પ્રશાંત દયાળ (શિવા. ભાગ-37): ઓગષ્ટ 2024ની વાત છે. હું અમદાવાદ પોલીસ કમિશ્નર (Ahmedabad Police Commissioner) ઑફિસ હતો. મને મારી દીકરી પ્રાર્થનાનો ફોન આવ્યો. તેણે કહ્યું, “મમ્મી રડે છે.”
મેં પુછ્યું, “કેમ?”
જવાબ મળ્યો, “તેને ફેફસાંમાં દુઃખે છે.”
શિવાનીએ (Shivani Dayal) આટલાં વર્ષો જે પીડા સહન કરી, તેમાં ક્યારેય તે રડી નહોતી. તેની પીડા જોઈ હું શિવાનીને કહેતો, તારા બદલે મારા ભાગે આટલી પીડા આવી હોત તો હું આત્મહત્યા કરી લેતો! તે કહેતી, મરવું કોઈ ઉકેલ નથી. પણ આજે તે રડી રહી હતી! તેનો અર્થ કે, તેની પીડા અસહ્ય હશે. હું તરત ઘરે પહોંચ્યો અને ડૉ. તુષાર પટેલ સાથે વાત કરી. તેમણે મને ફોન ઉપર જે દવા આપવાની સૂચના આપી, તે દવા લીધા પછી તેને રાહત થઈ. પણ ખૂબ સારું છે, તેવું કહી શકાય એમ નહોતું. અમે હિતેનભાઈનાં દવાખાને પહોંચ્યાં. ડૉ. હિતેન તો અમેરિકા ગયા હતા, પણ તેમના સ્થાને ડૉ. હર્ષ હતા. તેમણે એક્સ–રે કઢાવ્યા અને રિપોર્ટ કરાવ્યા. શિવાની જ્યારે ડૉ. હિતેન પાસે જાય ત્યારે તેનો એક સવાલ એવો હોય કે, ડૉક્ટર હું દુબઈ ફરવા જઈ શકું કે નહીં? તેનો કાયમી પ્રશ્ન સાંભળી ડૉ. હિતેન હસવા લાગતા અને કહેતા, ત્યાં તબિયત બગડશે તો? ભારત જેવી મેડિકલ સુવિધા ક્યાંય નથી. પણ શિવાનીને એક ફોરેન ટૂર તો કરવી જ હતી. જ્યારે તે ડૉ. હર્ષને મળી ત્યારે પણ તેનો દુબઈનો પ્રશ્ન ઊભો જ હતો, પણ શિવાનીના રિપોર્ટ જોઈ ડૉ. હર્ષ જોશીએ મને કહ્યું હતું કે, સ્થિતિ સારી નથી.
21 સપ્ટેમ્બર 2024ના રોજ શિવાનીનો જન્મદિવસ હતો. તેના બીજા જ દિવસે, 22મી સપ્ટેમ્બરના રોજ તેની તબિયત બગડી અને તેનું ઓક્સિજન લેવલ 48 થઈ ગયું. તે હોસ્પિટલાઇઝ થઈ; બાયપૅપ લગાવ્યું; એક અઠવાડિયું રહીને તે ઘરે પાછી ફરી. ઘરે આવ્યાં પછી તે ખુશ હતી. હજી તેનાં શરીરમાં તાકાત નહોતી, પણ બીમારી સામે લડી લેવાં માટે મન બરાબર તૈયાર હતું. તેનું વજન ખાસ્સું ઊતરી ગયું હતું. તે સપ્ટેમ્બર મહિનામાં 24 કિલોની થઈ ગઈ હતી છતાં તેના અવાજમાં રણકો હતો. હોસ્પિટલમાંથી આવ્યાં પછી તે ઘરમાં એકલી ફરી શકતી હતી, પોતાનું નાનું કામ તેનાથી થઈ જતું હતું, તેને કોઈની મદદની જરૂર નહોતી છતાં તેની નબળાઈ જોતાં તે પડી જાય નહીં; તેવી તકેદારી રાખવી પડતી હતી. હજી તેને હોસ્પિટલમાંથી ઘરે આવ્યે દસ દિવસ થયા હતા. રાતે જમ્યા પછી તેણે મને કહ્યું, “આપણે ચક્કર મારવા જઈશું?”
