કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કર્ણાટકના સાંસદ પ્રજ્વલ રેવન્ના (Prajwal Revanna) સૌથી યુવાન સાંસદ છે. 33 વર્ષના પ્રજ્વલ કર્ણાટકની હસન મતક્ષેત્રથી સાંસદ છે. તેનું સાંસદ બનવાનું એક માત્ર કારણ છે કે તેઓ પૂર્વ વડા પ્રધાન દેવ ગોડાના (H. D. Deve Gowda) પૌત્ર છે. પ્રજ્વલના પરિવારમાં સૌ કોઈ રાજકીય હોદ્દા ધરાવે છે. તેના કાકા એચ. ડી. કુમારસ્વામી (H. D. Kumaraswamy) કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી રહ્યા છે. તેના પિતા એચ. ડી. રેવન્ના પણ કર્ણાટક રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. દેવ ગૌડાનો આ પરિવારનો પક્ષ ‘જનતા દલ’(સેક્યુલર) છે. આ પક્ષમાં અને કર્ણાટક રાજ્યમાં દેવ ગૌડાનો પરિવાર દબદબો ધરાવે છે. 2019માં પોતાના પૌત્ર પ્રજ્વલ માટે ખુદ દેવ ગૌડાએ તેમની લોકસભાની હસન ક્ષેત્રની બેઠક ખાલી કરી હતી. એ રીતે પ્રજ્વલ સુરક્ષિત રીતે વિજય મેળવ્યો અને સાંસદ બન્યો. પ્રજ્વલ છેલ્લા દસ વર્ષથી પરિવારના પક્ષ ‘જનતા દલ’(સેક્યુલર) માટે કાર્ય કરતો હતો. પક્ષમાં તેનું વર્ચસ્વ વધતું ગયું તેમ તેણે મહિલાઓ સાથે જાતીય સંબંધ બાંધવાની શરૂઆત કરી. પહેલાં આ વાત પ્રજ્વલ અને રેવન્ના પરિવારના નજીકના લોકોને ખબર હતી, પરંતુ જે રીતે તે અનેક મહિલાઓ સાથે સંબંધ બાંધતો ગયો; તેમ કર્ણાટકમાં એ વાત પ્રસરવા માંડી કે પ્રજ્વલની નજીક જનારી કોઈ પણ મહિલા સુરક્ષિત નથી. વર્ષ પહેલાં તો તેના સેક્સકાંડ વિશે પક્ષના જ અન્ય લોકોએ જાહેરમાં વાત કરી. કેટલીક જગ્યાએ પ્રજ્વલના ફરિયાદના સૂર કાઢતા પત્રો પણ ગયા. જોકે પ્રજ્વલનો કાંડ અટક્યો નહીં.
પ્રજ્વલની આ કરતૂત નાટકીય રીતે સામે આવ્યો હતો. 26 એપ્રિલના રોજ હસન લોકસભા ક્ષેત્રમાં મતદાન હતું, જ્યાંથી ‘જનતા દલ’(સેક્યુલર)ના ઉમેદવાર તરીકે પ્રજ્વલ ઊભો હતો. 26 એપ્રિલે હસન ક્ષેત્રમાં મતદાન થવાનું હતું, તેના ત્રણ દિવસ પહેલાં હસન શહેરમાં અંદાજે 2000 પેનડ્રાઇવ્સ વહેંચવામાં આવી. આ પેનડ્રાઇવ્સ બસ સ્ટેશન પર ઊભેલી બસોના સીટો પર મૂકવામાં આવી હતી. લોકોને પેનડ્રાઇવ્સ મળતાં થોડા કલાકો બાદ પ્રજ્વલના ફોટો અને વિડિયો વોટ્સઅપ પર શેર થવા લાગ્યા. કલાકોમાં તો આ વાત પૂરા કર્ણાટકમાં વાયુવેગે પ્રસરી. થોડી તપાસ કર્યા બાદ એવું જાણવા મળ્યું કે આ ફોટો અને વિડિયોમાં પ્રજ્વલની સાથે દેખાતી મહિલાઓમાં સરકારી કર્મચારી, પક્ષની કાર્યકર્તાઓ અને અસંગઠિત ક્ષેત્રો સાથે જોડાયેલી મહિલાઓ સામેલ હતી. ત્યાર બાદ એક મહિલાએ પ્રજ્વલ રેવન્નાના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. તેણે ફરિયાદમાં લખાવ્યું છે કે તે રેવન્ના પરિવારના ઘરમાં કામ કરવા આવી હતી. તેનું કહેવું છે કે નોકરી શરૂ કર્યાના ચાર મહિના બાદ જ પ્રજ્વલે તેને પરેશાન કરવા માંડ્યો હતો. પ્રજ્વલની મહિલાઓ સાથે આવી જોરજબરજસ્તીની અનેક વાતો ધીરે ધીરે બહાર આવી રહી છે. પરંતુ પ્રજ્વલ અત્યારે વિદેશ ભાગી ચૂક્યો છે અને તેના વિરુદ્ધ તપાસ શરૂ થઈ ચૂકી છે. જોવાનું એ રહેશે કે કર્ણાટકના આ સેક્સકાંડમાં પીડિત મહિલાઓને ન્યાય મળશે કે નહીં.
