધા હતા. બાકીના 3 હજાર રૂપિયાની લાંચ લેવા જતાં કરાર આધારિત ઑર્થોપેડીક સર્જન ડૉ. ચિંતન સ્નેહલભાઈ શાહ રંગે હાથ ઝડપાઈ ગયા છે.
આણંદની સરકારી જનરલ હૉસ્પિટલ (General Hospital Anand) માં એક યુવકની આંગળીનું ઑપરેશન થયું હતું. આ ઑપરેશનના અવેજ પેટે ડૉ. ચિંતન શાહે દર્દીના મિત્ર પાસે લાંચ માગી હતી. આજે આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એન. વિરાણી (PI R N Virani) એ જનરલ હૉસ્પિટલ આણંદ ખાતે છટકું ગોઠવ્યું હતું. હૉસ્પિટલના પ્રથમ માળે આવેલા ઑપરેશન થિયેટરની બહાર લોબીમાં ચિંતન શાહ ત્રણ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ જતા તેમની ધરપકડ કરવામાં આવી છે.








