પ્રશાંત દયાળ (શિવા. ભાગ-39): શિવાનીની (Shivani Dayal) બીમારી એવી હતી, જેમાં સતત કફ થવો એ સામાન્ય બાબત છે. 23મી ડિસેમ્બરના દિવસે સવારે તે ઊઠી. તેને કફ કાઢવા માટે બાથરૂમ સુધી જવું ન પડે તે માટે એક ખાસ વ્યવસ્થા તેના બેડ પાસે જ રાખી હતી. તેણે સવારે કફ કાઢ્યો. તેણે કફ કાઢ્યા પછી મારી સામે જોયું, અમારી નજર એક થઈ. અમે બંને સમજી ગયાં કે કંઈક ગરબડ છે. કારણ કે તેનો કફ લાલ કલરનો નીકળ્યો. મેં તરત મારા મિત્ર નેવિલ, જે બ્લડ બેંકમાં કામ કરે છે તેને બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવ્યો. આ દિવસો દરમિયાન રોજ સવારે મારા મિત્ર ગોપી અને ઉજ્જવલ શિવાનીને મળવા માટે આવી જતાં. ગોપી રોજ શિવાનીને પુછતી, “ભાભી! કસ કાય?”
એટલે તે થંબ બતાડી કહેતી, “સારું છે.”
જો કોઈ દિવસ ગોપી અને ઉજ્જવલ આવે નહીં તો તરત શિવાની મને પુછતી, “કેમ ગોપી આવી નથી?”
આમ ગોપી અને ઉજ્જવલનું આવવું અનિવાર્ય હતું. અમે દવાની સાથે દુવાનાં પણ તમામ કામ કરતાં હતાં. કોઈએ અમને કહ્યું, પાણિયારામાં દીવો કરો, તો તે પણ કરતાં હતાં. કોઈએ કહ્યું, ઘરના બધા દરવાજા ઉપર સિંદુર લગાડો તો તે પણ કરતાં હતાં. પ્રાર્થનાનો એક મુસ્લીમ મિત્ર છે. તેણે કહ્યું, “ઇસ્લામમાં જેઓ હજ પઢવા જાય છે, તે હાજીઓ પોતાની સાથે જમજમનું પાણી લાવે છે. તે પાણી પવિત્ર કહેવાય છે.”
અમે જમજમનું પાણી પણ લઈ આવ્યાં. આ દરમિયાન માત્ર મિત્ર સતીષ મોરીને ખબર પડી કે, શિવાની બીમાર છે. તો તે જૂનાગઢના (Junagadh) જાણીતા વૈદ્ય ડૉ. ધવલને મારા ઘરે લઈ આવ્યા. તેમણે દવા પણ શરૂ કરી. તેવી જ રીતે નડિયાદના ઍડવોકેટ ચિરાગ પણ મણિનગરના ડૉક્ટર પંડ્યા સાહેબને લઈ આવ્યા. ભાવનગર રેંજના આઈ.જી.પી. ગૌતમ પરમારને જ્યારે સમાચાર મળ્યા, તો તરત અમદાવાદ (Ahmedabad) આવ્યા અને ડાંગના એક વૈદ્યનો સંપર્ક કરાવી, ત્યાંથી દવા મગાવી. આમ એક સાથે બધા ઉપચાર ચાલું હતા.
શિવાનીનાં બ્લડ અને કફનો ટેસ્ટ કરાવ્યો હતો તેનો રિપોર્ટ લઈ હું ડૉ. હિતેન અમીન પાસે ગયો. રિપોર્ટ જોતાં તેમનો ચહેરો ગંભીર થયો. તેમણે દવા લખી, મેં ફી પુછી તો તેમણે ના પાડી અને એટલું જ બોલ્યા, “હવે સમય રહ્યો નથી.”
