પ્રશાંત દયાળ (શિવા. ભાગ-20): કાશ્મીરના પ્રવાસેથી પાછો ફર્યો તે જ દિવસે સમાચાર મળ્યા હતા કે, ભાસ્કરનું મૅનેજમેન્ટ કોઈ કાગળ પર તમામ સ્ટાફનું એક સોંગદનામું લઈ રહ્યું છે. પણ એ ઘટના શું હતી? તેની મને ખબર નહોતી. હું અમદાવાદ (Ahmedabad) આવી બીજા દિવસે ઑફિસ પહોંચ્યો ત્યારે બધા રિપોર્ટર્સ મારી રાહ જોઈ રહ્યા હતા. તેજસ મહેતા કોર્ટ રિપોર્ટિંગ કરતો હતો. તેણે પત્રકારત્વનો અભ્યાસ વિદેશમાં કર્યો હોવાથી તેને અન્ય રિપોર્ટર કરતાં કાયદાની સમજ વધારે સારી હતી. મામલો એવો હતો કે, જેમ સરકારી કર્મચારી માટે પગારપંચ આવે છે; તેવું જ પગારપંચ પત્રકારો માટે પણ આવે છે. આમ તો આખો મામલો 2011નો હતો. 2011માં ભારત સરકારે જસ્ટિસ મજેઠિયાના અધ્યક્ષપદે એક પગારપંચની રચના કરી હતી. જે પંચે નક્કી કર્યું હતું કે, દેશના પત્રકારોનો પગાર કેટલો રહેશે? જોકે જસ્ટિસ મજેઠિયાની જે ભલામણો હતી એ ભારત સરકારે તો સ્વીકારી હતી, પણ દેશના અખબાર માલિકોને લાગ્યું હતું કે પગાર ખૂબ વધારે છે. એટલે દેશના અખબાર માલિકો સાથે મળી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ગયા હતા. 2014માં તેનો ચુકાદો આવ્યો; જેમા માલિકો હારી ગયા. હવે દેશના પત્રકારોને મજેઠિયા પંચની ભલામણ પ્રમાણે પગાર ચુકવવાનો હતો. જેની સામે ભાસ્કર (Divya Bhaskar) મૅનેજમેન્ટ પોતાના સ્ટાફ પાસે એક ડેક્લરેશન પર સહી લેતું હતું. જેમાં લખ્યું હતું કે— અમારે આ પગાર વધારો જોઈતો નથી.
અમદાવાદ ભાસ્કરને બાદ કરતાં જે ગુજરાતી અખબારો હતા; તે અખબારો કરતાં ભાસ્કરના પત્રકારોનો પગાર વધુ સારો હતો. છતાં મજેઠિયા પંચની ભલામણ કરતાં તો ઓછો જ હતો. પંચની ભલામણ અનુસાર ચીફ રિપોર્ટરનો પગાર માસિક એંસી હજાર જોઈએ. પણ મારો પગાર તો લગભગ સવા લાખ હતો. આમ મારા કેસમાં તો પંચની ભલામણ કરતાં પગાર વધારે હતો. તેથી આ મુદ્દે મને કોઈ જ નુકસાન નહોતું. પરંતુ મારા સાથી રિપોર્ટર્સના પગારમાં થોડો વધારો થવાનો અવકાશ હતો. બધા સાથે વાત કર્યા પછી ચીફ રિપોર્ટર હોવાને નાતે મેં કહ્યું, “જુઓ, મને કોઈ આર્થિક નુકસાન નથી. છતાં તમારા મુદ્દે હું જરૂર વાત કરીશ. જ્યાં સુધી ડેકલેરેશન પર સહી કરવાનો સવાલ છે; ત્યાં સુધી આ પ્રકારની સહી લેવી એ આપણા મૂળભુત અધિકારની વિરુદ્ધ છે; એટલે તમારે સહી કરવાની જરૂર નથી.”