રાજકીય નેતાઓના સેક્સકાંડની વાત નવી નથી. સમયાંતરે આવાં કાંડ જાહેરમાં આવે છે અને પછી તે ભૂલાઈ જાય છે. પ્રજ્વલના કેસમાં તે શોષણ કરતો હતો તે સાબિત થઈ ચૂક્યું છે, કારણ કે એકથી વધુ મહિલાઓ તેની સામે ફરિયાદ કરવા માટે તૈયાર છે. પરંતુ દરેક વખતે સેક્સની સીડીઓ શોષણના પુરાવા રૂપે બહાર આવતી નથી. મોટા ભાગના કિસ્સામાં રાજકીય નેતાઓને કારકિર્દીનો અંત લાવવા માટે સેક્સસીડીનો ઉપયોગ થાય છે. ગુજરાતમાં આવો સેક્સસીડીનો ઉપયોગ હાર્દિક પટેલના વિરુદ્ધ થયો હતો. છ વર્ષ પહેલાં ગુજરાત વિધનાસભાની ચૂંટણીની થોડાં દિવસો અગાઉ હાર્દિક પટેલની આવી એક સીડી આવી હતી, જે તમામ મીડિયામાં ચાલી હતી. આજે ભાજપમાં સામેલ થઈ ચૂકેલા હાર્દિક પટેલ તે વખતે ભાજપની સામે હતો અને તે ભાજપને નુકસાન પહોંચાડે તેવી શક્યતા પણ જોવાતી હતી. એ દરમિયાન આ સીડી આવી અને હાર્દિક પટેલે મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, ભાજપ નીચલા સ્તરની રાજનીતિ કરી રહ્યું છે. હાર્દિકે એમ પણ કહ્યું હતું કે સીડી સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને તે રીતે મારું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે. આ સ્તરે ભાજપ અને હાર્દિક પટેલ વચ્ચેની દુશ્મની આજે દોસ્તીમાં બદલાઈ ચૂકી છે અને હાર્દિક ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ પણ આવ્યા છે.
ગુજરાતમાં આવાં એક સીડીકાંડની ખૂબ ચર્ચા થઈ હતી તે સંજય જોષીની. તેમની કારકિર્દી સેક્સસીડી કાંડમાં પૂરું થઈ ચૂકી છે. એક સમયે ભાજપમાં મહત્ત્વનું પદ ધરાવતાં સંજય જોષી આજે જાહેર જીવનમાંથી ઓઝલ થઈ ચૂક્યા છે. બન્યું હતું એક કે 2005માં મુંબઈમાં ભાજપનું અધિવેશન હતું અને તેના થોડા કલાકો પહેલાં સંજય જોષીની સેક્સ સીડી બહાર આવી. આ સીડી બહાર આવવાથી પૂરા દેશમાં તેની ચર્ચા થઈ. આજીવન બ્રહ્મચર્ચનું વ્રત લેનારા સંજય જોષી આ સીડીમાં એક મહિલા સાથે કથિત રીતે અંતરગ ક્ષણો વિતાવી રહ્યા હતા. દોઢ કલાક લાંબી આ સીડી ગુજરાતના એક હોટલમાં હિડન કેમેરાથી રેકોર્ડ કરવામાં આવી હતી. તપાસ પરથી માલૂમ પડ્યું કે ગુજરાતની એક કુરીયર કંપનીથી તે પૂરા દેશમાં સર્ક્યુલેટ થઈ. મધ્ય પ્રદેશથી પણ આ સીડી સર્ક્યુલેટ થઈ હતી. તે પછી ઘણી વાર એવાં ન્યૂઝ પણ આવ્યા કે તે કથિત સીડીમાં સંજય જોષી નહોતા, પરંતુ સંજય જોષીની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું.
