બપોરના લગભગ અઢી વાગ્યા હશે. મારા એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો, કે તમારી ઓફિસની બહાર ચાની હોટલ પર ઊભો છું. આવોને કામ છે. સામાન્ય રીતે અમે એ જ ચાની હોટલ પર બેસીને ગોષ્ઠી કરતા હોઈએ છીએ. હું ત્યાં પહોંચ્યો, એમણે કહ્યું “મારુ વ્હિકલ ટોઇંગ વાળા લઈ ગયા છે. ચાલો મને તે જગ્યાએ મૂકી જાવ.” હું ને મારા મિત્ર મારા બાઇક પર ત્યાં પહોંચ્યા.
પશ્ચિમ અમદાવાદના પોષ વિસ્તારમાં આવેલા એ સ્થળે પહોંચ્યા. એ જગ્યાની ત્રણ બાજુએ લગભગ પાંચ ફૂટ ઊંચો કોટ ચણેલો અને ત્રણ પૈકી એક બાજુના કોટમાં એન્ટ્રીગેટ કહી શકાય એવો લગભગ 20 ફૂટ લાંબો ઝાંપા વગરનો દરવાજો હતો. હું મારું વ્હિકલ લઈને અંદર દાખલ થયો. મેં જોયું કે, એક આધેડ વયના પોલીસકર્મી યુનિફોર્મમાં સજ્જ હતા અને બીડીના ધુમાડા કાઢતા થોડાક ઊંચા કહી શકાય એવા અવાજે કશુક બોલી રહ્યા હતા. અને લગભગ ચારેક જણ તેમની આસપાસ ઊભા રહી તેમને સાંભળી રહ્યા હતા. અથવા પેસિવસ્મોક કરી રહ્યા હતા. મને અંદર જતી વખતે કોઈએ કંઈપણ પૂછ્યું નહીં. એટલે મેં મારું બાઇક બાજુ પર પાર્ક કર્યું અને મારા મિત્રને કહ્યું, “આ દેખાય તમારું વ્હિકલ. જાવ, અંદર જઈને ચાંલ્લો લખાવી કંકોત્રી લઈ લો, પછી ચા મારા તરફથી.” મારા મિત્રને મારા વિનોદ પર હસવું તો ન આવ્યું પણ એ અંદરની બાજુએ દંડ ભરવા અને વ્હિકલ છોડાવવાની વિધિ પતાવવા ગયા.
હું મારા બાઇકના ટેકે ઊભો હતો પણ મારી આંખોને કોઈક બોલાવી રહ્યું હોય એમ લાગ્યું. મેં મારી નજર દોડાવી નહીં, દોડવા લાગી. લગભગ દસેક ફોરવ્હીલર, અને પાંચ-છ ટુ-વ્હીલર સાધનો પડ્યા હતા. તેમની કન્ડિશન જોઈને લાગતું કે, એમનું આજે જ અહીં આગમન થયું હશે. તેમને નવી જગ્યા અને બીજા નવા સાધનમિત્રોને જોઈને આનંદ થતો હોય તેવું તેમનાં મોઢા (બોનેટ અને હેડલાઈટ) પરથી લાગતું હતું. એટલામાં મારી નજર ટુ-વ્હીલર્સ કૂદીને તેની પાછળ ગઈ. જ્યાં લગભગ ત્રીસેક લીલીપીળી CNGરિક્ષા પડી હતી.