સાંજ સુધી તો મામલો દિવ્ય ભાસ્કરની હૅડ ઑફિસ સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ એડિશનના એડિટર મનિષે મને બોલાવ્યો. મને કહ્યું, “શું મામલો છે?”
તે મારો મિત્ર હતો એટલે અમારી વચ્ચેનો સંવાદ મિત્રતાના નાતે જ હતો. મેં કહ્યું, “જો, જ્યાં સુધી મારો સવાલ છે; ત્યાં સુધી મને પગારપંચનો કોઈ ફાયદો નથી. મૂળ વાત બીજા રિપોર્ટર્સની છે. તેમને પંચની ભલામણ પ્રમાણે પગાર મળતો નથી. એ વાત પણ એટલી જ સાચી છે. તેની સાથે બીજા ગુજરાતી અખબાર કરતાં ભાસ્કર વધુ પગાર આપે છે, તેની પણ આપણે કદર પણ કરીએ છીએ.”
મનિષે મને અટકાવતાં કહ્યું, “તને બધી જ ખબર છે; તો તારા રિપોર્ટર્સને કહી દે કે ડેકલરેશન પર સહી કરી દે.”
મેં કહ્યું, “મનિષ! પહેલાં તો પંચ પ્રમાણે પગાર મળે એવી કોઈપણ રિપોર્ટરની ઇચ્છા હોય. પણ જો તેવું થતું નથી, તો કંઈ વાંધો નહીં. પણ આપણે કોઈ રિપોર્ટરને એવું કહીએ કે, મારે પગાર વધારો જોઈતો નથી— તેવું લખી આપ. તે વાજબી નથી.”
મારા અને મનિષ વચ્ચે લાંબો સંવાદ થયો. અમે બંને પોતાનો પક્ષ મુકતા રહ્યા. આખરે મામલો સ્ટેટ એડિટર અવનીશ જૈન પાસે પહોંચ્યો. અવનીશ જૈન ભલા માણસ, પણ આખરે તો તેઓ પણ ચીઠ્ઠીના ચાકર હતા. તેમને ભોપાલ ઑફિસથી એક લીટીનો સંદેશો મળ્યો હતો; તેનો અમલ કરાવવાનો હતો. અવનીશ જૈને પણ પોતાની ટિપીકલ હિન્દી ભાષામાં મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, હું અને મારા સાથીઓ નાહકનો અહમ્નો મુદ્દો બનાવીએ છીએ. તેમની દલીલ હતી કે, ભાસ્કર તો બીજા અખબાર કરતાં વધુ જ પગાર આપે છે; તો પછી સહી કરી આપવામાં ક્યાં વાંધો છે? જોકે અમે બંને એકબીજા સાથેની વાત સાથે સંમત થયા નહીં.
દિવ્ય ભાસ્કર દેશનાં વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક ભાષામાં અખબાર પ્રસિદ્ધ કરે છે. એટલે બીજા રાજ્યોમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ કે, અમદાવાદ ઑફિસના રિપોર્ટર્સે ભાસ્કર મૅનેજમેન્ટ સામે લડાઈની તૈયારી કરી છે. આ સમાચારના પગલે ભોપાલથી અન્ય અધિકારીઓ પણ અમદાવાદ દોડી આવ્યા. તેમણે મારી સાથે મીટિંગોનો દૌર શરૂ કર્યો. એક મીટિંગમાં તો મને સીધો સવાલ પુછી લેવામાં આવ્યો કે, તમે સામ્યવાદી વિચારધારામાં માનો છો?
મેં કહ્યું, “સવાલ સામ્યવાદનો નથી. સવાલ અધિકારનો છે. અને આ એવા અધિકારની વાત છે; જે અધિકારની વાત આપણે આપણા સમાચારમાં કરતા હોઈએ છીએ. લોકોને અન્યાય થાય ત્યારે આપણે પત્રકાર તરીકે લોકોનો અવાજ બનીએ છીએ. આજે પત્રકારો પોતાની વાત કરે છે ત્યારે આપણે બળવો માની લઈએ તે વાજબી નથી.”
