પ્રશાંત દયાળ (શિવા. ભાગ-19):2004માં હું અમદાવાદ (Ahmedabad) દિવ્ય ભાસ્કરમાં કામ કરતો હતો. ત્યારે મારી પાસે માત્ર મોટર સાયકલ જ હતી. ઘણી વખત બહાર જઈએ ત્યારે આકાશ અને શિવાની (Shivani Dayal)કોઈ મિત્રની કાર તરફ જોતાં ત્યારે મને થતું કે, મારી પાસે પણ એક કાર હોય તો કેવું સારું! પણ એ સમયે મારી પાસે કાર ખરીદવાની વ્યવસ્થા નહોતી. મારું ખાતું નૂતન નાગરિક બૅંકમાં (Nutan Nagarik Sahakari Bank) હતું. બૅંકના મૅનેજર પંકજભાઈ સાથે મારે મિત્રતા હતી. એક દિવસ બૅંકમાં ગયો ત્યારે મેં પંકજભાઈને પુછ્યું, “મને કાર માટે લૉન મળે?”
તેમણે કહ્યું, “તમારી પૅ સ્લીપ લઈ આવજો.”
બીજા દિવસે હું પૅ સ્લીપ લઈને ગયો. તેમણે મારી સ્લીપ જોઈને કહ્યું, “તમને ત્રણ લાખ સુધી લૉન આપી શકાય. બાકીનું તમારે ડાઉન પૅમેન્ટ ભરવું પડે.”
એ સમયે મારી પાસે પચાસ હજારની બચત હતી. કાર ખરીદવાની વાત મેં શિવાનીને કરી નહોતી. હું કાર જોવા માટે શૉ–રૂમમાં ગયો. મેં વિવિધ મૉડલની કાર જોઈ, પણ સસ્તામાં સસ્તી કારનું મૉડલ ચાર લાખનું હતું. મને ત્રણ લાખની લૉન મળે અને પચાસ હજાર રોકડા આપું તો પણ મારો હિસાબ બેસતો નહોતો. હું મુંઝાઈ ગયો. મને લાગ્યું કે, હું કાર લઈ શકીશ નહીં. હું શૉ–રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો. મારો ચહેરો જોઈ સેલ્સ રિપ્રેઝન્ટેટિવે પુછ્યું, “તમારો પ્રોબ્લેમ કહેશો? તો હું કંઈક રસ્તો બતાવી શકું.”
મેં કહ્યું, “મારી પાસે પચાસ હજાર છે અને લૉન મને ત્રણ લાખની જ મળે એમ છે. કારનું બેઝિક મોડલ પણ ચાર લાખથી શરૂ થાય છે, એટલે મારા બજેટની બહારની વાત છે. તેણે કહ્યું, “ચિંતા ન કરો. એક રસ્તો બતાવું.”
તેણે મને રસ્તો બતાવતાં કહ્યું, “જો તમને વાંધો ન હોય તો કાર ટેક્સી કૉટામાં ખરીદો.”
હું એ માણસની સામે જોઈ રહ્યો. તેણે કહ્યું, “ટેક્સી કૉટામાં કાર ખરીદો તો ભારત સરકાર એક્સાઇઝ ડ્યૂટીમાં માફી આપે છે. ફરક માત્ર એટલો રહેશે કે, તમારી કારની નંબરપ્લેટ પીળા રંગની આવશે.”
મેં પુછ્યું, “એનાથી શું ફેર પડે?”
તેણે હસતાં હસતાં કહ્યું, “તમને ફેર ન પડે તો કંઈ જ વાંધો નથી. માત્ર તમારી કાર ટેક્સી જેવી દેખાશે.”
મેં કહ્યું, “અરે ભાઈ! ટેક્સી લાગે કે પ્રાઇવેટ; આપણે તો કાર ચલાવવાથી નિસ્બત છે.”
એ રીતે મેં મારી પહેલી કાર ટેક્સી કૉટામાં લીધી. કાર લઈ હું ઘરે પહોંચ્યો. મેં નીચેથી જ શિવાનીને બૂમ પાડી; તે બાલ્કનીમાં આવી. હું નવી કાર લઈને ઊભો હતો. હું તેની સામે જ જોઈ રહ્યો. તેણે કાર જોઈ, પછી મને જોયો. તેને કંઈ ખબર પડી નહીં. તેના ચહેરા પર આશ્ચર્ય હતું. મેં કહ્યું, “આપણી કાર છે.”