મને સારું લાગ્યું. કારણ કે તે પોતાને તૈયાર કરી રહી હતી. મેં કહ્યું, “હા. પણ કેવી રીતે જઈશું?”
તેણે કહ્યું, “બુલેટ ઉપર જ ને…”
અમે બુલેટ લઈ રાતે અમદાવાદ શહેરના રસ્તા ઉપર ફરવા નીકળ્યાં. બસ, શિવાનીની આ હિંમત મને વિશ્વાસ અપાવી રહી હતી કે, તારી શિવાનીને કંઈ થશે નહીં. આમ પણ શિવાનીની ઊંઘ પહેલેથી ઓછી જ હતી, પણ હોસ્પિટલમાંથી આવ્યાં પછી તે સવારે પાંચની આસપાસ મારો હાથ ધીમેથી પકડે. તેનો સ્પર્શ થતાં હું એકદમ જાગી જતો. કારણ કે મને ચિંતા રહેતી કે, શિવાનીને મારી જરૂર હોય ત્યારે જ મને ઊંઘ લાગી જાય તો! હું તેને તરત પુછતો, “શું થયું?”
તે ધીમા અવાજે સામે પુછતી, “તમારી ઊંઘ થઈ ગઈ છે?”
હું પુછતો, “કેમ?”
તે કહેતી, “ચ્હા પીવા જઈશું?”
હું તેને હા પાડતો. વહેલી સવારે અમદાવાદના ખુલ્લા રસ્તા ઉપર બુલેટ કે કારમાં નીકળવું શિવાનીને ખૂબ ગમતુ હતું. હું અને શિવાની મારી નવી થાર ગાડી લઈને ચ્હા પીવા નીકળતાં. ક્યારેક સરદાર પટેલ સ્ટેડિયમ બહાર આવેલી ચ્હાની કીટલી ઉપર તો ક્યારેક લાલદરવાજાની જાણીતી લકી ટી સ્ટોલ પર જઈ ચ્હા પીતાં. ત્યારપછી અમે ભદ્રકાળી માતાનાં દર્શન કરતાં. ત્યાંથી નારણઘાટ પહોંચી કષ્ટભંજન દેવના દર્શન કરતાં. આ મંદિરમાં સવારે મંદિરની ગાયોને ચારો આપવા માટે ગૌશાળામાંથી બહાર કાઢી એક જગ્યાએ બાંધવામાં આવતી હતી. ક્યારેક હું અને શિવાની ગાયનો ચારો આપી તેમની નજીક બેસી રહેતાં હતાં. આમ લગભગ ઓક્ટોબર મહિનો સારો રહ્યો, પણ નવેમ્બર મહિનો શરૂ થતાં ફરી તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તેને ફરી ઇન્ફેક્શન લાગ્યું.
હું અને આકાશ શિવાનીને લઈ ડૉ. હિતેન અમીન પાસે પહોંચ્યા. તે અમેરિકાથી પાછા આવી ગયા હતા. બીજી વખત ઇન્ફેક્શન થતાં મને ચિંતા થઈ હતી. ડૉ. હિતેન અમીને શિવાનીને તપાસી દવાઓ આપી. ઊભા થતાં જ્યારે મેં તેમને પુછ્યું, કેટલા આપવાના? ત્યારે તેમણે મને કન્સલટેશન ફી લેવાની ના પાડી. તેમનો ચહેરો ગંભીર હતો. હું શિવાનીને લઈ ચેમ્બરની બહાર નીકળ્યો. આકાશ તેની કાર લેવા માટે બહાર ગયો. કાર આવે ત્યાં સુધી અમારે વેઇટિંગ રૂમમાં બેસવાનું હતું ત્યારે ડૉ. હિતેન અમીનનો સહાયક સ્ટાફ બહાર આવ્યો. તેમણે મને કહ્યું, “સાહેબ બોલાવે છે.”