અમારી આખરી વાત હતી કે, મજેઠિયા પગાર પંચ મુજબ પગાર નથી આપવો તો કંઈ વાંધો નહીં, પણ અમારી પાસે સહી લેવાનો આગ્રહ પણ એમણે પડતો મુકવો જોઈએ. પરંતુ તેના માટે ભાસ્કર મૅનેજમેન્ટ તૈયાર નહોતું. તેમને લાગ્યું કે, વિરોધી સૂરને ડામી દેવો જરૂરી છે. વાત પ્રેમ અને સમજદારીથી પૂરી થાય તેમ હતી, પણ તેવું થયું નહીં. આખરે અમદાવાદના રિપોર્ટર્સને સમજાવવાની જવાબદારી સૂરતના એડિટર પ્રણવ ગોલવલકરને સોંપવામાં આવી.
હું અને પ્રણવ સાથે રિપોર્ટિંગ કરતા હતા ત્યારથી સાથી હતા. તેણે મને સૂરતથી અમદાવાદ આવતા પહેલાં ફોન કર્યો અને કહ્યું, “હું અમદાવાદ આવી તારા રિપોર્ટર સાથે મીટિંગ કરવાનો છું, પણ એ મીટિંગમાં તું હાજર રહેતો નહીં.”
મેં પુછ્યું, “કેમ?”
તેણે પોતાનો તર્ક આપતાં કહ્યું, “સહી નહીં કરવાનો નિર્ણય તારા રિપોર્ટર્સનો નથી. એ બધા જ તારા પ્રભાવમાં ન્યાયની વાત કરી રહ્યા છે.”
મેં કહ્યું, “ભલે. તું જેમ કહીશ તેવું કરીશું.”
મેં મારા રિપોર્ટર્સને સંદેશ આપ્યો કે તમારી સાથે પ્રણવ વાત કરશે અને તમારો કોલ તમારે લેવાનો છે. કારણ કે આખો મુદ્દો તમારા પગારનો છે. પ્રણવની સૂચના હતી એટલે સાંજે હું મારું કામ પૂરું કરી ઘરે જતો રહ્યો. અમદાવાદના સી.જી. રોડ પર આવેલી ભાસ્કરની ઑફિસમાં મોડી રાત સુધી મીટિંગ ચાલતી રહી. મોડી રાતે મને મીટિંગમાં રહેલા એક રિપોર્ટરનો ફોન આવ્યો કે, મંત્રણા પડી ભાંગી છે. બંને પક્ષ કોઈ વાત પર એકમત થતા નથી. ત્યારે રાતના બે વાગી રહ્યા હતા. રિપોર્ટરનો ફોન મૂકી હું સૂઈ જવાની તૈયાર કરતો હતો ત્યારે પ્રણવ ગોલવલકરનો ફોન આવ્યો, “તું ઘરે જ છેને? હું આવું છું. મારે તારી સાથે વાત કરવી છે. ”
મેં જોયું કે રાતના બે વાગી રહ્યા હતા. શિવાનીએ મને પહેલી વખત પુછ્યું, “શું થયું છે?”
હમણાં સુધી મજેઠિયા પગાર પંચ મુદ્દે જે કંઈ થઈ રહ્યું હતું, તેની વાત મેં શિવાનીને (Shivani Dayal) કરી નહોતી. મેં ટુંકાણમાં આખો મુદ્દો શિવાનીને સમજાવ્યો. મુદ્દો ખૂબ અટપટો હતો. ખબર નહીં તે કેટલી વાત સમજી હતી? હું શિવાનીને આ વાત કરી રહ્યો હતો ત્યારે મારા ઘરની ડૉરબેલ વાગી; દરવાજો ખોલ્યો; સામે પ્રણવ ઊભો હતો.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796