તેના ચહેરા પર એકદમ ખુશી દોડી આવી. જોકે હજી તે સાચું માની રહી નહોતી. મેં તેને કહ્યું, “આરતીની થાળી લઈ આવ.”
તે નીચે આવી અને હળવા હાથે કારને સ્પર્શ કર્યો. મેં કહ્યું, “આ સ્વપ્ન નથી… હકિકત છે!”
હું, શિવાની, આકાશ અને પ્રાર્થના તે કારમાં મહારાષ્ટ્રના પ્રવાસે નીકળ્યાં. અષ્ટ વિનાયક અને શનિ સિંગણાપુરના દર્શન કર્યા. આમ જીવનમાં અનેક સંઘર્ષની વચ્ચે પણ અમે મન ભરીને જીવ્યાં, તેની ઘણી યાદો છે.
2013માં હું ટાઇમ્સ ઑફ ઇન્ડિયા છોડી ભાસ્કરમાં આવ્યો. ટાઇમ્સની ગ્રેચ્યુઇટી અને પી.એફ.ના પૈસા આવ્યા હતા. દસ વર્ષ પહેલાં ખરીદેલી કાર જૂની થઈ ગઈ હતી એટલે નવી સ્કોર્પિઓ કાર ખરીદી. અમે બુલેટ ઉપર રાજસ્થાનનો પ્રવાસ તો કર્યો હતો. હવે મારે શિવાનીને લઈ ખૂબ ફરવું હતું. કારણ કે ઘરના સંજોગોને કારણે પહેલાં એવી તક મળી જ નહોતી. 2014માં અમે કાશ્મીર ફરવા જવાનો પ્લાન કર્યો.
રેલવે ટુરિઝમ કૉર્પોરેશનમાં ટિકિટ બુક કરાવી અમે ચારે કાશ્મીર ફરવા ગયાં. શિવાની, આકાશ અને પ્રાર્થના ખૂબ ખુશ હતાં. કારણ કે અમારી જિંદગીની આ સૌથી પહેલી લાંબી ટૂર હતી. શ્રીનગરમાં કાતિલ ઠંડી હતી. શ્રીનગરથી અમારે સોનમર્ગ જવાનું હતું. સોનમર્ગ પહોંચ્યા પછી શિવાની બસમાં જ બેસી રહી. તેણે કહ્યું, “તમે આકાશ અને પ્રાર્થનાને લઈ જાવ.”
ત્યાં એક રોપ–વૅ હતો. તેના મારફતે ઊંચી ટેકરી ઉપર જવાનું હતું. ત્યાં બરફ પડી રહ્યો હતો. મેં શિવાનીને આગ્રહ કર્યો, પણ તેણે કહ્યું, “ના, મારાથી સહન થશે નહીં.”
હું આકાશ અને પ્રાર્થના ઊંચી ટેકરી ઉપર ગયાં. આકાશ અને પ્રાર્થનાને ખૂબ મજા આવી. સાંજે અમે શ્રીનગર પરત આવ્યાં ત્યારે શિવાની મને થાકેલી લાગતી હતી. બીજા દિવસે ફરી અમારે બસમાં ગુલમર્ગ જવાનું હતું. સવારે શિવાનીએ મને કહ્યું, “મને સારું લાગતું નથી. તમે છોકરાઓને લઈ ગુલમર્ગ જઈ આવો, હું હોટલમાં જ રહીશ.”
મેં કહ્યું, “ના. તને મૂકીને નહીં જઈએ.”
અમે તે દિવસે ગુલમર્ગ જવાનું મોકૂફ રાખ્યું. સવારના દસ વાગતા શિવાનીની તબિયત બગડી રહી હોય તેવું લાગ્યું. શ્રીનગરમાં મને કોઈ ઓળખતું પણ નહોતું. મને લાગ્યું, શિવાનીને ડૉકટર પાસે લઈ જવી પડશે. કારણ કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. અમે ચારે હોટલની બહાર નીકળ્યાં. ડૉકટર કયાં મળશે? તેની ખબર નહોતી. એક ઑટોરિક્ષાવાળા ભાઈને ઊભો રાખ્યો. મેં તેને કહ્યું, “કોઈ ડૉકટર મળશે?”
તેણે કહ્યું, “બેસી જાવ.”
અમે રિક્ષામાં બેસી ગયાં. તે શ્રીનગરની નાની ગલીઓમાંથી અમને લઈ જતો હતો. ત્યાંનો માહોલ જોઈને ડર પણ લાગતો હતો. તેણે એક જગ્યાએ રિક્ષા ઊભી રાખી અને એક મકાન તરફ ઇશારો કરતાં કહ્યું, “ડૉકટર સામે મળશે.”
અમે તે મકાનમાં ગયાં. એ ડૉ. બેગનું દવાખાનું હતું. તેઓ ચેસ્ટ ફિઝિશીયન હતા. અમારો નંબર આવ્યો એટલે અમે ડૉ. બેગની ચેમ્બરમાં ગયાં. અમે ગુજરાતથી આવ્યા છીએ; એ જાણીને તેમને અમારામાં વધારે રસ પડ્યો. તે ગુજરાત અને નરેન્દ્ર મોદી અંગે પુછવા લાગ્યા. ડૉ. બેગે શિવાનીને તપાસી અને કહ્યું, “ચિંતા કરતા નહીં. એક ઇંજેક્શન આપું છું, એનાથી સારું થઈ જશે. સાથે સાથે આ પ્રકારના દર્દીએ પહાડી વિસ્તારમાં પ્રવાસ ન કરવો જોઈએ; તેવી સલાહ પણ આપી. ત્યારે 2011 પછી બીજી વખત અમને ખ્યાલ આવ્યો કે, શિવાનીનાં ફેફસાંની સ્થિતિ સારી નથી. ડૉ. બેગે ઇંજેક્શન આપ્યું અને થોડીવારમાં શિવાનીને સારું પણ થઈ ગયું. ત્યાંથી અમારો પ્રવાસ કટરા હતો. વૈષ્ણવદેવીના દર્શન પણ કર્યા.
શિવાની, પ્રાર્થના અને આકાશ ખૂબ ખુશ હતાં. સાથે લાંબા પ્રવાસને કારણે બધાં થાકી પણ ગયાં હતાં. હવે અમે ટ્રેનમાં અમદાવાદ તરફ પાછાં ફરી રહ્યાં હતાં. બધાને મનમાં થતું હતું કે, ઘર ક્યારે આવશે? અમારી ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશન પાસે પહોંચવાની તૈયારીમાં જ હતી, અમે સાબરમતી સ્ટેશન પર જ ઉતરવાના હતાં. એ સમયે મને ભાસ્કરના રિપોર્ટર મનોજ મૌર્યનો ફોન આવ્યો. મેં કહ્યું, “બોલ મનોજ.”
તેણે મને સવાલ કર્યો, “દાદા! ભાસ્કરના અધિકારીઓ જે કાગળ ઉપર સહી કરાવે છે, તેની ઉપર સહી કરવાની કે નહીં?”
મને આખો વિષય જ ખબર નહોતો. કારણ કે હું દસ દિવસથી કાશ્મીરના પ્રવાસે હતો. મેં કહ્યું, “મને તો વિષય જ ખબર નથી, પણ હમણાં કોઈ કાગળ ઉપર સહી કરતા નહીં. હું આવતીકાલે ઑફિસ આવું પછી આપણે વાત કરીશું.”
કાશ્મીરનો એક યાદગાર પ્રવાસ કર્યા પછી જીવનમાં એક નવો વળાંક આવવાનો હતો; જેની કંઈ જ ખબર નહોતી. જીવનનો એક એવો તબ્બકો આવવાનો હતો, જ્યાં યુદ્ધ એ જ કલ્યાણ! તે દિશામાં આગળ વધવાનું હતું. બીજા દિવસે હું અમદાવાદના સી.જી. રોડ પર આવેલી ભાસ્કરની સિટી ઑફિસે પહોંચ્યો. ત્યાં બધા રિપોર્ટર મારી રાહ જોતા હતા. કારણ કે હું તેમનો ચિફ રિપોર્ટર હતો.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796