હું પાછો અંદર ગયો. ડૉ. હિતેન અમીને કહ્યું, “જુઓ દયાળ, હવે બહેન પાસે સમય નથી. ધ્યાન રાખજો.”
હું કંઈ બોલી શક્યો નહીં. હું ચેમ્બરની બહાર આવ્યો, શિવાનીએ તરત મને પુછ્યું, “કેમ તમને પાછા બોલાવ્યા?”
મેં કહ્યું, “એક દવા બદલવાની હતી.”
અમે ત્રણે કારમાં પાછા આવ્યાં. હું શિવાનીને અમારા રૂમમાં લઈ ગયો. તેને સુવડાવી તરત બહારના રૂમમાં આવ્યો. કારણ કે હું ક્યારનો મારું રડવાનું અટકાવી તેની સાથે બેઠો હતો. બહારના રૂમમાં આવતાં મારી આંખમાંથી આંસુ સરવા લાગ્યાં. ડૉકટરે જે કહ્યું હતું તે મેં આકાશને કહ્યું. તે મને હિંમત આપી રહ્યો હતો, પણ મને અંદરથી એવો ભરોસો હતો કે, શિવાનીની આંતરિક તાકાત અને જિજીવિષા એટલી મજબૂત છે કે તે મેડિકલ સાયન્સને ખોટું પાડશે. મારે કોઈ પણ કિંમતે શિવાનીને ઊભી કરવી હતી.
મેં તો 22 સપ્ટેમ્બરથી ઑફિસ જવાનું બંધ કરી દીધું હતું, પણ તે મને આસપાસ જુવે નહીં એટલે ડરી જતી હતી. હું અડધો કલાક માટે પણ બહાર ગયો હોઉં તો તે મને તરત સવાલ કરતી, ક્યાં ગયા હતા? તે મને કહેતી, “હમણાં મને છોડી ક્યાંય જતા નહીં. મને કંઈ થશે અને તમે મારી પાસે હશો તો મને બચાવી લેશો.”
તેનો મારા તરફનો આ અઢળક ભરોસો મને ડરાવી દેતો હતો. કારણ કે હું તેને કેવી રીતે સમજાવું કે, તું સો વર્ષ જીવે તેવી મારી ઇચ્છા છે, પણ હું ભગવાન નથી! હું શિવાનીની સાથે જ રહેતો હતો. તેને એક મિનિટ પણ છોડતો નહોતો. કારણ કે હવે તેનું શરીર ક્ષીણ થઈ રહ્યું હતું. એક રાતે તે મને કહ્યા વગર બાથરૂમમાં ગઈ અને ત્યાં જ બેસી ગઈ. સારુ હતું કે બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો એટલે તેણે કડી ખખડાવી મારું ધ્યાન દોર્યું. પછી તેને તાકીદ હતી કે, તે એકલી ઊભી થશે જ નહીં. હવે તે સવારે ઊઠે ત્યારથી લઈ રાતે સૂઈ જાય ત્યાં સુધી હું તેની સાથે જ રહેતો હતો. તે એટલી દુબળી થઈ ગઈ હતી, મને લાગતું કે, આકાશ, ભૂમિ કે પ્રાર્થના તેને કપડાં વગર જોઈ જશે તો ડરી જશે! એટલે શિવાનીનાં સ્નાન સહિત તમામ જવાબદારી હું જ સંભાળતો. અમારો રૂમ બંધ કરી, શિવાનીને તૈયાર કરી બહાર લાવું પછી જ દરવાજો ખોલતો હતો.
17 નવેમ્બરના રોજ પ્રાર્થનાનો જન્મદિવસ હતો. એ તેને બરાબર યાદ હતો. તે દિવસે તેણે પ્રાર્થનાને કહ્યું, “મારું પર્સ આપ.”
પ્રાર્થનાએ તેને પર્સ આપ્યું. તેમાંથી તેણે પાંચહજાર રૂપિયા કાઢી પ્રાર્થનાને આપ્યા અને કહ્યું, “તારે જે લાવવું છે તે લઈ આવજે.”
આમ માનસિક રીતે તે ઘર અને તેનાં જીવનની એક એક ઘટના સાથે સંકળાયેલી હતી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796