એ રિક્ષાઓ જર્જરિત હાલતમાં અશક્ત, લાચાર અને નિઃસહાય, પોતાના અંતિમ શ્વાસ ગણતા અને ઈશ્વરનાં આમંત્રણની રાહ જોતા વૃદ્ધ જેવી લાગતી હતી. તે જાણે મને કરગરતી હોય, આજીજી કરતી હોય એવું લાગતું હતું. તે જાણે મને પૂછી રહી હતી કે, મારી સંભાળ રાખનાર, મને સતત હરતી-ફરતી રાખનાર મારા માલિકને મળવું છે. એ મને લેવા કેમ નથી આવતા? તમને એ મળે છે? જો એ મળે તો એને મારો એક સંદેશો આપજો “મારે પણ બહાર ફરવું છે, મારાં શહેરમાં નવા બનેલા પુલ પરથી મારું શહેર જોવું છે, આ શિયાળાની ઠંડીમાં મારે પણ કોઈ અબોલ પ્રાણીની પથારી બનવું છે, નાના ભૂલકાંઓને નિશાળે મૂકવા જવું છે, પ્રેમીયુગલોને પરિમલ ગાર્ડન બતાવું છે, કોઈ બીમારને દવાખાને પહોંચાડવા છે, કોઈને તેમના ઘર સુધી લઈ જવા છે, સ્થાનિક ચૂંટણી આવી રહી છે તો મારે પણ લોકજાગૃતિ ફેલાવવી છે, કોઈ વિદેશ ભલે પ્લેનમાં જાય પણ એને એરપોર્ટ સુધી મૂકવા તો હું જઈ શકું ને!” મારા માલિકને કહેજો, હું હજી એટલી પણ ઘરડી નથી થઈ, કે હું રોડ ઉપર ફરું અને એનું ઘર ચલાવવા જેટલું પણ કમાઈ ન આપું. હું હવે કોઈ ભૂલ નહીં કરું, રિવરફ્રન્ટ પર જવાની પણ જીદ નહીં કરું, શેરીનાં બાળકોને થપ્પો રમતી વખતે હું મારી અંદર છુપાવા દઈશ. લોકડાઉન અને કર્ફ્યુના બધા જ નિયમ પાળીશ. બસ! પણ પ્લીઝ, મારા માલિકને કહેજો મને અહીંથી લઈ જાય.
હવે આ રિક્ષાને કેવી રીતે સમજાવું કે, વાસ્તવિકતા શું છે? પણ એટલું તો કહી જ શકાય કે, રિક્ષાનો જે પણ ગુનો હતો તે ભયજનક પાર્કિંગમાં હતી કે પછી ભયજનક ડ્રાઇવિંગ હતું. પણ આ ત્રણ પૈડાંની રિક્ષાઓ ઓછામાં ઓછા ત્રણ જણનાં પેટ ભરતી હતી. અમદાવાદ અને ગુજરાતમાં કેટલાય લોકોના પેટ ભરતી હતી અને ભરે છે. પણ અત્યારે જે રિક્ષાઓ કોઈને કોઈ નિયમભંગનાં કારણે સરકારી ગોદામોમાં છેલ્લા શ્વાસ લઈ રહી છે એનાં પૈડાંની સાથે કોઈનું જીવનચક્ર પણ ચાલતું ન થઈ શકે?
એટલામાં જ એક મોટું નવુંનક્કોર તોતિંગ વાહન પેલા દરવાજામાંથી એન્ટર થાય છે. તેની પાછળ લગભગ પાંચેક માણસો ઉપર ગોઠવેલા ટુ-વ્હીલર એક પછી એક નીચે ઉતારે છે અને ફરી પાછી મારી નજર ટુ-વ્હીલર્સ પર પડે છે એ જાણે અંદરોઅંદર વાત કરતા હતાં કે, વાહ! નવા મિત્રો આવ્યા. એટલામાં મારા મિત્ર પણ આવ્યા. અફકોર્સ, કંકોત્રી લઈને જ આવ્યા. સાતસો પચાસ રૂપિયાનો ચાંલ્લો કર્યો હતો એટલે હવે ચા મારે જ પીવડાવવાની હતી. પણ જતાં જતાં હું પેલી રીક્ષાઓને માત્ર જોઈ જ રહ્યો, ‘આવજો’ એમ ફોર્માલિટી ખાતર પણ ન કહી શક્યો. આશા છે કે એ રિક્ષાઓને હવે રસ્તા પર જ મળું.