નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં રખડતા કૂતરાઓના મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડાઈ વચ્ચે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાહેર સ્થળોથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો અગાઉનો આદેશ યથાવત રહેશે અને તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. સાથે જ પશુ કલ્યાણ બોર્ડ તથા કૂતરાઓના હિત માટે દાખલ કરાયેલી તમામ અરજીઓને પણ કોર્ટે ફગાવી દીધી છે.
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયાની બેન્ચે આ મામલે નિર્ણય આપતા જણાવ્યું હતું કે આ મુદ્દો માત્ર પશુ કલ્યાણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો સીધો સંબંધ જાહેર આરોગ્ય અને સામાન્ય નાગરિકોની સલામતી સાથે છે. કોર્ટે નોંધ્યું હતું કે દેશમાં હડકવાના કેસો અને કૂતરાઓના હુમલાની વધતી ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય બની રહી છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ 2025માં આપેલા આદેશને યથાવત રાખતા રાજ્યોને પશુ જન્મ નિયંત્રણ (Animal Birth Control) નિયમોનો અસરકારક રીતે અમલ કરવાની પણ સ્પષ્ટ સૂચના આપી છે. કોર્ટે ચેતવણી આપી છે કે જો રાજ્ય સરકારો આ આદેશના પાલનમાં નિષ્ફળ જશે તો તેમની સામે કાયદેસરની અવમાનનાની કાર્યવાહી પણ થઈ શકે છે.

અગાઉના આદેશમાં શાળા, કોલેજ, હોસ્પિટલો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને રમતના મેદાનો જેવા જાહેર સ્થળોથી રખડતા કૂતરાઓને દૂર કરીને તેમને આશ્રયસ્થાનોમાં ખસેડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આવા સંવેદનશીલ વિસ્તારોની આસપાસ સુરક્ષા વધારવા માટે સીમા દિવાલો અને નિયંત્રિત પ્રવેશ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
આ કેસમાં વિવિધ અરજીઓ પર લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. હવે અંતિમ ચુકાદામાં કોર્ટે જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતા અગાઉનો નિર્ણય જ અમલમાં રાખવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે. આ નિર્ણય બાદ દેશભરમાં રખડતા કૂતરાઓના નિયંત્રણ, જાહેર સુરક્ષા અને પશુ કલ્યાણ વચ્ચે સંતુલન અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.