મારું મન કહી રહ્યું હતું કે, સમય રહ્યો નથી! એ કેમ ચાલે? શિવાનીએ મારા માટે તો જીવવું પડશેને! હું પોતાને કહી રહ્યો હતો; ના, શિવાનીને હું આટલી જલદી જવા દઈશ નહીં. તેનું વજન હવે 22 કિલો થઈ ગયું હતું. તે જમી શકતી નહોતી પણ તેના અવાજમાં રણકો યથાવત્ હતો. મારા એક જ્યોતિષ મિત્ર છે, હેમીલ લાઠિયા. તેમની ઉપર પણ ખૂબ ભરોસો. શિવાની મને કહેતી, “તમે હેમીલભાઈને ફોન કરી પૂછો કે, હું કયારે સારી થઈશ?”
મેં અગાઉ એક–બે વખત હેમીલભાઈને ફોન કર્યો હતો. ત્યારે તેમણે મને કહ્યું, “સારું થઈ જશે.”
મેં 23મીએ ડૉ. અમીનને રિપોર્ટ બતાવ્યા પછી વ્હૉટ્સેપ મેસેજ કરી પુછ્યું, “શિવાની ક્યારે સાજી થશે? જરા તેની કુંડળી જુવોને…”
સાંજે તેમનો મેસેજ આવ્યો. જેમાં હેમીલભાઈએ કેટલાક પાઠ કરવાનું કહ્યું હતું. મને સંતોષ થયો નહીં એટલે મેં તેમને ફોન જોડ્યો અને કહ્યું, “હેમીલભાઈ! શિવાનીની કુંડળીમાં તમને જે દેખાય છે તે મને સાચું કહો.”
તે એક મિનિટ માટે અટકયા. પછી મને કહ્યું, “તમે મારા મિત્ર છો એટલે સાચું કહેવાનું સારું લાગતું નથી.”
મેં કહ્યું, “તો પણ મને કહો.”
તેણે માત્ર એટલું જ કહ્યું, “શિવાનીબહેનનો આત્મા સદ્ગતિએ જાય તેવી પ્રાર્થના કરો.”
હું હલી ગયો. તે રાતે અચાનક શિવાનીને યાદ આ આવ્યું. તેણે મને પુછ્યું, “તમે હેમીલભાઈને મેસેજ કર્યો હતો, તેનો જવાબ આવ્યો કે નહીં?”
હું શું કહું? તે મને સમજાયું નહીં. મેં તરત કહ્યું, “બસ, આ જાન્યુઆરી મહિનો પૂરો થાય એટલે સારો સમય શરૂ થાય છે. પછી વાંધો નહીં આવે.”
હું ખોટું બોલી રહ્યો હતો, પણ તેને મારા શબ્દો ઉપર ભરોસો હતો એટલે જ તે સ્વસ્થ હતી. પણ હવે શિવાનીને ચોવીસ કલાક ઓક્સિજન આપવો પડતો હતો. સતત ઓક્સિજન મશીન ચાલું રહેવાને કારણે તે ગરમ થઈ જતાં હતાં. એટલે જે મિત્રો પાસે હતાં તેમની પાસેથી લાવી ઘરમાં ત્રણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મૂકી દીધાં હતાં. મારી સાથે નવજીવન ન્યૂઝમાં મારો એક સાથી છે, જયંત દાફડા. તેની પત્ની કિંજલ નર્સ છે. તે બંને ઘરે આવ્યાં. કિંજલની સલાહ એવી હતી કે, જો શિવાનીને બાયપૅપ ઉપર લઈએ તો સુધારો થવાની શક્યતા છે. એટલે ઘરે બાયપૅપ મશીન લાવી તેને બાયપૅપ ઉપર રાખી હતી. શિવાનીને મળવા વિવેક દેસાઈ અને તેની પત્ની શિલ્પા પણ રોજ આવતાં હતાં. શિલ્પાને જ્યોતિષની સારી સમજ, તેણે મને કહ્યું, “શિવાની પાસે વિષ્ણુશહસ્ત્ર નામનો પાઠ શરૂ કર.”
મને ખરાબ લાગ્યું. કારણ કે બધાં શિવાની જઈ રહી છે; તે વાત તરફ ઇશારો કરી રહ્યાં હતાં. જે મને નહોતું ગમતું. મારા સાથી કિરણ, તેની પત્ની હેમલ પણ શિવાનીને મળવા આવતાં. શિવાની હેમલ પાસે કોઈક નવી વાનગી બનાવી લાવ; તેવો આગ્રહ કરતી. જોકે તે કંઈ જ ખાઈ શકતી નહોતી છતાં મગાવતી હતી.
આમ તો શિવાની આખી રાત સૂતી જ નહોતી, પણ તે દિવસે 28મી ડિસેમ્બર હતી. શિવાનીએ મને કહ્યું, “હવે મારાથી બાથરૂમ સુધી જવાશે નહીં. હવે તમે બેડ–પેન લઈ આવો.”
હું તેને સમજાવી રહ્યો હતો કે, જો તું પથારીમાં હવે બધી ક્રિયા કરીશ તો કોઈ દિવસ ઊભી થઈશ નહીં. પણ તેણે કહ્યું, “બસ, હવે મારી તાકાત રહી નથી.”
ત્યારે અમારા રૂમમાં આકાશ આવ્યો. તેણે બેડ–પેનની વાત સાંભળી અને તે ગુસ્સે થયો. શિવાની રડવા લાગી. ખરેખર તો આકાશનો ગુસ્સો શિવાનીને ઊભી કરવા માટે હતો, પણ મને સમજાઈ ગયું કે હવે તે ઊભી થશે નહીં. શિવાનીની સ્થિતિ જોતાં તે જ દિવસે પ્રાર્થનાએ ક્લિનિકમાં જાણ કરી કે, હું નોકરી છોડી દઉં છું. પ્રાર્થનાએ નોકરી છોડી દીધી. આકાશ ગયો પછી શિવાનીએ મને કહ્યું, “આકાશ ગુસ્સે થયો એ મને ગમ્યું નહીં.”
મેં કહ્યું, “એ તારા સારાં માટે કહે છે, પણ કંઈ વાંધો નહીં. તું બાથરૂમ જઈ શકતી નથી; હું તારું બધું જ કરીશ.”
હું ભૂમિ અને પ્રાર્થના હવે તેને બધી ક્રિયા બેડ ઉપર જ કરાવતાં હતાં. તેનાં કપડાં બદલાવું તેની સાથે એની ચામડી પણ નીકળી જતી હતી. તે દિવસે શનિવાર હતો. શિવાનીએ મને કહ્યું, “કષ્ટભંજન પાસે જઈ આવો અને મારા માટે વાત કરતા આવજો.”
હું મારા મિત્ર નીતિન શાહ સાથે સાંજે મંદિરમાં ગયો. ત્યારે મંદિરમાં આરતી ચાલતી હતી. હું આરતીમાં ઊભો રહ્યો પણ હું મને રોકી શક્યો નહીં. નાનાં બાળકની જેમ ભગવાન સામે રડ્યો. હમણાં સુધી હું ભગવાનને કહેતો હતો કે, તેને બચાવી લે. પણ પહેલી વખત રડતાં રડતાં હાથ જોડીને કહ્યું, “જો તેનું બચવું શક્ય નથી તો તેને હવે મુક્તિ આપ.”
હું મંદિર જઈ પાછો આવ્યો. શિવાનીએ મારી સામે જોયું અને તરત પુછ્યું, “તમે રડ્યા છો?”
મેં કહ્યું, “ના.”
તેણે કહ્યું, “રડશો નહીં. આ દિવસો પણ જતા રહેશે.”
મને ખબર નહીં, આ સ્થિતિમાં પણ તેની પાસે આટલી હિંમત ક્યાંથી આવી હશે? જેનાથી તે મને કહી રહી હતી કે, આ દિવસો પણ જતા રહેશે અને તે પાછી સાજી થઈ જશે.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796