સેક્સસીડીને શસ્ત્ર બનાવી અચ્છા અચ્છા નેતાઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. આવા કાંડમાં એક વખતના વડા પ્રધાનના ઉમેદવાર તરીકે જોવામાં આવતાં બાબુ જગજીવનરામના દીકરા સુરેશ રામનું પણ નામ આવ્યું હતું. 1970ના અરસામાં બાબુ જગજીવનરામ વડા પ્રધાનપદના ઉમેદવાર હતા, તેઓ ઉપ વડા પ્રધાન રહી ચૂક્યા હતા. પરંતુ 1978માં ‘સૂર્યા’ નામનું એક મેગેઝિન આવતું હતું. તેના સંપાદક મેનકા ગાંધી હતાં. આ મેગેઝિનનાં બે પાનાં પર સુરેશ રામના એક મહિલા સાથેના અતરંગ તસવીરો છાપવામાં આવી હતી. તે પછી સુરેશ રામ ક્યારેય રાજકીય રીતે આગળ ન આવ્યા. આ ઉપરાંત દીકરાના કારણે બાબુ જગજીવનરામ પણ બેકફૂટ પર રહ્યા. તે વખતે રાજકીય ગલિયારામાં આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ હતી.
2011ના અરસામાં રાજસ્થાનનો આવા જ એક કાંડમાં મહિપાલ મદરેના નામના મંત્રી સામેલ હતા. આ પૂરી ઘટના ત્યારે સામે આવી જ્યારે રાજસ્થાનમાં સરકારી કર્મચારી ભંવરી દેવીની ગુમ થયાની ફરિયાદ દાખલ થાય છે. ભંવરી દેવી ગુમ થઈ તેનો આરોપ મહિપાલ મદરેના પર લાગે છે, પણ તે નકારે છે. આખરે મહિપાલ મદરેનાનો વિડિયો સામે આવે છે તેમાં તે મંત્રી સાથે દેખા દે છે. મહિપાલ અગાઉ ભંવરી દેવી સાથે કોઈ સંબંધ હોવાનો નકારતા રહ્યા, પણ આખરે એ સંબંધ સીડીથી ખુલ્યો અને મહિપાલ મદરેનાની ધરપકડ થઈ હતી.
કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓમાં એક વખત નારાયણ દત્ત તિવારીનું નામ આવતું હતું. તેઓ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2018માં તેમનું અવસાન થયું છે, પરંતુ 2007થી 2009 દરમિયાન જ્યારે તેઓ આંધ્ર પ્રદેશના ગવર્નર હતા ત્યારે તેમની સેક્સસીડી બહાર આવી હતી. આંધ્ર પ્રદેશના રાજભવન ખાતે નારાયણ દત્ત તિવારી ત્રણ મહિલા સાથે અતરંગ ક્ષણો વિતાવતાં જોવા મળતા હતા. આ પૂરા કેસની તપાસ થઈ તો વિગતો બહાર આવી કે આ મહિલાઓની જાતિય સતામણી પાછળ એક માઇનિંગ કરાર હતો. તિવારીએ પછી જાહેરમાં માફી માંગી હતી, પરંતુ તેઓ વિડિયો બાબતે એવું કહેતાં રહ્યા કે તેમને રાજકીય કાવાદાવામાં ફસાવવામાં આવી રહ્યા છે. તે પછી તેમને ગવર્નર તરીકે હટાવવામાં આવ્યા. જોકે તિવારી જ્યારે તેમના ઉત્તરાખંડના શહેરમાં પહોંચ્યા ત્યારે ‘તિવારી ઝિંદાબાદ’ નારા લગાવનારાઓની મોટી ભીડ જમા થઈ હતી.
કોંગ્રેસના જ આગેવાન અભિષેક મનુ સંઘવીની પણ આવો કથિત એક વિડિયો સામે આવ્યો હતો. અભિષેક કોંગ્રેસ વતી રાજ્યસભાના સભ્ય છે. આ ઉપરાંત પણ તેઓ અનેક પદો પર છે અને સાથે સુપ્રિમ કોર્ટના ગણમાન્ય વકીલોમાં તેમનું નામ લેવાય છે. થોડાં વર્ષ અગાઉ તેમની વિડિયો ક્લિપ ઇન્ટરનેટ પર આવી હતી. તેમના ડ્રાઇવરે જ આ વિડિયો તેમને બ્લેકમેઇલ કરવા ઉતાર્યો હતો. તે પછી ઘણાં સમય સુધી તેઓ જાહેરમાં દેખાયા નહોતા. રાજકારણમાં આ રીતે સેક્સ સીડીને શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવાય છે. જોકે પ્રજ્વલના રેવન્ના કેસ શોષણનો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796