Friday, July 3, 2026
HomeNationalસબરીમાલા રેફરન્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, ઐતિહાસિક ચુકાદો હવે અનામત

સબરીમાલા રેફરન્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, ઐતિહાસિક ચુકાદો હવે અનામત

- Advertisement -

સબરીમાલા રેફરન્સ કેસમાં સુપ્રીમ કોર્ટમાં લાંબી મેરેથોન સુનાવણી પૂર્ણ થઈ છે. દેશના ધાર્મિક અધિકારો, સમાનતા અને બંધારણીય મર્યાદાઓ સાથે જોડાયેલા આ અત્યંત મહત્વના કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ મામલે 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સમક્ષ કુલ 16 દિવસ સુધી વિસ્તૃત સુનાવણી ચાલી હતી.

આ કેસ માત્ર કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશભરમાં ધાર્મિક પરંપરાઓ અને બંધારણીય અધિકારો વચ્ચેનું સંતુલન કેવી રીતે નક્કી કરવું તેવો મોટો પ્રશ્ન બની ગયો છે.

- Advertisement -

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં 9 જજોની બંધારણીય બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપીને સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર લાગેલો પ્રતિબંધ અસંવિધાનિક ગણાવ્યો હતો. ત્યારબાદ આ ચુકાદા વિરુદ્ધ અનેક પુનર્વિચાર અરજીઓ દાખલ થઈ હતી અને મુદ્દો મોટી બંધારણીય બેન્ચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન કોર્ટે 7 મહત્વના બંધારણીય પ્રશ્નો પર વિચાર કર્યો હતો. જેમાં પ્રથમ પ્રશ્ન એ હતો કે કોઈ ધાર્મિક પરંપરા કોઈ ધર્મનો અનિવાર્ય ભાગ છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર કોર્ટ પાસે છે કે નહીં. બીજો પ્રશ્ન હતો કે ધાર્મિક સમુદાયોને પોતાના ધાર્મિક મામલાઓ સંપૂર્ણ સ્વતંત્ર રીતે સંચાલિત કરવાનો અધિકાર કેટલો છે. ત્રીજો મુદ્દો એ હતો કે કોઈ ધાર્મિક પ્રથા સમાનતાના મૂળભૂત અધિકારથી ઉપર હોઈ શકે કે નહીં, ખાસ કરીને જ્યારે કોઈ પરંપરા મહિલાઓ અથવા કોઈ વર્ગને બહાર રાખતી હોય.

કોર્ટે ‘સંવિધાનિક નૈતિકતા’ ધાર્મિક બાબતોમાં કેટલી હદ સુધી લાગુ થઈ શકે તે મુદ્દે પણ ચર્ચા કરી હતી. સાથે એ પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે કોઈ ધાર્મિક પ્રથાને માત્ર અસરગ્રસ્ત ભક્ત જ પડકારી શકે કે કોઈપણ નાગરિક કોર્ટમાં પડકાર આપી શકે. ધાર્મિક માન્યતાઓની તર્કસંગતતા અને વૈધતા કોર્ટ તપાસી શકે કે નહીં અને ધાર્મિક સ્વતંત્રતા, સમાનતા, ગૌરવ અને ભેદભાવ વિરોધી અધિકારો વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું તે મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.

- Advertisement -

સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે બંધારણની વિવિધ કલમોને એકસાથે આ રીતે વાંચવાથી ધર્મની સ્વતંત્ર ઓળખ નબળી પડી શકે છે. તેમણે ભારતની વૈવિધ્યસભર ધાર્મિક પરંપરાઓ દેશની કાયમી ઓળખ હોવાનું પણ જણાવ્યું હતું.

કોર્ટ તરફથી વધુ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી હતી કે કોઈ ચોક્કસ જાતિને બહાર રાખવું ન તો ધર્મ છે અને ન તો ધાર્મિક પ્રથા ગણાવી શકાય.

કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે અદાલતો ધાર્મિક માન્યતાઓનો અંતિમ નિર્ણય લેવા માટે યોગ્ય મંચ નથી, કારણ કે ન્યાયાધીશો ધાર્મિક સિદ્ધાંતોના નિષ્ણાત નથી. જ્યારે બીજી તરફ અનેક વરિષ્ઠ વકીલોએ દલીલ કરી હતી કે મહિલાઓ અથવા કોઈ સમુદાયને ધાર્મિક સ્થળોથી દૂર રાખવું બંધારણના સમાનતા સિદ્ધાંત વિરુદ્ધ છે.

- Advertisement -

આ કેસ સાથે અન્ય મહત્વના કેસો પણ જોડાયેલા છે. મુંબઈની હાજી અલી દરગાહમાં મહિલાઓના પ્રવેશ પરનો વિવાદ, દાઉદી બોહરા સમુદાયમાં FGM પ્રથાને પડકારતો કેસ અને ગેર-પારસી પુરુષ સાથે લગ્ન કરનાર પારસી મહિલાઓના અગ્નિ મંદિરમાં પ્રવેશ મુદ્દા પણ આ જ ચર્ચાનો ભાગ બન્યા છે.

હવે તમામ પક્ષકારોને 29 મે સુધી પોતાની લેખિત દલીલો રજૂ કરવાની મુદત આપવામાં આવી છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ આ ઐતિહાસિક કેસમાં અંતિમ ચુકાદો જાહેર કરશે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular