Thursday, May 14, 2026
HomeGujaratવડોદરાના કોંગ્રેસી કોર્પોરેટરની ધરપકડ પાછળ દારુનો કેસ કે હાર પચતી ના હોઈ...

વડોદરાના કોંગ્રેસી કોર્પોરેટરની ધરપકડ પાછળ દારુનો કેસ કે હાર પચતી ના હોઈ ધારાસભ્યનો ખેલ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરાઃ આપણા ગુજરાત પાસે પોતાની ઈડી, સીબીઆઈ નથી. આ વખતની ચૂંટણીમાં ગુજરાત પોલીસનો ભરપૂર ઉપયોગ થયાની વાત જગ જાહેર થઈ ગઈ છે. હવે તો વિદેશી ભારતીયોમાં પણ આ વખતની ચૂંટણીમાં પોલીસના ડંડાનો ઉપયોગ થયાની ચર્ચાઓ થવા લાગી છે. તેવા સંજોગોમાં વડોદરાના એક કોંગ્રેસના કોર્પોરેટરની જીત બાદ તેમની અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આ ખેલમાં હાર ના પચાવી શકતા ભાજપ નેતા હોવાના આરોપ લાગી રહ્યા છે. જે અંગે ખુદ તેમણે શું કહ્યું છે, તેમના નિવેદનમાં તે જાણવા જેવું છે. વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીએ પોલીસમાં નોંધાયેલા દારૂના કેસને રાજકીય પ્રેરિત અને ખોટો ગણાવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. એટલું જ નહીં તેમણે આ મામલે મુખ્યમંત્રી, ગૃહ મંત્રી સહીત માનવ અધિકાર પંચને પણ ફરિયાદ કરીને કાર્યવાહી માટે માગ કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં BJP સાથે છેડો ફાડીને કૉંગ્રેસમાં ગયેલા આશિષ જોશીની પોલીસે પ્રોહિબિશન કેસમાં ધરપકડ (Vadodara Congress Corporator Arrested) કરી છે. વડોદરા મ્યુનિસિપલ કૉપૉરેશનના વૉર્ડ નં. 15ના કૉંગ્રેસના કૉપૉરેટર આશિષ જોષી સામે ચૂંટણી પહેલાં છોટા ઉદેપુરના સંખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં નામ ખોલવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, વડોદરાના હરણી બોટ કાંડ (Vadodara Harni Boat Tragedy) સમયે ભાજપમાં રહેલા આશિષ જોશીએ મૃતકના પરિવાર સાથે ઉભા રહ્યાં હતાં.

- Advertisement -

વડોદરાના કૉપૉરેટર આશિષ જોશી બુધવારે અમદાવાદ ખાતે હાજર હતા તે સમયે અચાનક જ રામોલ પોલીસે તેમની હદમાંથી તેમની અટકાયત (Ashish Joshi arrested) કરી હતી. બુધવારે રાતે આશિષ જોશીની સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં રામોલ પોલીસે અટકાયત કરી તેની ગણતરીની મિનિટોમાં છોટા ઉદેપુર જિલ્લાની પોલીસ દોડી આવી હતી અને તેમનો કબજો મેળવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે દારૂ ભરેલું વાહન પકડ્યું હતું અને સંખેડા પોલીસ સ્ટેશન (Sankheda Police Station) ખાતે નોંધાયેલા કેસમાં આશિષ જોશીનું નામ ખોલ્યું હતું. આશિષ જોશીએ દારૂ મગાવ્યો હોવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે.

તેમણે કરેલી લેખિત રજૂઆતમાં આશિષ જોશીએ દાવો કર્યો છે કે તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમની જીત બાદ રાજકીય વેરઝેરના કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે ખાસ કરીને એક ધારાસભ્ય શૈલેષ સોટ્ટા પર આરોપ લગાવ્યો છે કે અગાઉથી રાજકીય મતભેદોને કારણે તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આશિષ જોશીનું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં તેમનું નામ ખોટી રીતે ઉમેરવામાં આવ્યું છે અને તેઓએ ક્યારેય દારૂ મંગાવ્યો નથી. કેસમાં દર્શાવાયેલા આરોપી સાથે થયેલા ફોન કોલ્સની પણ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

- Advertisement -

તેમણે આ સમગ્ર મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરાવવા, પોલીસ પર કોઈ રાજકીય દબાણ વગર કાર્યવાહી કરવાની અને યોગ્ય તપાસ વગર તેમની ધરપકડ ન કરવાની માંગ કરી છે. સાથે જ, આ કથિત ષડયંત્ર પાછળના જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

રજૂઆતમાં તેમણે ફરી આક્ષેપ કર્યો છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજકીય વેરઝેરના કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને પ્રોહિબિશન કેસમાં તેમનું નામ જાણીજોઈને ઉમેરાયું છે. તેઓએ દાવો કર્યો છે કે કથિત દારૂ જપ્તી કેસ સાથે તેમનો કોઈ સંબંધ નથી.

આશિષ જોશીએ જણાવ્યું છે કે કેસમાં દર્શાવાયેલા ફોન કોલ્સ અને અન્ય પરિસ્થિતિઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે. સાથે જ, ચૂંટણી દરમિયાન તેઓ પોલીસ સુરક્ષા હેઠળ હતા, તેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીનો પ્રશ્ન ઊભો થતો નથી, એવો પણ તેમનો દાવો છે.

- Advertisement -

તેમણે આ મામલે અગાઉ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરાઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે અને હવે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી પેન્ડિંગ હોવાનું જણાવ્યું છે. આશિષ જોશીએ માંગ કરી છે કે તેમની આ લેખિત રજૂઆતને તપાસના રેકોર્ડનો ભાગ બનાવવામાં આવે અને ભવિષ્યમાં ચાર્જશીટ દાખલ થાય તો તેમાં તેમના નિવેદનનો પણ સમાવેશ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો હોય કે નિવેદન આપવામાં આવ્યું નથી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular