Thursday, April 23, 2026
HomeGujaratરતન તાતાએ જ્યારે આ યુવાનને પૂછ્યું, શું તને મારા આસિસ્ટન્ટ થવું ગમશે?

રતન તાતાએ જ્યારે આ યુવાનને પૂછ્યું, શું તને મારા આસિસ્ટન્ટ થવું ગમશે?

- Advertisement -

રતન તાતાને એક અચ્છા ઉદ્યોગપતિ તરીકે આપણે સૌ જાણીએ છીએ;પણ તેઓ એક ઉમદા શ્વાનપ્રેમી પણ છે. તેઓનો શ્વાન પ્રત્યેનો પ્રેમ એટલો બધો છે કે તેઓ અવારનવાર પોતાના પાળેલાં શ્વાન વિશે બોલતા જણાય છે. આ ઉપરાંત, તાતા ગ્રૂપની મુંબઈ સ્થિત ઑફિસમાં પણ શેરીઓમાં રખડનારાં શ્વાન માટેનો એક સ્પેશિયલ રૂમ બનાવવામાં આવ્યો છે!

રતન તાતાનો આ શોખ શેરીઓમાં રખડતાં અનેક શ્વાન માટે આશિર્વાદરૂપ બન્યો છે. તેઓની મુંબઈ સ્થિત ઑફિસ આવાં શ્વાનોની કાળજી રાખતું દેખાય છે. આ પ્રેમને તેઓ બજાર સુધી પણ લઈ ગયા, જ્યાં તેમના ઇન્વેસ્ટથી એક ‘ડોગસ્પોટ’નામનું ઓનલાઈન પોર્ટલ ચાલી રહ્યું છે. આ પોર્ટલ પર શ્વાનથી માંડિને, બિલાડી, પક્ષીઓ અને અન્ય ડોમેસ્ટિક પ્રાણીઓ માટે આહાર, દવા જેવી ચીજવસ્તુઓ મળે છે. આ પોર્ટલ પરથી શ્વાન અને અન્ય પ્રાણીઓને ઍડોપ્ટ પણ કરી શકાય છે. અહીંયા સુધીની રતન તાતાના શ્વાન પ્રેમની કથા સામાન્ય છે, પણ તે અસામાન્ય ત્યારે બને છે જ્યારે તેમની સાથે 27 વર્ષનો યુવાન શાંતનું નાયડુ પણ આ સાહસમાં જોડાય છે.

- Advertisement -

આજે 82 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા રતન તાતાની 28 વર્ષના શાંતનુ નાયડુની પાક્કી દોસ્તી થઈ ચૂકી છે અને તે બંને મળીને ફિલ્મો જોવાથી માંડિને વાળ કપાવવા જેવી પ્રવૃત્તિ સાથેસાથે કરે છે. પણ આ દોસ્તીની શરૂઆત થઈ હતી શાંતનું નાયડુના એક માનવતાભર્યા પહેલથી. વાત એમ હતી કે શાંતનું ગ્રેજ્યુએટ થયો બાદ તે એક ઓફિસમાં જોઈન થયો. તેની લાઇફ સરસ રીતે આગળ વધી રહી હતી. પણ એક દિવસ જ્યારે તે જૉબથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેણે માર્ગ પર એક શ્વાનની ડેડબોડી જોઈ. તે પોતે પણ શ્વાન પ્રેમી હતો અને અગાઉ અનેક શ્વાનને બચાવી ચૂક્યો હતો. પણ આ ડેડબોડી જોઈને તેને લાગ્યું કે તેની હાજરી બધે તો નહીં હોય, તેથી કોઈ એવો આઇડિયા અમલમાં મૂકવો પડશે જેથી શેરીઓના શ્વાન માર્ગ પર મૃત્યુ ન પામે.

થોડા દિવસ પછી મિત્રોનાં મદદથી તેણે શ્વાનના ગળામાં બાંધી શકાય તેવાં કોલર વિકસાવ્યાં.આ કોલરને ગળામાં વિટાળેલા શ્વાનોને રાત્રે કોઈ પણ આસાનીથી જોઈ શકે તેમ હતું. કોલર બનાવ્યા બાદ બીજા દિવસથી તો શાંતનું અને તેના મિત્રોએ તે રખડતાં શ્વાનોને બાંધવાની શરૂઆત પણ કરી દીધી. આ બધું જ કરતી વખતે શાંતનુને આ આઇડિયા સફળ થશે કે કેમ તે અંગે શંકા હતી. જોકે આ સિવાય તેની પાસે શ્વાનોને સુરક્ષા બક્ષવાનો તત્કાલ કોઈ ઉપાય નહોતો. પરંતુ તેની આ પહેલના ન્યૂઝ જ્યારે રતન તાતા પાસે પહોંચ્યા ત્યારે ખુદ રતન તાતાએ શાંતનુના કાર્યને બિરદાવતો મેસેજ કર્યો! પછી તો શાંતનુનું આ કામ પૂરા તાતા ગ્રૂપમાં જાણીતું બન્યું અને તાતા ગ્રૂપના ન્યૂઝલેટર્સમાં તેને  જગ્યા પણ મળી. વાત પ્રસરી પછી તેમના કોલરની ડિમાન્ડ વધી પણ ફંડ ન હોવાથી કોલર ખૂટી પડ્યા. શાંતનુના પપ્પાએ એક દિવસ તેને કહ્યું કે રતન તાતાને એક પત્ર તો લખી જો. પહેલાં તો શાંતનુને તેમ કરવાનો ખચકાટ થયો પણ અલ્ટિમેટલી માર્ગ પર રખડતાં શ્વાનોને બચાવવાનો સવાલ હતો. તેણે રતન તાતાને એક પત્ર લખ્યો અને થોડા દિવસ પછી તે પત્ર લખ્યો છે તે વાત ભૂલી પણ ગયો. અને અંદાજે બે મહિના પછી રતન તાતાનો જવાબ શાંતનુને પત્ર થકી જ આવ્યો. તેમાં લખ્યું હતું : “તમારું કામ મને ખૂબ પસંદ પડ્યું છે, શું મને મળવું તમને ગમશે?” શાંતનુને તો પહેલા આ વાત કોઈ સ્વપ્ન સમાન લાગી.

- Advertisement -

થોડા દિવસ પછી રતન તાતાએ ફાળવેલા સમયે શાંતનુ મુંબઈ સ્થિત તાતા ગ્રૂપની ઓફિસે પહોંચ્યો. ત્યારે રતન તાતા તેને મળ્યા પછી કહ્યું કે, તેઓ તેના કામથી ખૂબ ખુશ છે અને પછી તો તેઓ રતન તાતા જાતે જ પોતાના પાળેલા શ્વાનોને મળાવવા શાંતનુને લઈ ગયા. પછી શરૂ થઈ આ વિખ્યાત ઉદ્યોગપતિ અને શાંતનુ નાયડુના દોસ્તીની કહાની.

બસ, પછી બંનેને અવારનવાર મળવાનું થતું. પણ શાંતનુુને માસ્ટર ડિગ્રી કરવાની હોવાથી તેને વિદેશ જવાનું થયું. આ દોસ્તી એ સ્તરે પહોંચી ચૂકી હતી કે શાંતનુ વિદેશ ગયો ત્યારે રતન તાતાને એવું પ્રોમિસ કરીને ગયો કે તે પાછો આવશે પછી તાતા ગ્રૂપમાં જ જોડાશે. રતન તાતાએ શાંતનુની આ દરખાસ્ત માન્ય રાખી.

- Advertisement -

પછી જ્યારે અભ્યાસ કર્યા પછી ભારત પાછો ફર્યો ત્યારે ખુદ રતન તાતાએ યાદ કરીને શાંતનનું ફોન કર્યો અને કહ્યું : “મારા ઑફિસમાં ઘણું કામ કરવાનું છે, શું તને મારા આસિસ્ટન્ટ થવું ગમશે?” શાંતનુએ ઊંડો શ્વાસ લીધો અને બીજી જ ક્ષણે ‘હા’ કહી.

શાંતનું હવે રતન તાતાને આટલી નાની ઉંમરે આસિસ્ટ કરી રહ્યો છે, અને તે રોજ એકાદ વખત શરીરે ચિમટો લે છે કે આ કોઈ સ્વપન તો નથી ને! શાંતનુનું માનવું છે કે મારી ઉંમરના યુવાનોને હાલના સમયમાં યોગ્ય મિત્ર, માર્ગદર્શક અને તેવાં જ બોસ મેળવવા મુશ્કેલ છે, પણ પોતાની જાતને તે નસીબવંતો માને છે કે આ બધા જ ગુણ ધરાવતા રતન તાતા તેને મળ્યા છે. રતન તાતા શાંતનુના બોસ અને માર્ગદર્શક તો છે જ, પાક્કા મિત્ર પણ છે.

 

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular