નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તાર (Bopal Ahmedabad) માંથી ભૂતકાળમાં અનેક વખત ડ્રગ્સ કેસમાં આરોપીઓ ઝડપાઈ ચૂક્યાં છે. પશ્ચિમ અમદાવાદ સિંધુ ભવન તેમજ આસપાસના વિસ્તારોમાં અનેક ઠેકાણે ડ્ર્ગ્સ અને દારૂની ડિલિવરીનું નેટવર્ક ખૂબ મોટાપાયે ચાલી રહ્યું છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અમદાવાદ ઝોન (ANTF Ahmedabad Zone) ની ટીમે બોપલના એક લકઝુરિયસ ફ્લેટમાં ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. Team ANTF ને આરોહી વીવીઆના ફ્લેટમાંથી 102.59 ગ્રામ MD Drugs, 46.64 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 8.88 ગ્રામ કોકેઈન (Cocaine) તથા વિદેશી દારૂની 6 બૉટલ અને બીયરના 24 ટીન મળ્યા છે.
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે અમદાવાદ ઝોનના પીએસઆઈ એમ. એન. આદરેજીયા (PSI M N Aadrejiya) અને તેમની ટીમે બાતમીના આધારે બોપલના આરોહી વીવીઆના ફ્લેટની બી વિંગમાં આવેલા 1203 નંબરના મકાનમાં રેડ કરી હતી. મૂળ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા જ્યોતિનગરનો નિશાંત ભાનુભાઈ સોલંકી (ઉ. 42) અને મધ્યપ્રદેશ ગ્વાલીયરની પ્રિયા ઠાકુર દીપક બાજપાઈ ફ્લેટમાં મળી આવ્યા હતા. ફ્લેટમાં તલાશી દરમિયાન એમડી, હાઇબ્રીડ ગાંજો, કોકેઈન, દારૂની સાથે એક ભાડા કરાર મળી આવ્યો હતો. શેલા મહેર હોમ્સ-3માં રહેતા પ્રિયંકા શાહે મહિને 33 હજારના ભાડાથી નિશાંતને ગત માર્ચ મહિનામાં ફ્લેટ ભાડે આપ્યો હતો. પૂછપરછમાં ગાંધીનગર અડાલજ અદાણી શાંતિગ્રામમાં રહેતો રિક, સાંડ્રા અને દિલ્હીનો ઘોસ્ટે ડ્રગ્સ આપતા હતા. જ્યારે મદાવાદ મેમ્કોમાં રહેતો અજય પટેલ દારૂનો જથ્થો પૂરો પાડતો હતો. આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ NDPS Act અને બીજી પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધવામાં આવી છે.








